AMC suspends AMTS and BRTS drivers : અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસના ડ્રાઈવરોએ નશામાં અકસ્માત સર્જ્યા હોવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. અનેક નિર્દોષ નાગરિકોએ ગમખ્વાર અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા છે. બેએક દિવસ અગાઉ દારૂના નશામાં ધૂત AMTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે તે સમાચાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટું પગલું (AMC big action) લીધું છે અને 13 ડ્રાઈવરોને સસ્પેન્ડ કરી દીધા છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરતા તેમજ ફરજમાં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટ પર રહેલા 13 ડ્રાઈવરોને ફરજમોકૂફ કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તંત્ર દ્વારા શહેરના વિવિધ રૂટ પર ઓચિંતા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટ પર ચાલતી બસોના ડ્રાઈવરોની મોટી બેદરકારી સામે આવી હતી. તાજેતરમાં AMTS બસના ડ્રાઈવરે નશાની હાલતમાં સર્જેલા અકસ્માત બાદ આ મામલે ચાલી રહેલી કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના 10 ડ્રાઈવર અને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના 3 ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે. ફરજમોકૂફ કરવા પાછળ ઓવરસ્પીડિંગ તેમજ મુસાફરો સાથે કરાયેલા ગેરવર્તનના કારણો જવાબદાર છે.








