Vibrant Gujarat Global Summit 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે હવે દેશના મોટા ઉદ્યોગગૃહો અને વૈશ્વિક રાજદ્વારી સમુદાય સુધી પહોંચ વધારવાની કવાયત તેજ કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર કાર્યક્રમ બાદ હવે 3 સપ્ટેમ્બરે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ખાસ રોડ-શો યોજાશે. મુંબઈના કોલાબા સ્થિત ધ તાજ મહલ પેલેસ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ્સ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે.
ગુજરાત સરકાર માટે આ રોડ-શો ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા રાજ્યમાં નવા રોકાણ, ઉદ્યોગોના વિસ્તરણ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે મોટા કોર્પોરેટ ગૃપો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાતમાં ઉપલબ્ધ રોકાણની તકો અને રાજ્યના આગામી વિકાસના વિઝનને રજૂ કરવામાં આવશે.
કાર્યક્રમની શરૂઆત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CIIના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચનથી થશે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાત સાથેના તેમના વ્યવસાયિક અનુભવો પણ શેર કરશે, જ્યારે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પણ ઉદ્યોગજગતને સંબોધશે.
રોડ-શો પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં દેશ અને વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે વન-ઓન-વન બેઠક કરશે. આ બેઠકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, AM/NS ઇન્ડિયા, STT ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, RPG એન્ટરપ્રાઇઝિસ, પિરામલ ગ્રુપ, કે રહેજા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, નાયરા એનર્જી અને અન્ય અનેક મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રીની આ બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ અને વેલનેસ, આઇટી અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, ગ્રીન એનર્જી, ઓઇલ અને એનર્જી, બાયોટેકનોલોજી, રિયલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન, હેવી એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ જેવા મહત્વના ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે. રાજ્ય સરકારની યોજના ગુજરાતમાં નવા ઉદ્યોગો અને રોકાણ માટેની શક્યતાઓને વધુ મજબૂત બનાવવાની છે.
મુંબઈના આ રોડ-શોમાં યુવા ઉદ્યોગસાહસિકો સાથે ખાસ રાઉન્ડટેબલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ગુજરાતમાં ઊભી રહેલી નવી વ્યવસાયિક તકો અંગે ચર્ચા કરવામાં આવશે. ઉદ્યોગજગતને ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માળખા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને ટેક્નોલોજી આધારિત વિકાસની દિશા વિશે માહિતી આપવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલા મુંબઈનો આ રોડ-શો ગુજરાત સરકાર માટે રોકાણકારોને આકર્ષવાનો મોટો પ્રયાસ છે. દેશના ટોચના કોર્પોરેટ ગૃપો સાથે સીધી બેઠક કરીને રાજ્ય સરકાર નવા રોકાણ, બિઝનેસ એક્સપાન્શન અને લાંબા ગાળાની ભાગીદારી માટે માહોલ તૈયાર કરવા માંગે છે.








