Tuesday, October 20, 2026
HomeGujaratગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સિંગાપુરમાં શરૂ કરશે હોટલ બિઝનેશઃ PA એ આપી ગુપ્ત...

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સિંગાપુરમાં શરૂ કરશે હોટલ બિઝનેશઃ PA એ આપી ગુપ્ત માહિતી | શતરંજ-64

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-64, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર જયપુરની જેલમાં રહેલા નિઝામના સાથી રામની પૂછપરછ કરવા માગે છે, તેવી માગણી કરતા પરમારના પત્રએ ફરી સીઆઇડી ક્રાઇમથી લઈ સચિવાલય સુધી ગરમાવો લાવી દીધો હતો. જે રીતે પરમારનો પત્ર જોતાં અક્ષય જૈન ચોંકી ઊઠ્યા હતા તે જોઈ ખુદ પરમારને પણ આશ્ચર્ય થતું હતું. તેમને વિવેક પંતની વાત યાદ આવી ગઈ હતી. જો સોલાપુરથી હુબલી જતી બસમાં નિઝામ સાથે રામ જ હશે, તો પરમારને માટે રામ સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરમારને લાગ્યું કે તેમણે ઉતાવળ કરવી પડશે નહીંતર કંઈક ગરબડ થવાની સંભાવના છે. તેમની સિક્સ્થ સેન્સ તેમને કંઈક ઇશારો કરી રહી હતી, પણ કયા ભયસ્થાનની વાત છે તે હજી સમજી શક્યા ન હતા.

પરમારે ગુજરાત સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચમાં રહેલા ગૅંગ્સ્ટરના કાર્ડ કાઢ્યા. જેમાં રામનો ફોટોગ્રાફ અને તેનો ક્રાઇમ રેકર્ડ હતા. થોડા વિચાર પછી પરમારે પોતાનું પ્લાનિંગ બદલી નાખ્યું. તેમણે જયપુર જવાને બદલે સોલાપુર જવાની યોજના બતાવી. તે તરત એક રિપોર્ટ તૈયાર કરી અક્ષય જૈન પાસે ગયા. તેમણે તેમના ટેબલ ઉપર રિપોર્ટ મૂક્યો. જૈને વાંચતાં જ પૂછ્યું, “ક્યા બાત હૈ પરમાર? કલ તો આપને જયપુર જાને કો બોલા થા. આજ આપ સોલાપુર જાના ચાહતે હો?” પરમાર પોતાની યોજના છતી કરવા માગતા ન હતા. તેમણે કહ્યું , “સોલાપુર મેં કુછ વિટનેસ કે ફર્ધર સ્ટેટમેન્ટ બાકી હૈં, ઔર કુછ દિન કે બાદ હમેં સુપ્રીમ કોર્ટ કો તીસરા સ્ટેટ્સ રિપોર્ટ ભી દેના હૈ, ફિર કોર્ટ કી ડાટ ખાની પડેંગી.” પરમાર ઇરાદાપૂર્વક કોર્ટના નામે વાત કરી રહ્યા હતા. તેમને ખબર હતી કે મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ બહાર ગમે એટલી શૂરવીરતા બતાવે પણ કોર્ટનું નામ આવતાં ઢીલાઢફ થઈ જતા હોય છે.”

- Advertisement -

અક્ષય જૈને રિપોર્ટ ઉપર તરત સહી કરી આપી અને કહ્યું, “કોઈ બાત નહીં, આપ સોલાપુર કે લિયે નિકલ જાઓ. મૈં ડીજીપી સે બાત કર લૂંગા.” પરમારે ઊભા થતાં કહ્યું, “સર, વો જયપુરવાલા રિપોર્ટ ભી દેખ લેના.” પરમારે પોતાના ઘરે ફોન કરી બે-ત્રણ દિવસ પ્રવાસમાં ચાલે એટલાં કપડાં સાથેની બૅગ તૈયાર કરવાની સૂચના આપી અને સાંજ થતાં પહેલાં તે સોલાપુર જવા રવાના થયા. અક્ષય જૈનને આખી વાત સમજાઈ ન હતી, કે પરમાર જયપુરને બદલે સોલાપુર કેમ જઈ રહ્યો છે. તેમને ગંધ આવી ગઈ હતી કે પરમાર જે કહી રહ્યો છે તેના કરતાં કંઈક જુદું જ કારણ હોવું જોઈએ. કારણ કે ભૂતકાળમાં પણ પરમાર આવું અનેક વખત કરી ચૂક્યા હતા.

ઇન્દ્રસિંહ જાડેજા સચિવાલય પહોંચ્યા હતા. તેમણે રસ્તામાંથી જે. કે. વછરાજાનીને સૂચના આપી કે તાત્કાલિક મંત્રી અમર ઠાકોરને ત્યાં પહોંચો. હજી મંત્રી ઠાકોર પોતાની ચેમ્બરમાં આવ્યા ન હતા, એટલે જાડેજા મંત્રીના પર્સનલ સેક્રેટરી રોહિત શાહ પાસે બેઠા હતા. મંત્રીના પીએનો દબદબો તો મંત્રી કરતાં પણ વિશેષ હોય છે. ખાસ કરી તેમને ઘણા અધિકારીઓ સાચવતા હોય છે. તેનું કારણ એવું હોય કે, મંત્રીનો મૂડ કેવો છે, હમણાં વાત થાય છે કે નહીં, ફાઈલની મૂવમેન્ટ ક્યાં સુધી આગળ વધી, ફાઈલમાં નોટિંગ શું છે, …આવી નાની પણ મહત્ત્વની જાણકારી પીએસ પાસે હોય છે. પોલીસ-અધિકારીઓ મંત્રી પાસે જતાં પહેલાં રોહિત શાહ પાસેથી આવી જાણકારી મેળવીને જ અંદર જતા હતા. મંત્રી આવ્યા ન હતા, માટે જાડેજા, રોહિત શાહની ચેમ્બરમાં બેસી ગપ્પાં મારી રહ્યા હતા.

ઇન્દ્રસિંહ જાડેજાએ વાતની શરૂઆત કરતાં કહ્યું, “સાહેબનું દિવાળીમાં શું પ્લાનિંગ છે?” શાહે આજુબાજુ જોઈ કહ્યું, “મારું નામ કહેતા નહીં. સાહેબ આ વખતે પૂરા પંદર દિવસ સિંગાપુર રહેવાના છે.” જાડેજાને આશ્ચર્ય થયું… મંત્રી અમર ઠાકોર જેવા બિઝી મંત્રી પંદર દિવસ ભારતની બહાર રહે તે વાત કંઈ માનવામાં આવે તેવી ન હતી. તેમના ચહેરા ઉપરનું આશ્ચર્ય સમજી ગયેલા શાહે ફરી ધીમા અવાજે કહ્યું, “કોઈ એનઆરઆઈ સાથે બે-ત્રણ મિટિંગ થઈ છે. સિંગાપુરમાં હોટલ ખરીદવાનું પ્લાનિંગ છે.” જાડેજા માટે ઇન્ફર્મેશન ખાસ્સી મહત્ત્વની હતી. મંત્રી હોટલ ખરીદી રહ્યા છે અને તે પણ સિંગાપુરમાં! તેનો અર્થ બ્લૅક મની ટ્રાન્સફર થઈ રહ્યું હતું. ભવિષ્યમાં ઇન્ફર્મેશનનો ઉપયોગ પણ થઈ શકે તેમ હતો. હવે રોહિત શાહે જે મહત્ત્વની ઇન્ફર્મેશન આપી તેનો બદલો પણ આપવાનો હતો. જાડેજાએ પૂછ્યું, “આ બધું છોડો શાહ સાહેબ, તમે દિવાળીમાં ક્યાં જવાના છો?” શાહે તરત પોતાની સમસ્યા વર્ણવવાની શરૂઆત કરી દીધી. “અરે સાહેબ, મોટા દીકરાએ હમણાં એન્જિનિયરિંગમાં સેલ્ફ ફાઇનાન્સમાં ઍડમિશન લીધું છે? તમને કૉલેજની ફી તો ખબર જ હશે. કેટલી બધી ફી લે છે કૉલેજવાળા! મેં ઘરે કહી દીધું છે, હવે આનું એન્જિનિયરિંગ પૂરું થાય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી.” જાડેજાએ ઠપકો આપતાં કહ્યું, “શાહ સાહેબ, આ ખોટું કહેવાય. જિંદગીમાં ખર્ચાઓ આવ્યા કરે, પણ આપણે જીવવાનું થોડું બંધ કરાય. તમે તો રહ્યા અલગારી માણસ. તમને હરવા-ફરવાનો કોઈ શોખ નથી. આખો દિવસ તમે ભલા અને તમારું કામ પણ. ફૅમિલીને પણ કોઈ લાઇફ છે કે નહીં?! એક કામ કરો… હવે તમારે કંઈ બોલવાનું નથી. મને તમારી કન્વીનિયન્ટ ડેટ કહી દો. આવતીકાલ સાંજ સુધી ગોવાની ઍરટિકિટ અને હોટલ બુકિંગ થઈ જશે. અમારા જેવા મિત્રો હોય અને તમે અમને કહો નહીં, તો ખરાબ લાગે.” શાહ કહેવા ખાતર ના પાડવા ગયા પણ જાડેજાએ તેમને કહી દીધું, “શાહ સાહેબ, મારે એક પણ શબ્દ સાંભળવો નથી.” પછી હસતાં હસતાં કહ્યું, “ભાઈબંધીમાં ઑર્ડર કરું છું.”

- Advertisement -

આમ તો રોહિત શાહ સચિવાલયના જ કર્મચારી હતા, પણ કોઈકની ભલામણથી મંત્રી અમર ઠાકોરના સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા હતા. ત્યારથી તેમની અને તેમના પરિવારની લાઇફ-સ્ટાઇલ બદલાઈ ગઈ હતી. વાત ચાલી જ રહી હતી ત્યારે પટાવાળો કહેવા આવ્યો, “સાહેબ આવ્યા.” તરત શાહ મંત્રીની ચેમ્બરમાં ગયા અને વાત કરી પાછા આવી તેમણે જાડેજાને સૂચના આપી કે, “સાહેબ બોલાવે છે.” જાડેજા ચેમ્બરમાં દાખલ થયા, તેમણે જોયું તો મંત્રી સાહેબ એક સ્વસ્થ મૂડમાં હતા. જાડેજાએ સલામ કરી અને ખુરશીમાં સામે બેઠા. મંત્રીને મુલાકાતનું પ્રયોજન પણ ખબર હતી.

મંત્રીએ પહેલો સવાલ પૂછ્યો : “વછરાજાની ક્યાં છે?” “સર આવતા જ હશે. મેં તેમની સાથે વાત કરી લીધી હતી.” જાડેજાએ જવાબ આપ્યો. મંત્રીએ તરત કહ્યું, “બોલો જાડેજા, હવે આપણે શું કરી શકીએ? કોઈ પ્લાનિંગ કર્યું છે?” જાડેજા મંત્રીનાં તમામ દર્દોની દવા સાથે લઈ ફરતા હતા. તેમણે કહ્યું, “હા સર, પણ હવે થોડું કેરફુલી કરવું પડશે. હેફેઝેડ નહીં ચાલે.” આ મિટિંગ ખૂબ જ અગત્યની હતી. નિઝામ કેસમાં ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે જયપુર જેલમાં જઈ રામની પૂછપરછ કરવાની મંજૂરી માગતાં, હવે શું થઈ શકે તે વિષયને લઈ આ મિટિંગ બોલાવવામાં આવી હતી. આખી ગેમનું માસ્ટર માઇન્ડ તો ઇન્દ્રસિંહ જાડેજા હતા. હવે તેઓ વધુ એક સ્ટ્રોક મારવા જઈ રહ્યા હતા. વછરાજાની આવતાં પહેલાં જાડેજાને પરમાર રામ સુધી ના પહોંચી શકે તેના માટે સંભવિત પગલાંઓની વિવિધ ફૉર્મ્યુલાઓ રજૂ કરી હતી. તે જાણે કોઈ સેલ્સમૅન હોય તેમ પોતાની યોજનાઓ મંત્રી અમર ઠાકોર સામે ડેમોસ્ટ્રેટ કરી રહ્યા હતા. લગભગ અડધો કલાકની ચર્ચા બાદ મંત્રી અમર ઠાકોર બોલ્યા : “જાડેજા, મને લાગે છે કે, છેલ્લી સ્કીમ સારી છે અને તેની ઉપર જ કામ કરવું જોઈએ.”

તે જ વખતે ડીસીપી જે. કે. વછરાજાનીની ચેમ્બરમાં એન્ટ્રી થઈ, તેમને જોતાં જ મંત્રી બોલ્યા, “આવો આવો, વછરાજાની, તમારી જ વાત ચાલતી હતી.” પહેલાં વછરાજાનીએ જાડેજા સામે જોયું અને પછી મંત્રી સામે જોતાં કહ્યું : “સર, કંઈક સારી જ વાત કરતા હશો તેવી આશા રાખું!” મંત્રીએ તરત સામે સવાલ કર્યો, “કેમ વછરાજાની! તમારી કોઈ ખોટી વાત થઈ શકે તેવું કંઈ છે?” વછરાજાનીએ કહ્યું, “ના ના, સર.” તેમને બેસવાની સૂચના આપતાં ત્રણેના ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતા આવી ગઈ. વછરાજાની વિષયથી અજાણ હતા, એટલે જાડેજાએ બ્રીફમાં પરમારે જયપુર જવાની માગેલી પરવાનગીવાળો વિષય સમજાવી દીધો. જાડેજાની વાત પૂરી થતાં મંત્રી ઠાકોરે કહ્યું, “આપણે એવો નિર્ણય લીધો છે કે, તમારી બદલી આપણે સાબરકાંઠા એસપી તરીકે કરી દઈએ. અને જાડેજાને ડીસીપી ક્રાઇમ તરીકે મૂકીએ.” વછરાજાનીએ જાડેજા સામે જોયું. તેમને એટલું તો સમજાઈ ગયું કે ક્રાઇમમાંથી જાડેજાએ પોતાની કૂકરી ઉડાવી હતી, પણ તેમને સાબરકાંઠા એસપી તરીકે કેમ મૂકવામાં આવ્યા તે સમજાયું ન હતું. તેમના ચહેરા ઉપર કહેવા જેવી અનેક વાતો હતી.

- Advertisement -

મંત્રીએ કહ્યું, “હું ઑર્ડર સાંજ સુધીમાં કરાવી દઈશ. બાકીની વાતની તમે જાડેજા સાથે ચર્ચા કરી લેજો.”
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular