અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીના મોત બાદ સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા થતાં અને મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતો 15 વર્ષનો સગીર વિદ્યાર્થી ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો અને તેના કૌટુંબિક ભાઇ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદથી બંને જ્યારે સામસામે મળતા ત્યારે બોલાચાલી થતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 8નો વિદ્યાર્થી જેમ તેમ બોલતો હતો.
આ દરમિયાન મંગળવારે(19 ઓગસ્ટ) બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી ગયો હતો. આ તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ડરનો માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી આવ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરી હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે જુવેનાઇલ એક્ટ હેઠળ રાઉન્ડ અપ કરી કાર્યવાહી કરવામાં આવી છે.