નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ખેડબ્રહ્માના કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અશ્વિન કોટવાલ હવે ભાજપનો ખેસ પહેરી ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહ્યા છે. તેમણે ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસ અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે તેમણે ભાજપનો ખેસ પહેર્યો હતો. કમલમમાં તેમણે આ પછી સંબોધન પણ કર્યું હતું.
ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાનુ્ં ધારાસભ્ય પદ પણ છોડ્યું હતું. કોંગ્રેસમાંથી વધુ એક કદાવર નેતાની એક્ઝિટથી કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપ ફરી કોંગ્રેસની નાક નીચેથી તેમના કદાવર નેતાને સરકાવી જવાના ઓપરેશનમાં સફળ થયું છે. અશ્વિન કોટવાલની સાથે વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના મોટી સંખ્યામાં તેમના ટેકેદારો, કાર્યકરો અને અગ્રણીઓએ પણ ભાજપનો ખેસ પહેર્યો છે.
ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલે કહ્યું કે એનજીઓવી જેમ ચાલી રહેલા પક્ષથી હું નારાજ હતો, આદિવાસી વિસ્તારોમાં એનજીઓ ચાલે, જેમાંથી પાછો વિદેશથી પૈસા લાવવાનો ખેલ ચાલે છે, કેટલાક તો આદિવાસીઓના નામે પોતાના ઘર ભરી રહ્યા છે, વર્ષ 2007માં જ હું તો ભાજપમાં જોડાઈ જવાનો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે, તમે આદિવાસી સમાજના બધા પ્રશ્નો મારા ધ્યાને લાવજો, હું 2007થી તેમનો ભક્ત છું, હું ત્રણ વખત ભલે કોંગ્રેસમાંથી ચૂંટાયો પણ મારા દિલમાં તો નરેન્દ્ર મોદી જ હતા. આ પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
તેમના કોંગ્રેસ છોડી જવાને પગલે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તેમના સરનામા નથી, જે ગયા તેમને મારી શુભકામનાઓ. ખેડબ્રહ્મા બેઠક અમરસિંહ વખતથી કોંગ્રેસની જ છે અને આગળ પણ રહેવાની છે. ચૂંટણી નવેમ્બર ડિસેમ્બરમાં છે ત્યાં સુધી સુધી રાહ જુઓ. અમે અશ્વિન કોટવાલને પણ રાહ જોવાનું કહ્યું હતું પણ તેમને ઉતાવળ હતી.
સામાન્ય પ્રજા અશ્વિન કોટવાલને જાણી શકે તે માટે અહીં કેટલીક તેમની કારકીર્દીને લગતી વિગતો આપ સમક્ષ રજુ કરીએ છીએ. તેઓએ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી 1996માં ત્યારે તેમણે વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં પગલા માંડ્યા. પહેલી વખત વર્ષ 2005માં પહેલી વખત સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો અવસર મળ્યો અને જીત્યા અને પછી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પણ બન્યા. વર્ષ 2007માં તેમને પહેલી વખત કોંગ્રેસે ધારાસભ્ય પદની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું અને ટિકિટ આપી. તે પછી તે સતત ત્રણ ટર્મ સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય બની રહ્યા છે, ભાજપ સહિતના પક્ષો, અપક્ષોને ખબર પડી કે અહીં તેમનો હવે દબદબો છે. 2015માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારીઓ મળી. તે પછી વર્ષ 2018થી 22 સુધી કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભામાં કામગીરી સંભાળી હતી. એટલું જ નહીં, વર્ષ 2019માં છત્તીસગઢ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટિના પણ તે સભ્ય હતા.
![]() |
![]() |
![]() |











