નવજીવન ન્યૂઝ. રાજકોટ: સમગ્ર દેશમાં આજે ધૂળેટીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. તેવામાં ગુજરાતનાં રાજકારણમાં રંગ જામ્યો છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા રાજકીય રંગ જામ્યો છે. જો કે હજી સુધી નરેશ પટેલનું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે હોલી કે રંગ, ભાજપા કે સંગ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ સહીત આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નજીક આવતા નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. વિજય રૂપાણીના નિવેદનથી ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આજે ધુળેટી એટલે રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ.
![]() |
![]() |
![]() |











