નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ બનાસકાંઠામાં પાલનપુર-ડીસા નેશનલ હાઈવે પર 2 દિવસ પહેલા સ્કોર્પિયો કારને અન્ય એક કારે ટક્કર મારીને ટોળકીએ લૂંટને અંજામ આપ્યો હતો. કારચાલકના આંખમાં મરચું નાખીને 6 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટને અંજામ આપનાર ટોળકીને એલસીબી અને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડીને લૂંટનો ભેદ ઉકેલી દીધો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, પાલનપુરમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા રિતિક જૈન તેમની સ્કોર્પિયો કાર લઈને બે દિવસ પહેલા પાલનપુરથી ડીસા જઈ રહ્યા હતા. આ દરમિયાન કુશકલ ગામના પાટિયા નજીક અચાનક ઈકો કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં સ્કોર્પિયો કાર ચાલક ગાડીમાંથી નીચે ઉતરતા ઈકો કારમાં આવેલી ટોળકીએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને લાકડીઓ વડે માર મારીને કારમાં રહેલી 6 લાખ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં મોકલીને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસના આધારે તપાસ કરતા મહાવીર ટ્રેડ્રર્સમાં નોકરી કરતાં એક કર્મચારીએ જ લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે લૂંટનો મુખ્ય આરોપી સહિત કુલ 6ની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. પોતાની કંપનીમાં કામ કરતાં કર્મચારી જેતુભા ડાભી અન્ય સાગરીતો સાથે મળી લૂંટ આચરી હતી. પોલીસે લૂંટમાં વાપરેલી ઈકો કાર અને રોકડ 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.








