ઓક્સિજન ઘટતા ગભરામણનો માહોલ, મુસાફરોએ કર્યો હોબાળો, પાયલોટે તાત્કાલિક ફ્લાઇટ પાછી વાળી; જુઓ શું થયું
અમદાવાદ: થાઇ લાયન એરની બેંગકોકથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં મંગળવારે રાત્રે 140 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જ્યારે ફ્લાઇટ 37,000 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે અચાનક વિમાનનું એર કંડિશનિંગ (AC) સિસ્ટમ ફેલ થઈ ગયું. AC બંધ થતાં જ કેબિનમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું અને ગરમીને કારણે મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા.
શું બની હતી સમગ્ર ઘટના?
મંગળવારે રાત્રે 1 વાગ્યે થાઇ લાયન એરની ફ્લાઇટે બેંગકોકથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ફ્લાઇટ જ્યારે 37,000 ફૂટની ઊંચાઈએ પહોંચી ત્યારે ટેકનિકલ ખામીને કારણે AC બંધ થઈ ગયું. થોડી જ વારમાં કેબિનમાં ગરમી અને ગૂંગળામણનો માહોલ સર્જાયો. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ચારેબાજુ અફરાતફરી મચી ગઈ. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા, જ્યારે એક મહિલા તો ઓક્સિજનની ઉણપને કારણે બેભાન થઈ ગઈ હતી.
મુસાફરોનો હોબાળો અને પાયલોટનો નિર્ણય
જીવ બચાવવા માટે તરફડીયા મારતા મુસાફરોએ વિમાનમાં જ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, પાયલોટે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો અને ફ્લાઇટને તાત્કાલિક બેંગકોક પાછી વાળવાનો નિર્ણય લીધો.
કલાકો સુધી અટવાયા મુસાફરો
બેંગકોક એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું. જોકે, ચેકિંગ બાદ જાણવા મળ્યું કે વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી છે અને તે ફરી ઉડાન ભરી શકે તેમ નથી. આથી એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું. આ કારણે 140 જેટલા મુસાફરો બેંગકોક એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
(અહેવાલ/તસવીર આભારસહઃ દિવ્યભાસ્કર)








