નવજીવન ન્યૂઝ.વડોદરા: મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો અને 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ તૂટતાં બે ટ્રક અને એક બોલેરો સહિત ચાર વાહનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ ભયાનક ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયાની વિગતો સામે આવી રહી છે, જ્યારે 8 લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા છે. દુર્ઘટનાને પગલે આ બ્રિજથી થતો આણંદ-વડોદરા-ભરૂચ વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
(વિગતવાર અહેવાલ)
વહેલી સવારે શું બની ઘટના?
આજે વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક જ ગંભીરા બ્રિજનો મોટો હિસ્સો બે ટુકડામાં તૂટીને મહીસાગર નદીમાં ખાબક્યો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ચાર વાહનો સીધા જ નદીના ધસમસતા પ્રવાહમાં પડ્યા હતા. આ ઘટનામાં માંડ-માંડ બચેલા લોકોએ મીડિયાને જણાવ્યું કે, “અચાનક બ્રિજ તૂટ્યો અને અમે નીચે પડ્યા, અમારા ધબકારા વધી ગયા હતા.”
સ્થાનિકો અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
દુર્ઘટનાની જાણ થતાં જ નજીકના મુજપુર ગામના લોકો સૌ પ્રથમ મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીમાં તરફડિયાં મારી રહેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા. થોડી જ વારમાં પાદરા પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો અને 108 એમ્બ્યુલન્સની 8 ટીમો (વડોદરાની 6 અને આણંદની 2) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં 13 લોકોના મોતની વિગતો મળી રહી છે.
- ઈજાગ્રસ્ત રાજુભાઈ હાથિયા અને દિલીપભાઇ પઢિયાર સહિત 2 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
- અન્ય 6 ઈજાગ્રસ્તોને પાદરાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
- તરવૈયાઓની મદદથી નદીમાંથી મૃતદેહો અને વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
તંત્રની બેદરકારી સામે લોકોનો ભારે રોષ
ઘટનાસ્થળે પહોંચેલા પાદરા મામલતદાર અને અન્ય અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. લોકોનો આરોપ છે કે 45 વર્ષ જૂનો આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો અને તેના સમારકામ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે.
દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રનો સંપર્ક તૂટ્યો
આ બ્રિજ ભરૂચ, સુરત અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના શહેરોને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો અને ટૂંકો માર્ગ હતો. તેના તૂટી પડવાથી હવે મુસાફરોને લાંબો ફેરાવો લેવાની ફરજ પડશે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થશે. ટોલ પ્લાઝા પર પણ લાંબી કતારો લાગવાની શક્યતા છે.
અમિત ચાવડાએ કરી રજૂઆત
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.”
2022ના આ પત્રમાં સ્પષ્ટ જીવના જોખમની કરાઈ હતી વાત
ગંભીરા બ્રિજ તૂટી પડ્યો તેને લઈને એક પત્ર હાલમાં સામે માધ્યમો થકી સામે આવી રહ્યો છે. જેમાં સ્ફોટક વિગતો મળી છે. તેમાં પાદરાના કોંગ્રેસના માજી ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવિનિકરણ થવું જોઈએ તેવી માગ કરી હતી. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે 2022માં એરએન્ડબી વિભાગને લેખિત રજૂઆત કરી હતી કે મુજપુર પાસેનો આ બ્રિજ અત્યંત ગંભીર હાલતમાં છે. ભયજનક છે. અમને વિશ્વાસપાત્ર વર્તૂળો જણાવે છે કે આ બ્રિજના પીલર્સમાં મોમેન્ટ આવી ગઈ છે. જેના કારણે ભયજનક રીતે બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી આવી જાય છે. બ્રિજની સરફેસ સતત ખરાબ થતી જાય છે. વારંવાર રિપેર કર્યા છતા પણ સ્થિતિ બગડી જાય છે. આપ સાહેબને નમ્ર વિનંતી છે કે, બ્રિજને જોખમી જાહેર કરીને બંધ કરવામાં આવે અને નવો બ્રિજ બનાવવામાં આવે. લોકોના જવા આવવા પર જોખમ રહેલું છે. એ જોખમ દૂર કરવામાં આવે અન્યથા ભવિષ્યમાં આ બ્રિજના કારણે જાનહાની થશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ સત્તાધીશોની રહેશે. અને જો આવું કરવામાં નહીં આવે તો ના છૂટકે યુવા સેના ગુજરાત દ્વારા જલદ આંદોલનના મંડાણ કરવા પડશે.
પત્રમાં તારીખ 4-8-2022 લખેલી છે. જે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સંબંધિત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રીતે રિપોર્ટ આપવા અને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું હતું. હવે આ પત્ર પછી કોઈ કાર્યવાહી થઈ કે કેમ તે હજુ સવાલ છે.