Gandhinagar election Result 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના પરિણામો આજે આવવાના શરૂ થઈ ગયા છે. 11 વોર્ડની 44 બેઠકોના મતોની ગણતરી આજે સવારે 9 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી.
44 બેઠકમાંથી 38 બેઠક ભાજપે જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસ પણ થોડી આગળ વધી છે. અપક્ષને પણ એક બેઠક મળી છે. અગાઉ 2021ની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠક ભાજપ પાસે હતી જ્યારે કોંગ્રેસ 2 અને AAP 1 બેઠક લઈ ગયું હતું. આપને યાદ હશે કે આ એ જ ચૂંટણી હતી જ્યારે લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા જો બંનેના વોટ ભેગા થઈ જાય તો બહુમત કોંગ્રેસ પાસે હોત. પરંતુ ભાજપ ઓછા વોટમાં પણ જીત મેળવી ચુક્યું હતું. જોકે આ ચર્ચાઓ લોકો આંકડાઓ જોયા પછી કરતા હતા. પરંતુ આ વખતે પરિણામોમાં ફેર એટલો જોવા મળ્યો છે કે કોંગ્રેસ થોડી આગળ વધી છે અને આમ આદમી પાર્ટીનું ખાતું ક્યાંય ખુલ્યું નથી.
ગાંધીનગરની આ ચૂંટણીની મતોની ગણતરી સેક્ટર 15 ખાતે આવેલી કોલેજ બિલ્ડીંગના મત ગણતરી કેન્દ્રમાં થઈ રહી છે. જેમાં વોર્ડ નંબર 1,3,4,5,9 અને 10માં ભાજપે બાજી મારી લીધી છે. જ્યારે વોર્ડ નં. 7માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલ જીતી છે જ્યારે વોર્ડ 7માં ભાજપની પેનલ તૂટી છે અહીં એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કુલ નોંધાયેલા મતદારો 2,59,985 મતદારો હતા જેમાંથી 1,54,045 મતદારો દ્વારા મતદાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વોર્ડ નં 1 માં ભાજપના શિલ્પાબેન ઠાકોર, અંજનાબેન મહેતા, ગૌરાંગભાઈ પટેલ અને મહેશકુમાર ચૌધરીની વિજય થઈ છે. વોર્ડ નંબર 2માં દીપિકાબા વાઘેલા ઉપરાંત ભાજપના સોનલેન વાઘેલા, અનિલસિંહ વાઘેલા અને અરવિંદજી ઠાકોર જીત્યા છે. જોકે આ વોર્ડમાં ભાજપ તરફથી ઉતરેલા દિપ્તીબેન હારી ગયા હતા જે બાદ તેમની તબીયત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. વોર્ડ નં. 3માં ભાજપના અંકિત બારોટ, સોનાલી પટેલ, મિતલ ખીમસૂર્યા અને ઉમેશ ઝાની જીત થઈ છે.
વોર્ડ નં. 4માં ભાજપના મિતલ વાઘેલા, જસપાલસિંહ બિહોલા. રૂપસિંહ ઠાકોર અને જોસનાબેન ઠાકોરની જીત થઈ છે. વોર્ડનં. 5માં ભાજપના હેમાબેન ભટ્ટ, કનૈયાલાલ દેસાઈ, કિંજલપુમાર પટેલ અને ધ્વની શાહ દ્વારા જીત મેળવવામાં આવી છે. વોર્ડ નં. 6માં કોંગ્રેસે મોટી સફળતા મેળવી છે. હંસાબેન નીનામા, મેહુલ રાઠોડ, મેઘનાબેન દેસાઈ અને કર્મજીતસિંહ તમામ કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે. વોર્ડ નં 7માં કોંગ્રેસના નગીન નાડીયાએ ભાજપની પેનલ તોડી છે. આ ઉપરાંત બાકીની ત્રણ બેઠકો પર ભાજપના સોનલબા વાઘેલા, કિંજલબેન ઠાકોર અને શૈલેષ પટેલની જીત થઈ છે.
વોર્ડ નં. 8માં ભાજપના મીષાબેન પ્રજાપતિ, અમિતાબેન ઉપાધ્યાય, વિષ્ણુજુ ઠાકોર અને મેહુલ પટેલ જીત્યા છે. વોર્ડ નં 9માં વૈદેહી રાવલ, મહેન્દ્ર પટેલ, જયંતિ ડાભી અને શારદાબેન ઠાકોર જીત્યા છે. ભાજપના ઉમેદવારોએ વોર્ડ નં. 10 પણ અંકે કર્યો છે. અહીં તન્વી પટેલ, વિલાસબા વાઘેલા, ગૌરાંગ પટેલ અને ધર્મેન્દ્રકુમાર નાયી જીત્યા છે. વોર્ડ નં. 11માં ભાજપના કમુબેન ઠાકોર, સેજલબેન પરમાર, જશવંત પટેલ અને રવિ પટેલની જીત થઈ છે.








