Friday, November 13, 2026
HomeNationalમહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટના ઘરે મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ કમિશનર અને DCPને...

મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટના ઘરે મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ કમિશનર અને DCPને ફોન કર્યા પણ કોઈએ ન ઉપાડ્યો

- Advertisement -

Stone Pelting at Minister Sanjay Shirsat’s house: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી અને છત્રપતિ સંભાજીનગરના પાલકમંત્રી સંજય શિરસાટના નિવાસસ્થાને મોડી રાત્રે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ છે. ગુરુવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરને નિશાન બનાવી પથ્થરો અને કાચની ખાલી બોટલો ફેંકી હતી. આ ઘટનાને પગલે મંત્રી સંજય શિરસાટ સ્થાનિક પોલીસ પ્રશાસન પર ભારે નારાજ થયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘટનાની જાણ થયા બાદ પોલીસ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો ફોન બંધ હતો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ફોન ઉપાડ્યો નહોતો.

મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે આશરે 12:30 વાગ્યે ગોલવાડી વિસ્તારમાં આવેલા મંત્રી સંજય શિરસાટના નિવાસસ્થાનની બહાર ત્રણ યુવકો અચાનક આવી પહોંચ્યા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે મંત્રીના ઘર પર પથ્થરો અને કાચની ખાલી બોટલો ફેંકી હતી. ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓ અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી હતી. શંકાસ્પદ યુવકોને પકડવાના પ્રયાસ દરમિયાન થયેલી ઝપાઝપીમાં બે પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય યુવકોને ઘટનાસ્થળેથી જ અટકાયતમાં લીધા હતા.

- Advertisement -

જોકે, આ ઘટના બાદ મંત્રી સંજય શિરસાટ સ્થાનિક પોલીસ પ્રશાસનની કામગીરીથી વધુ નારાજ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હુમલાની જાણ થયા બાદ તેમણે શહેરના પોલીસ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. આ ઉપરાંત કોઈ DCP કે ACP કક્ષાના વરિષ્ઠ અધિકારી પણ ઘટનાસ્થળે પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા નહોતા.

મંત્રી શિરસાટે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે શહેરના પાલકમંત્રીના નિવાસસ્થાને હુમલો થાય છે, પોલીસ કમિશનરનો ફોન બંધ છે અને કોઈ DCP કે ACP ઘટનાસ્થળે પહોંચવાની તસ્દી લેતું નથી. આટલી ગંભીર ઘટનાની ગંભીરતા તો સમજવી જોઈએ. જો મંત્રીના નિવાસસ્થાનની સુરક્ષાની આ સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું થશે?

આ મામલો મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલય સુધી પહોંચ્યો હતો. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)એ પણ ઘટનાની નોંધ લીધી હતી. DGPએ મોડી રાત્રે પાલકમંત્રી સંજય શિરસાટ સાથે ફોન પર વાત કરી હતી અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- Advertisement -

હાલ પોલીસે અટકાયતમાં લેવામાં આવેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પૂછપરછ શરૂ કરી છે. આ હુમલો કોઈના ઇશારે કરવામાં આવ્યો હતો કે તેની પાછળ અન્ય કોઈ કારણ હતું, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. મંત્રીના નિવાસસ્થાન પર થયેલા આ હુમલા બાદ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular