જય અમીન (નવજીવન ન્યૂઝ.સાબરકાંઠા): પ્રેમ ક્યારેક એટલો આંધળો બની જાય છે કે તેના પરિણામો અનેક લોકો માટે ગંભીર બની રહે છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં બે બાળકોના અપહરણના કેસમાં આખરે સ્થાનિક યુવક જ આરોપી સાબિત થયો છે. પોતાની પ્રેમિકાને મેળવવા માટે યુવકે પ્રેમિકાના ભાઈનું અપહરણ કરવાની યોજના બનાવી હતી અને કોઈને શંકા ન જાય તે માટે પોતાના સગા ભત્રીજાને પણ સાથે રાખીને આખો દિવસ અલગ-અલગ સ્થળોએ ફેરવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના હિંમતનગરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગત રોજ શોભાયાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સાત વર્ષ અને નવ વર્ષના બે સગીર બાળકો ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. ગામના જ એક યુવકે પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી કે જાદર વિસ્તારમાંથી ખેડબ્રહ્મા તરફ એક બાઈકચાલકે બાળકોનું અપહરણ કર્યું છે અને તે પોતે તેનો પીછો કરી રહ્યો છે.
આ માહિતી જાદર પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને તપાસ શરૂ કરી હતી. બાળકોના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે સીસીટીવી સર્વેલન્સ, ખાનગી બાતમીદારો અને વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. બાળકોના અપહરણના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.
તપાસ દરમિયાન ગત રાત્રે અચાનક ખુલાસો થયો કે જે યુવક પોતે બાળકોના અપહરણની વાત કરી રહ્યો હતો, તે જ બંને બાળકો સાથે ગામની એક ફેક્ટરીમાં હાજર હતો. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે સમગ્ર અપહરણનો ખેલ તેણે જ રચ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ પોતાની પ્રેમિકાને મેળવવા માટે પ્રેમિકાના ભાઈનું અપહરણ કરવાની યોજના બનાવી હતી. સાથે સાથે કોઈને તેના પર શંકા ન જાય તે માટે પોતાના સગા ભત્રીજાને પણ પ્રેમિકાના ભાઈ સાથે રાખ્યો હતો. બંને બાળકોને આખો દિવસ અલગ-અલગ સ્થળોએ ફેરવ્યા બાદ રાત્રે ગામમાં પરત લાવવામાં આવ્યા હતા.
આ મામલે ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલે પણ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં પોલીસે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની વધુ વિગતો બહાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વ્યક્તિગત સંબંધો અને લાગણીઓના નામે ગુનાહિત માર્ગ અપનાવવાના બનાવો કેટલા ગંભીર પરિણામ લાવી શકે છે. પોલીસે હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.








