Tuesday, October 20, 2026
HomeBusinessચીન દરેક ઘટાડે સોનું ખરીદી ભાવને ૪૦૦૦ ડોલરની નીચે જતું અટકાવે છે

ચીન દરેક ઘટાડે સોનું ખરીદી ભાવને ૪૦૦૦ ડોલરની નીચે જતું અટકાવે છે

- Advertisement -
  • નીચા ભાવે ભરપુર માંગ સોનાને ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં ૪૭૫૦થી ૫૫૦૦ ડોલરની ઉંચાઈએ લઇ જશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): નબળી અસ્કયામત (પ્રોપર્ટી) માગ, શેરબજાર પર મંદીવાળાની પકડએ જાગતિક સેન્ટ્રલ બેંકો, સંસ્થાગત ફંડો અને રોકાણકારોને તેમની બચતનું વૈવીધ્યકરણ, સોનાનાં દરેક ભાવ ઘટાડે ખરીદ કરવાની ફરજ પાડી છે. આવા તમામ રોકાણકારો જ ભાવને નીચે ખેંચવામાં અગ્રેસર રહ્યા છે. તમે જુઓ સપ્ટેમ્બરમાં સોનાના ભાવ ૮ ટકા ઘટીને ૪૧૭૬ ડોલર પ્રતી ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) થયા હતા, જે જાન્યુઆરી ૨૦૨૬માં વિક્રમ ઉંચાઈએ ૫૫૦૦ ડોલર બોલાયા હતા. મંગળવારે (આજે) રનીંગ ભાવ વધુ ઘટી ૪૧૧૫ ડોલર હતો. અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેકસે નકારાત્મક છબી ઉભી કરી હોવા છતાં, ભાવ ૪૦૦૦ ડોલરથી નીચે જવામાં નાનપ અનુભવે છે, કારણ સ્પષ્ટ છે. દરેક ઘટાડે આવતી લેવાલી. ચીનની સુવર્ણ અનામત અમેરિકા કરતા સારી એવી નીચે છે, પણ તે દરમહીને પોતાની ખરીદી વધારે છે. ચીનની સેન્ટ્રલ બેન્કે સપ્ટેમ્બરમાં સોનાની આયાત અગાઉ એક મહિનામાં કયારેય નાં કરી હોય તેટલી, ૨૩ ટન કરી હતી. બુલિયન એનાલીસ્ટોની આગાહી છે કે આવી ભરપુર માંગ સોનાને ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિકના અંતે ૪૭૫૦થી ૫૫૦૦ ડોલરની ઉંચાઈએ લઇ જશે.

દર વખતે ભાવ ઘટે ત્યારે ચીન લેવા હાજર થઇ જાય છે. માર્ચ ૨૦૨૬મા ભાવ ૫૪૦૦ ડોલર હતા ત્યારે ૪.૯૮ ટન સોનું ખરીદ્યું હતું, એપ્રિલમાં ૪૬૦૦ ડોલરે ૮.૦૯ ટન, મેમાં ૪૪૦૦ ડોલરે ૯.૯૫ ટન, જુનમાં ૪૨૦૦ ડોલરે ૧૪.૯૩ ટન, જુલાઈમાં ૪૧૦૦ ડોલરે ૧૯.૯૧ ટન, ઓગસ્ટમાં ૪૩૦૦ ડોલરે ૨૦.૨૨ ટન, અને સપ્ટેમ્બરમાં ૪૩૦૦ ડોલરે ૨૩.૦૨ ટન સોનું ખરીદ્યું હતું. ચીને ડોલર પરના આધારને ઘટાડવા સોનાની આયાત કરી હતી. અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે, ચીનના રોકાણકારોની માફક મૂડીરોકાણના બીજા વિકલ્યો ઓછા છે. પરિણામે સોનામાં ગૃહવપરાશ માટેની માંગ સતત રહ્યા કરે છે. મોટા અને ખાનગી રોકાણકારો પણ શેરબજાર મંદીના ગોથા મારે છે અને મકાન બાંધકામ ક્ષેત્રે પણ સંઘર્ષ વધ્યો છે ત્યારે ગોલ્ડ બાર, કોઈનમાં ખરીદી કરી રહ્યા છે.

- Advertisement -

ચીનનું વિદેશ મંત્રાલય કહે છે કે ૨૦૧૫ પછી પહેલી વખત સપ્ટેમ્બરમાં ૨૩ ટન સોનાની સૌથી વધુ આયાત કરી હતી. ચીને ૨૦૨૬નાં પ્રથમ ૮ મહિનામાં, ૨૦૨૫ની સમાનગાળાની ૯૬.૫ અબજ ડોલરનાં ૮૮૬ ટન સોનાની આયાત કરતા વધુ ૧૫૮.૮ અબજ ડોલરનું ૧૦૦૦ ટન કરતા વધુ સોનું આયાત કર્યું હતું. જાગતિક બજારની તુલનાએ ચીનમાં સોનાના ભાવમાં પ્રીમીયમ બોલાતા રહીને પણ આયાતનું આકર્ષણ વધ્યું હતું. આથી વિપરીત ભારતમાં મે મહિનામાં સોના પરની આયાત જકાત ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવતા, એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૬મા આયાત ગતવર્ષની તુલનાએ ૨૭ ટકા ઘટીને ૧૯.૨૭ અબજ ડોલરની થઇ હતી.

હવે અહી પ્રશ્ન એ થાય છે કે દરેક ઘટાડે ચીન શા માટે વધુને વધુ સોનું ખરીદે છે? ભૂ-ભૌગોલિક જોખમથી બચવા ચીન ઈચ્છે છે કે તેમની વિદેશી હૂંડિયામણ અનામતનું પાકેપાયે રક્ષણ થાય. અમેરિકાનું દેવું વધીને ૪૦ ટ્રીલીયન ડોલર પાર કરી ગયું છે, ત્યારે પશ્ચિમની કરન્સી અસ્કયામતોને દેશમાં આવતી થોભાવી દેવી જોઈએ. ચીનની વાર્ષિક વેપાર પુરાંત અત્યારે અંદાજે ૧ થી ૧.૨ ટ્રીલીયન ડોલરની છે. અસરકારક રીતે અમેરિકન ડેટમાં ઘટાડો કરીને સોનાની ઘટતા ભાવે આયાતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular