નવજીવન ન્યૂઝ, વડોદરા: વડોદરા-આણંદ જિલ્લાને જોડતા પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના ત્રીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી. છેલ્લા 48 કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
ગઇકાલે સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં છ મૃતદેહો મળી આવતા હતભાગીનો આંક 18 થયો છે. ઓળખ મળી હોય એવા બે વ્યક્તિની શોધ ચાલુ છે. હિટાચી મશીન, બુલ ડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. 2000 Torque ના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા.

પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્ન રૂપ બન્યા હતા. તેના કારણે નદીમાં કિચડનું પ્રમાણ વધ્યું હતું. ઉકત બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું.
મહી નદીની અંદર ફસાયેલા વાહનોને કાઢવામાં ક્રેઇન ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા. કીચડમાં ખૂચેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતા એક વખત વાયર પણ તૂટી ગયો હતો.
બચાવ એજન્સી ઉપરાંત પોલીસ, આરોગ્ય અને મહેસુલી તંત્રની કામગીરી નોંધપાત્ર છે. આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓ અને યુવા સંગઠનો પણ સેવા ધર્મ બજાવી રહ્યા છે. આ કંપનીઓ અને સંગઠનો દ્વારા ભોજન, પાણી પૂરા પાડવા આવે છે.








