Surat Duplicate Ghee caught: સુરતમાં નકલી ખાદ્ય પદાર્થો બનાવવાના અને વેચવાના કિસ્સાઓ વચ્ચે શહેરના અબ્રામા સ્થિત માધવ કેમ્પસમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની આશંકાને પગલે પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 26 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઉપરાંત સોયાબીન તેલ અને વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં તંત્રએ 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, સોયાબીન તેલ, વનસ્પતિ તેલ અને ફ્લેવરનો ઉપયોગ કરીને શુદ્ધ ઘીના નામે ઘી તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા છે. આ રીતે તૈયાર કરાયેલું ઘી મહારાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે અંગેની પુષ્ટિ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ થઈ શકશે.
દરોડા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ મામલે સન્ની મોદી, કલ્પેશ મોદી અને કિશન મોદી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન આરોગ્ય માટે જોખમી બની શકે છે, ત્યારે તપાસના પરિણામો પર હવે નજર રહેશે.








