નવજીવન ન્યૂઝ.રાજકોટઃ લાંબા સમયથી ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તેનો જવાબ મેળવવા ચાતક નજરે મીડિયા અને રાજકીય પક્ષો બેસી રહ્યા છે તેનો બરાબર ફાયદો પણ તેમને મળી રહ્યો છે. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે પોતાનો નિર્ણય જાહેર કરશે તેવો અંદાજ હતો પરંતુ પત્રકાર પરિષદ બાદ જે સામે આવ્યું તે શૂન્ય હતું. લેઉઆ પટેલ સમાજના ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ થોડા દિવસોથી પ્રવાસ પર હતો એટલે તેઓ આ મામલે કોઈને જવાબ આપી શક્યા નથી. તેમજ પત્રકારો દ્વારા તેમનો સતત સંપર્ક કરાતો હતો તેથી તેઓએ આજે આ પત્રકારો સંબધવા પરિષદનું આયોજન કર્યું છે.
રાજકારણમાં જોડાવા મામલે નરેશ પટેલ જેમ દરેક પોલીટીકલ પાર્ટીને કુણી પર ગોળ લગાડી રહ્યા છે તેવી જ રીતે મીડિયાને પણ છેલ્લા કેટલાક સમયથી જોડાશે, શક્યતાઓ, નરેશ પટેલે આપ્યો સંકેત વગેરે રીતે અપાતા અહેવાલોમાં મજા આવવા લાગી છે. તેમણે આજે રાજકારણમાં જોડાવાના રાજકારણમાં ક્યારે જોડાશે, કયા પક્ષમાં વગેરે સવાલનો અગાઉની સ્ક્રીપ્ટ મુજબ સમય કહેશે, યોગ્ય સમયે કહીશ, સમય સૂચવશે તેવો આપ્યો હતો. આ પ્રકારની પત્રકાર પરિષદો માત્ર દેખાવ કે પ્રચાર માટે કરી રાજકીય પક્ષો સાથે સારી ડિલ પાર પાડવા કરાતી હોય તેવી ધારણાઓ રાજકીય વિશ્લેષકો બાંધી રહ્યાં છે. ઉપરાંત કેટલાક વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે રાજકારણમાં આગળ વધવાના મામલે હજુ પણ તેમની તૈયારીઓ ઘટતી હોવી જોઈએ. આ પત્રકાર પરિષદમાં ફરી તેઓએ હવે ‘એપ્રિલના મધ્ય’ માં રાજકારણ પ્રવેશ અંગે નિર્ણય જાહેર કરવાની વાત કરી છે. જોકે અહીં તે બાબત પણ નોંધનીય છે કે છેલ્લા મોટાભાગના ઈલેક્શનના આગળના સમયમાં આ જ પ્રકારનો ડ્રામા વિવિધ સંસ્થાઓના વડાઓ દ્વારા થતો જોવા મળતો હોય છે નરેશ પટેલે પણ આવું જ આજે પણ કરી બતાવ્યું છે.
નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ બાદ ખોડલધામના ચેરમેન પદ પર રહેશે કે કેમ તેવા લગભગ તમામ સવાલોનો જવાબ આપ્યો કે તે સર્વે સમિતિના રિપોર્ટ બાદ નક્કી થશે. ત્યારે તેમની પોતાની નિર્ણય શક્તિ અંગે પણ સવાલ પેદા થાય છે ! અને બીજું કે જો યોગ્ય નિર્ણય જાહેર ન્હોતો કરવો તો આ પત્રકાર પરિષદ ગોઠવવા પાછળનું કારણ પ્રસિદ્ધી સિવાય બીજું શું હોઈ શકે? નરેશ પેટલે જણાવ્યું કે ખોડલધામનું જે નેટવર્ક છે તે જિલ્લા, તાલુકા તેમજ ગામડા સુધી પહોંચેલું છે. જે સમિતિ સમાજના અને ગામના અભિપ્રાયો લઈ રિપોર્ટ આપશે. જે ગામમાં જે અગ્રણી સમાજ છે તે સમાજના અભિપ્રાયો લેવાશે જોકે હાલ ખુબ જ ઓછા ગામમાં આ સર્વે થયો છે અને પરિણામ અસમંજસ ભર્યા છે, હજુ બીજા ગામો કવર થશે અને તેના રિપોર્ટ આધારે તેઓ નિર્ણય કરશે.
નરેશ પટેલના પુત્ર શિવરાજ અંગે પણ પરિષદમાં સવાલ કરાયો, શિવરાજ રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે પણ તેમણે એક આદર્શ પિતા આપે તે પ્રમાણેનો જવાબ આપ્યો હતો કે, પુત્ર શિવરાજને રાજકારણમાં જોડાવું કે નહીં તે તેનો પોતાનો અગંત નિર્ણય છે. જો શિવરાજ જોડાવા માંગે તો હું છુટ આપીશ. ઉપરાંત પ્રશાંત કિશોર સાથેની મુલાકાત અંગે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મામલે યોગ્ય ચોખવટ કરવાનું મુનાસીબ માની કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ઘણા જુના સંબંધો છે, અને આ મુલાકાતની જે વાત છે તે પણ ઘણી જુની મુલાકાત છે. અમે પહેલાથી ઓળખીએ છીએ અને આ એક સામાન્ય મુલાકાત હતી.
પાટીદાર અનામત માટે થયેલા આંદોલન સમયના કેસ પરત ખેંચવા બાબતે પત્રકારોએ તેમનો જવાબ માગ્યો ત્યારે તેમણે કહ્યું કે, પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનો પર સરકારે કેસ પાછા ખેંચ્યા છે. મને ખુબ પહેલા જ ખાતરી અપાઈ હતી કે તેઓ કેસ પરત ખેંચી લેશે. લેઉઆ પટેલ સમાજના આગેવાન તરીકેની છાપ સાથે આગળ આવેલા નરેશ પટેલ હવે અન્ય સમાજોને સાથે જોડવા માંગતા હોય તેવું પણ જણાયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.