પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હું જિંદગીના અનેક એવા પડાવ ઉપરથી પસાર થયો જ્યારે મારે વ્યવસ્થા સામેની લડાઈ લડવી પડી જેના કારણે ક્યારેક મારે નોકરી છોડવી પડી અને ક્યારેક મને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો. સામાન્ય રીતે મને તરત બીજું કામ મળી જતું હતું, પરંતુ ઉંમરનો એક પડાવ પણ આવ્યો જ્યારે મારે પાસે કોઈ કામ ન હતું. મારે કામની જરૂર હતી પણ મને કોઈ કામ આપવા તૈયાર ન હતું. એક તરફ કામની જરૂર હતી બીજી તરફ ખીસ્સુ ખાલી થઈ રહ્યું હતું, મારે કામની જરૂર છે અને મારી પાસે હવે ઘર ચલાવવાની પણ સમસ્યા છે તે મારા અનેક મિત્રોને ખબર હતી. તેઓ જ્યારે પણ મને મળતા ત્યારે ત્યારે મારા પ્રશ્ન અંગે ચિંતા કરતા હતા, અને ચિંતાના અંતે મને કહેતા કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો, મારે જે કામ હતું તેમાં ચોક્કસ તેઓ કોઈક રીતે મદદરૂપ થઈ શકતા હતા, પણ તેમની ચિંતા માત્ર શબ્દો સુધી સિમીત રહેતી હતી. જિંદગીને તમે કાન દઈ સાંભળો તો જિંદગી તમને ઘણુ બધુ શીખવતી હોય છે, આ ઘટના મારા માટે મોટુ શિક્ષણ સાબીત થઈ.
જેને હું ખરાબ સમય માની રહ્યો હતો ત્યારે વિવેક દેસાઈ જેવા મિત્રોની સમયસર મદદ મળી તેના કારણે તેમાંથી હું પાર નિકળ્યો. જ્યારે વિવેકને મારી સ્થિતિની ખબર પડી ત્યારે તેણે તરત કહ્યું, તુ મારી સાથે કામ કરી શકે છે. વિવેકનો કિસ્સો બીજા મિત્રો કરતા જુદો પણ છે. વિવેક કોઈને કામ આપી શકે તેવી સ્થિતિમાં હતો, આવી સ્થિતિ તો મારા અનેક મિત્રોની હતી પણ તેઓ મને કામ આપવાની હિંમત કરી શક્યા નહીં. અન્ય કેટલાંક આંગળી ચિંધવાનું પુણ્ય પણ કરી શકતા હતા, પણ તેવુ કરવાથી તેમણે પોતાની જાતને દુર રાખી, પણ મને જિંદગી શીખવ્યું કે કોઈની ચિંતા માત્ર શબ્દમાં વ્યક્ત થાય તેનો કોઈ અર્થ નથી. કારણ તે જે વ્યકિત મુશ્કેલીમાં છે તેમને કોઈ માત્ર શબ્દ મદદ કરી શકતા નથી. આપણી આસપાસ એવા અનેક લોકો છે જેઓ મુશ્કેલીમાં હોવા છતાં પોતાની મુશ્કેલી વ્યક્ત કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી, છતાં આપણી સમજદારી જ્યારે તેમની મુશ્કેલી તરફ આપણુ ધ્યાન દોરે ત્યારે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો તેવુ કહેવાનું મેં બંધ કર્યુ છે. જો મદદ કરવાનું મારી હેસીયતમાં હોય તો ક્ષણનો વિલંબ કરતો નથી.
અનેક વખત એવુ બને છે, જે લોકો મુશ્કેલીમાં છે તેમને મદદ કરવાનું મારી હેસીયત બહારનું હોય છે, ત્યારે હું કોણ મદદ કરી શકે તેની તપાસ કરી આંગળી ચિંધવાનું પણ કામ કરુ છુ. થોડા દિવસ પહેલા મારી મુલાકાત એક એવા કવિ મિત્ર સાથે થઈ કે તેઓ અદ્દભુત લખે છે, આંખ અને હ્રદય ભીનું થાય તેવુ તેમનું સર્જન છે. જીવનની અનેક આપત્તીઓનો સામનો કરતા આ કવિ અંદરથી ભાંગી ગયા છે, પોતાને સ્થિર રાખવાના તમામ પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી રહી છે. આ કવિ મિત્રને હું પહેલી વખત રૂબરૂ મળ્યો હતો, મને લાગ્યુ કે આ એક ઉત્તમ માણસ અને ઉત્તમ કવિ જીવનના ધમાસાણમાં વેડફાઈ રહ્યો છે. મને લાગ્યુ કે આ માણસ માટે મારે કઈક લખવુ જોઈએ, એટલે મેં આ કવિ મિત્રના પરિચીત મિત્રોને ફોન કરી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને તેની જિંદગીની અનેક સમસ્યાઓની ખબર પડી, પણ તેની સાથે તેમની જરૂરીયાત અંગે પણ જાણકારી મળી. સામાન્ય સંજોગોમાં પત્રકારનું કામ લોકોની સમસ્યા સંબંધીતો સુધી પહોચાડવાનું હોય છે.
હાલમાં ઓસ્ટ્રોલીયામાં રહેતા અને વર્ષો પહેલા મારી સાથે એક અખબારમાં કામ કરતા મારા મિત્ર સમીર હિરાણીએ મને એક સ્ટોરી પછી કહ્યુ હતું કે દાદા આપણે કાયમ એવુ માની છીએ કે આપણું કામ માત્ર લખવાનું છે, અને મદદ કરવાનું કામ કોઈ બીજાનું છે. એવુ કેમ ના થાય કે કોઈને મદદ કરવા આપણા હાથ પણ આપણા ખીસ્સા સુધી જાય. આ કવિ મિત્ર માટે હું જ્યારે લખવાનો હતો તેમા માત્ર તેમના તરફની શબ્દોમાં ચિંતા હતી, મને ખબર નથી કે મારી શબ્દોની ચિંતા તેમના જીવનમાં કેટલો ફેરફાર લાવી શકે. મેં લખવાનો વિચાર માંડી વાળ્યો કારણ કવિ મિત્ર હાલમાં જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તેમાં તેમને શબ્દોની ચિંતા કરતા વાસ્તવીક મદદની જરૂર હતી અને તે મારી હેસીયત પ્રમાણે પણ હતી, મેં તરત તેમના સ્વમાનને ઠેસ પહોંચે નહીં અને મારુ નામ જાહેર થાય નહીં તે રીતે તેમના સુધી મદદ મોકલાવી આપી. હું કાયમ મારા બાળકો અને મારા પરિવારને સલાહ આપુ છું કે ઈશ્વરને આપણી સાથે જે ઉદારતા રાખી તેવી ઉદારતા આપણે બીજા સાથે પણ રાખવી જોઈએ.
જીવનનો એક મોટો તબક્કો પસાર થયો જ્યારે મારા મનમાં ક્યારેય શ્રીમંત થવાની ઈચ્છા જ થઈ નહીં, પણ જ્યારે મારી આસપાસના લોકોને મદદની જરૂર હોય અને મારી આર્થિક સ્થિતિને કારણે જ્યારે મદદ કરી શકતો નથી, ત્યારે મને લાગે છે દુનિયામાં મારા જેટલો લાચાર કોઈ નથી. આ વખતે મનમાંથી એક જ પ્રાર્થના નિકળે છે કે ઈશ્વર મને ખુબ શ્રીમંત બનાવજે મારે ખાસ કોઈ સગવડની જરૂર નથી, પણ મારી આસપાસ અનેકો અભાવમાં જીવી રહ્યા છે અને જ્યારે તુ મને આપે ત્યારે બીજાને આપવાનું મન આપજે. મારા અનુભવે મને સમજાયુ છે કે આપણી આસપાસ ખરેખર દરીદ્ર કરતા મનના દરીદ્રની સંખ્યા ખુબ મોટી છે, મારૂ ખીસ્સુ ખાલી હશે તો કદાચ ફરી ભરાશે પણ મારૂ હ્રદય દરીદ્ર થઈ જશે તો હું કયારેય શ્રીમંતાઈનો અહેસાસ કરી શકીશ નહીં. એટલે જ્યારે પણ તમારો નજીકનો કે પછી તમારી નજર સામે કોઈ અપરિચીત પણ હોય તો હું શુ મદદ કરી શકુ તેવુ પુછવાને બદલે તમારા ખીસ્સામાં જે કઈ હોય તેનો થોડો હિસ્સો પણ તેમને આપી જુવો કાણ ઈશ્વરને તમારી મદદ નહીં તમારી દાનતની જરૂર છે, તમે બીજા માટે ખર્ચ કરશો તો ઈશ્વર તેને અનેક ગણુ કરી તમને પાછુ આપશે તેની ખાતરી આપુ છુ.








