રશિયાથી આયાત થતી ધાતુને એક્સચેન્જમાં પ્રવેશવાની જ મનાઈ કરી દેવામાં આવશે
ઇવી વ્હીકલ બેટરીની માંગ જોતાં વાર્ષિક નિકલ માંગમાં ૪૪ ટકાની વૃધ્ધિ શક્ય
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ) : રશિયાથી આવતી ધાતુને લંડન મેટલ એક્સચેન્જમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનું એક્સ્ચેન્જ સત્તવાળા વિચારી રહયા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં, ગુરુવારે નિકલ્ અને એલ્યુમિનિયમ સહિત તમામ ધાતુમાં અફડાતફડી મચી હતી. યૂરોપમાં રશિયન ક્રૂડ ઓઇલ અને કોલસા પર પ્રતિબંધો મુકાયા છે, પણ ધાતુની આયાત પર હજુ સુધી કોઈ બાધ લદાયો નથી. ચીન બહારના દેશોમાં, રશિયા જાગતિક બજારમાં ૨૦ ટકા નિકાલ અને ૧૩ ટકા એલ્યુમિનિયમનો પુરવઠો પૂરો પાડે છે.
ટ્રેડરો એવું માનવા લાગ્યા હતા કે રશિયન મેટલ આયાત પર ગમ્મે ત્યારે આયાત અંકુશ આવી જશે, આને પગલે ગુરુવારે એક તબક્કે નિકલના ભાવ ૨૨,૭૨૧ ડોલર પ્રતિ ટનની ઊંચાઈએ પહોંચી ગયા હતા તે શુક્રવારે ૨૧૭૯૧ના તળિયે બેસી ૨૨૧૪૫ ડોલર મુકાયા હતા. જ્યારે એલ્યુમિનિયમના ભાવ ગુરુવારે એક તબક્કે ૮ ટકા વધી ગયા હતા. એલએમઇના સીઇઓ મેથ્યુ ચેમબરલીને કહ્યું કે રશિયન મેટલ સાથે કઈ રીતે વેપાર કરવો તે સંદર્ભે એક ડિસ્કશન પેપર બહાર પાડવું કે નહીં તે સંબંધે એક્સ્ચેન્જ વિચારણા કરી રહ્યું છે.
આ દસ્તાવેજથી પરિચિત એક ટ્રેડરે કહ્યું કે શક્યતા એવી પણ છે કે રશિયાથી આયાત થતી ધાતુને હવે પછી એક્સચેન્જમાં પ્રવેશવાની જ મનાઈ કરી દેવામાં આવે. આખા વિશ્વમાં જે રીતે ઇવી વ્હીકલ બેટરીની માંગ નીકળી છે, તે જોતાં આગામી વર્ષમાં રિફાઈન્ડ નિકલની માંગ સાથે કદમ મેળવવા કઠિન થઈ પડશે. સપ્ટેમ્બરમાં બ્રાઝિલિયન માઇનિંગ કંપની વલેએ કહ્યું હતું કે વાર્ષિક નિકલ માંગમાં ૪૪ ટકાની વૃધ્ધિ શક્ય છે. માર્ચમાં આપણે જોયું હતું કે એલએમઇ બજારમાં નબળી ગુણવત્તાની કાચી નિકલ વેપારનું પ્રમાણ વધી ગયું હતું, તેને પગલે ભાવમાં આસમાની સુલતાની ઉછાળા આવ્યા હતા, અને ટૂંકાગાળા માટે એક્સ્ચેન્જ બંધ કરવું પડ્યું હતું.
તાજેતરના વર્ષોમાં બે પ્રકારના કહેવાતા નિકલ પિગ આયર્ન અને ફેરોનીકલનું ઉત્પાદન ખૂબ વધ્યું હતું, જે નબળી કક્ષાનું નિકલ ગણાય છે. પરંતુ તેનું ટ્રેડિંગ કોઈ પણ એક્સચેન્જમાં થતું નથી. મેક્યુરી મેટલના એનાલિસ્ટ કહે છે કે એલએમઇ ખાતે પડતાં સોદાની ડિલીવરીમાં આપી શકાય તેવા ઉચ્ચ ગુણવત્તાના રિફાઈન્ડ નિકલનો સ્ટોક, આ વર્ષે આખા વિશ્વના કૂલ ઉત્પાદનનો માત્ર ૨૧ ટકા હિસ્સો એટલે કે ૬.૫ લાખ ટન રહ્યો હતો, ૨૦૧૨માં આ સ્ટોકનું પ્રમાણ પચાસ ટકા હતું.
૨૧ ઓકટોબર સુધીમાં ચીનના પોર્ટ પર નિકલ ઑરની ઇન્વેન્ટરિઝ (જથ્થો) ૩.૨૮ લાખ ટન વધીને ૮૨.૬ લાખ ટન થયો, છતાં તે સપ્તાહદર સપ્તાહ ૩૪ ટકા ઘટ્યો હતો. તેમાં નિકલ આયર્નનો જથ્થો ૬૫,૦૦૦ ટન હતો. જો ચીનના તમામ ૭ મહત્વના પોર્ટ પરનો નિકલ આયર્ન ઓરનો સ્ટોક જોઈએ તો તે ગત સપ્તાહથી ૧.૧૮ લાખ ટન વધીને ૪૪.૭ લાખ ટન નોંધાયો હતો. ફિલિપાઇન્સમાં ચોમાસું મેસમ બેસે તે પહેલા ચીનના નિકલ પિગ આયર્ન પ્લાન્ટોએ કેન્દ્રીય ધોરણે પોર્ટ પર ધરખમ પ્રમાણમાં રી સટોકિંગ આરંભયું છે.
ઈન્ડોનેશિયાએ પોતાને ત્યાંના હાઇ ક્વાલિટીના રિફાઈન્ડ નિકલ ઉત્પાદનમાં વિદેશી રોકાણ આકર્ષવાના પ્રયાસો આરંભયા છે, જેથી ઇવી વહીકલમાં તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે. જો ઈન્ડોનેશિયા તેની આર્થિક અને ટેકનિકલ મુશ્કેલીઓને પાર પાડી દે તો તે ધરખમ નિકલ ઉત્પાદન કરી શકે તેમ છે. આખા વિશ્વમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની હોડ લાગી છે અને ઇલેક્ટિક વ્હીકલ ઉત્પાદનની સ્પર્ધાનો લાભ ઈન્ડોનેશિયા લઈ શકે તેમ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








