Friday, October 23, 2026
HomeGujarat'સાડી ફાટે તો મા સાંધીને ચલાવતી પણ નવી લાવતી નહીં' આ દિવસો...

‘સાડી ફાટે તો મા સાંધીને ચલાવતી પણ નવી લાવતી નહીં’ આ દિવસો પછી PSI એ અમીરી ગળે લગાવી | શતરંજ-66

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-66, નવજીવન ન્યૂઝ): જે.કે.વછરાજાની સાબરકાંઠાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી પોતાના તાબામાં કયા કયા પોલીસ-અધિકારીઓ છે તેની યાદી તેમણે મંગાવી. આ ઉપરાંત તેમણે પોતાના રીડર પોલીસ-ઇન્સ્પેક્ટર આર. એમ. પટેલને બોલાવ્યા હતા. પટેલ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન લઈ ઇન્સ્પેક્ટર થયા હતા. તેમણે પોતાની કૅરિયર કૉન્સ્ટેબલથી શરૂ કરી હતી. જોકે હવે બે વર્ષ પછી તેઓ રિટાયર થવાના હતા. પટેલ વછરાજાનીની ચેમ્બરમાં દાખલ થતાં, વછરાજાનીએ બહુ ઉમળકાભેર તેમને આવકાર્યા હતા અને તેમની કામગીરીનાં વખાણ કર્યાં હતાં. પટેલને આ બહુ અજુગતું લાગ્યું હતું. તેમનો અને વછરાજાનીનો પરિચય હજી હમણાં જ થયો હતો, પણ વછરાજાની તેમને વર્ષોથી ઓળખતા હોય તે રીતે વર્તતા હતા. પટેલને ખાસ અંગ્રેજી પણ આવડતું ન હતું. કોર્ટનો કોઈ કાગળ અંગ્રેજીમાં આવે તો નવા આવેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની મદદ લેવી પડતી હતી, પણ માણસ ઓળખતાં સારું આવડતું હતું, વછરાજાનીએ તરત તેમના માટે ચા મંગાવી હતી. પટેલ વિચાર કરવા લાગ્યા : તેઓ એવું માનતા કે કોઈ આઇપીએસ અધિકારી જો તમને માન આપવા લાગે તો ચેતી જવું. કારણ કે તેમનો અનુભવ એવું કહેતો હતો, કે આઇપીએસ અધિકારી પોતાના સ્વાર્થ વગર ક્યારેય કંઈ વિચારતા નથી. જોકે તેમને ખબર હતી કે ડિપાર્ટમેન્ટમાં સારા આઇપીએસ અધિકારીઓ પણ હોય છે. જોકે વછરાજાનીના કિસ્સામાં તેમનો મત સ્પષ્ટ હતો કે, તેમની ઉપર ભરોસો મૂકવો એટલે પોતાની જાતને કૂવામાં ફેંકવા બરાબર હતું.

વછરાજાનીએ પટેલ પાસેથી… પરિવારમાં કોણ કોણ છે? બાળકો શું કરે છે? ઠેકાણે પડ્યાં કે નહીં? — તેવી અંગત જાણકારી મેળવી હતી. તેમણે પટેલને આશ્વાસન પણ આપ્યું હતું કે, તેઓ રિટાયર થવાના હશે તેના બે મહિના પહેલાં તેઓ ડીજીપી સાથે વાત કરી તેમના એક્સ્ટેન્શનની ભલામણ પણ કરશે. વછરાજાનીનો આવો વ્યવહાર લગભગ ત્રણ-ચાર દિવસ ચાલ્યો. તેઓ પોતાની ચેમ્બરમાં રોજ પટેલને બોલાવતા. ચા પિવડાવતા અને વાતો કરતા. પટેલ સાથેની વાતચીત દ્વારા તેમણે સબ-ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભટ્ટ અંગે જાણકારી મેળવી. દિવ્યાંગ ભટ્ટને હજી પોલીસમાં આવ્યાને ચાર વર્ષ થયાં હતાં. પ્રોબેશન પછીનું તેનું ઈડર પોલીસસ્ટેશનમાં પહેલું પોસ્ટિંગ હતું. પટેલને તેમણે સૂચના આપી કે, દિવ્યાંગને સૂચના આપવામાં આવે કે એસપી તેમને મળવા માગે છે. જ્યારે વછરાજાનીએ ચાર્જ લીધો ત્યારે દિવ્યાંગ સલામી કરવા પણ આવ્યો હતો, પણ કોણ જાણે વછરાજાનીને તેનો ચહેરો યાદ આવતો ન હતો.

- Advertisement -

બીજા દિવસે સબ-ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભટ્ટ યુનિફૉર્મમાં ક્રૉસબેલ્ટ સાથે એસપી જે. કે. વછરાજાનીને મળવા માટે આવ્યો. તેણે સલામી કરતાં, વછરાજાની પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને તેમણે પણ સામી સલામી આપી. દિવ્યાંગ સાથે હાથ મિલાવ્યો. દિવ્યાંગ ગદ્ગદિત થઈ ગયો. કોઈ આઇપીએસ અધિકારીએ તેની સાથે હાથ મિલાવ્યો હોય તેવી પહેલી ઘટના હતી. દિવ્યાંગની ઉંમર ૨૮ વર્ષની જ હતી. પોલીસમાં નોકરીએ લાગ્યો, તે જ વર્ષે તેનાં લગ્ન લેવામાં આવ્યા હતા અને લગ્ન બાદ દીકરીનો જન્મ થયો હતો. દીકરી મંદા હજી બે વર્ષની હતી. જ્યારે દિવ્યાંગે પોલીસમાં જોડાવાની વાત કરી ત્યારે શિક્ષક પિતાએ અનિચ્છા દર્શાવી હતી. તેમનો મત હતો, બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલા લોકોએ પોલીસમાં નોકરી કરવી જોઈએ નહીં. કારણ તેમના કુળને અનુરૂપ કામ નથી. જોકે આ તેમનો વ્યક્તિગત મત હતો. તે પોતાનો મત પોતાના પુત્ર દિવ્યાંગના માથે થોપવા માગતા ન હતા, એટલે દિવ્યાંગ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી પોલીસમાં ભરતી થયો હતો.

દિવ્યાંગના પિતા નાના ગામડામાં શિક્ષક હતા. પગાર પણ ઓછો. ઘરમાં વૃદ્ધ દાદા-દાદી પણ સાથે જ રહેતા હતા. ઉંમરના કારણે તેમની બીમારી પણ રહેતી હતી. પિતા અત્યંત જુનવાણી હતા. ગામના શાહુકારોનાં બાળકોને ટ્યૂશન આપતા પણ ફી લેતા ન હતા. તેઓ માનતા કે શિક્ષણનો ધંધો થાય નહીં, તે તો દાનસ્વરૂપમાં જ આપવું જોઈએ. ઘર ચલાવવા માટે સરકાર પગાર તો આપે છે પછી બીજા પૈસાની શું જરૂર છે? પણ તેવું ન હતું. પૈસાની ખૂબ જ જરૂર હતી. દિવ્યાંગે પૈસાના અભાવે ઘરમાં પોતાની માને પિતા સાથે ઝઘડતી જોઈ હતી. માની સાડી ફાટે તો સોઈ-દોરો લઈ સાંધી લેતી હતી, પણ નવી સાડી લાવતી ન હતી. બ્રાહ્મણ હોવાને કારણે ગામના પટેલો પાક ઊતરે ત્યારે ધાન આપી જતા, જેના કારણે ખાવા-પીવાનું નીકળી જતું હતું.

ગરીબાઈમાં ઊછરેલા દિવ્યાંગને પોલીસમાં નોકરી મળી ત્યાર બાદ તેને લાગ્યું કે, પૈસા કમાવવા બહુ જ સહજ છે. પગાર ઉપરાંત ઉપરની કમાણી પણ ખાસ્સી થતી હતી. દિવ્યાંગ હજી પોતાના જૂના દિવસો ભૂલ્યો ન હતો. તેને ગરીબી સામે ગુસ્સો હતો. તેના કારણે શ્રીમંતાઈને ગળે લગાડવા માગતો હતો. તે રજાઓમાં પોતાનાં માતા-પિતાને મળવા માટે ઘરે જતો હતો. એક દિવસ તેના પિતાએ પૈસાથી ભરેલા પર્સને જોઈ કહ્યું, “બેટા, પૈસો સગવડ આપશે, સુખ નહીં.” દિવ્યાંગ કંઈ બોલ્યો નહીં. તેને કહેવું ઘણું હતું, પણ તે બોલી પિતાને દુઃખી કરવા માગતો ન હતો. દિવ્યાંગને પણ ખબર હતી તે જે કંઈ કરી રહ્યો હતો, તે સાચું ન હતું. પણ હવે તે રસ્તા ઉપરથી પાછો ફરવા માગતો ન હતો. તેને ખૂબ પૈસા અને નામ કમાવવાં હતાં.

- Advertisement -

વછરાજાનીએ તેને બેસવાનો ઇશારો કર્યો. વછરાજાનીએ ઇન્ટરકોમ ઉપર ઇન્સ્પેક્ટર પટેલને સૂચના આપી : “ચેમ્બરમાં કોઈને મોકલતા નહીં.” દિવ્યાંગ વછરાજાનીની ચેમ્બરમાં એક કલાક રહ્યો હશે. વછરાજાનીએ ઇન્સ્પેક્ટરને ઇન્ટરકોમ ઉપર સૂચના આપી પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યું, “દિવ્યાંગને મારા સ્ટ્રાઇકિંગ ફૉર્સમાં પોસ્ટિંગ આપી દો. ઑર્ડર તૈયાર કરી મારી પાસે લઈ આવો.” જ્યારે વછરાજાનીએ સૂચના આપી ત્યારે દિવ્યાંગના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી. પટેલે દિવ્યાંગ સામે જોયું. પટેલ તો ચિઠ્ઠીના ચાકર હતા. તેમને તો ઑર્ડરનો અમલ કરવાનો હતો, પણ કોણ જાણે તેમને કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું અંદરથી લાગી રહ્યું હતું. તેમણે દિવ્યાંગ સામે જોયું ત્યારે તેમનું મન દિવ્યાંગને કહી રહ્યું હતું કે, ‘વછરાજાની સાથે કામ કરીશ નહીં, કોઈ મુસીબતમાં આવી જઈશ.’ પણ તે તેવું કહી શક્યા નહીં. તે બહાર ગયા અને તેમણે કમ્પ્યૂટર ઑપરેટરને જરૂરી ઑર્ડર ટાઇપ કરવાની સૂચના આપી હતી. હવે દિવ્યાંગ ભટ્ટે ઈડરને બદલે હિંમતનગરમાં પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં બેસવાનું હતું. તે ખુશ હતો.

હુબલી પહોંચેલા ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર ગોડબોલેના ઘરે પહોંચ્યા હતા. ગોડબોલે ખૂબ જ સારું દંપતી હતું. પ્રેમાળ સ્વભાવનાં હતાં. મિસ્ટર ગોડબોલેએ પરમાર માટે નાસ્તો બનાવવાની સૂચના આપતાં, મિસિસ ગોડબોલે બટાટેપોહે બનાવી લાવ્યાં હતાં. નાસ્તા પછી ચા પણ બનાવી લઈ આવ્યાં હતાં. જ્યારે ગોડબોલેએ પરમારને ફરી આવવાનું કારણ પૂછતાં, પરમારે તેમને રામનો ફોટો બતાવી પૂછ્યું : “સર, ઇસ લડકે કો આપ જાનતે હો?” ગોડબોલેએ પોતાનાં ચશ્માં સાફ કર્યાં અને ધ્યાનથી જોવા લાગ્યા. પણ તેમને ચહેરો જોયો હોય તેવું લાગતું ન હતું. પરમાર તેમના ચહેરાને વાંચી રહ્યા હતા. મિસિસ ગોડબોલે પણ પોતાના પતિના હાથમાં રહેલો ફોટો જોવા લાગ્યાં અને પછી તેઓએ પોતાના પતિને ઉદ્દેશતાં કહ્યું, “આહો, હા તો મિલેંગા આહે, ત્યાં નવારા-બાઇકો બરોબર તેલા પણ બસ મધના ખાલી ઊતરાલા હોતા તો… (અરે આ પેલો છોકરો છે, બસમાંથી પેલા ધણી-ધણિયાણીને નીચે ઉતાર્યાં, ત્યારે તેમની સાથે હતો તે છે.)” ગોડબોલેએ પોતાની પત્ની સામે જોયું. તે ફરીથી તે દિવસ યાદ કરવા લાગ્યા અને પછી કહ્યું. “અરે હો તો જ આહે. (અરે હા તે જ છે.)” પછી તે દિવસે શું બન્યું તેનું વર્ણન કરતાં ગોડબોલેએ પરમારને કહ્યું કે, “આ પેલી ત્રીજી વ્યક્તિ છે, જેને અમદાવાદ અને સોલાપુર પોલીસે બસમાંથી નીચે ઉતારી હતી.” પરમારે આ અંગે ગોડબોલેને ‘તેમનું એક વધુ સ્ટેટમેન્ટ લેવું પડશે’ તેવું કહ્યું તો તેઓ તૈયાર થઈ ગયાં. આમ વધુ બે સાક્ષીઓ મળ્યાં હતાં, જે નિઝામ અને રૂપા સાથે રામ જ હોવાની વાતનું સમર્થન આપતા હતા. પરમારનું મોટું કામ પૂરું થયું હતું. હવે તે અમદાવાદ પાછા જવા નીકળ્યા હતા. રસ્તો લાંબો હતો, પણ કામ થયાનો તેમને સંતોષ હતો. અમદાવાદ ગયા પછી તેમણે હવે જયપુર જેલમાં જઈ રામને મળવાનો વિચાર કર્યો હતો. રામ પાસે અનેક રહસ્યો હતાં. તે નિઝામ અને રૂપાની હત્યાનું કારણ આપી શકે તેવો એકમાત્ર સાક્ષી હતો.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular