કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ: સમય સાથે હત્યાકાંડ પણ ભૂલાઈ જાય છે અને તેનો ન્યાય પણ તોળાતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટનાની પૂરતી ચર્ચા પણ થતી નથી. આ શબ્દો લખ્યા છે તેનો સંદર્ભ માલિઆના હત્યાકાંડ છે. 23 મે 1987ના રોજ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મેરઠ શહેરમાં આવેલાં માલિઆનામાં 72 લોકોની હત્યા કરવામાં આવી હતી અને આ તમામ મુસ્લિમો હતા. આ હત્યાકાંડનો આરોપ 40 વ્યક્તિઓ પર હતો, હવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસ અંગે અત્યાર સુધી 800 સુનાવણી થઈ છે અને અપૂરતા પુરાવાનું કારણ આપીને મેરઠ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ (Meerut District Court) જજ લખવિંદર સિંઘ સંધુએ સૌને નિર્દોષ જાહેર કર્યા છે. હિંદુ-મુસ્લિમની રાજનીતિ આપણને કેટલે કોઠે પડી ગઈ છે તે સંદર્ભનો આ કેસ છે, જેમાં હવે ન્યાય પણ તોળાયો નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આ પૂરી ઘટના 1986ની છે જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદનું (Babri Masjid) તાળું ખોલવામાં આવ્યું. આ ઘટનાના કારણે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયા. બે દિવસ બાદ શહેરમાં કરફ્યૂ નાંખી દેવામાં આવ્યો અને રાજ્ય સરકારે રાજ્યના એક વિશેષ પોલીસ દળની 11 ટુકડીઓને સ્થાનિક પોલીસના મદદે મોકલી. બસ ત્યાર પછી વિશેષ પોલીસ દળ જાણે મુસ્લિમોને ટારગેટ બનાવતી હોય તેમ એક પછી તેમને ગોળીએ દેવા લાગી.
મેરઠ શહેરમાં સૌપ્રથમ વિશેષ પોલીસનું દળ હાશીમપુર મહોલ્લામાં ગયું હતું; જ્યાં તેઓ મોટી સંખ્યામાં લોકોને ટ્રકમાં લઈ ગયા અને તેમનાં પર ગોળીઓ ચલાવી. ત્યાર પછી બીજા દિવસે મલિઆના ક્ષેત્રમાં પોલીસ મુસ્લિમ મહોલ્લાને ઘેરી વળી. દેખો ત્યાં ઠારનો હુકમ અપાયો અને કલાકોમાં 72થી વધુ મૃતદેહ મલિયાનામાં પડ્યા હતા. સ્થાનિકો અને તે વખતે કવરેજ કરનારા પત્રકારો આજે પણ એવું કહે છે કે હત્યાકાંડ પોલીસ દ્વારા થયો હતો અને જ્યાં સુધી તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધી ખુદ મલિઆના નહોતા આવ્યા ત્યાં સુધી તેમાં કોઈ એફઆઈઆર થઈ નહોતી. ઉત્તર પ્રદેશના તે વખતના મુખ્યમંત્રી વીર બહાદુર સિંઘ હતા, જેમના પર રાજીવ ગાંધી જાહેરમાં નારાજગી દાખવી હતી.

આ હત્યાકાંડના તપાસનો ઘટનાક્રમ પણ નાટકીય રહ્યો. તેમાં પહેલાં તો સરકારે દસ લોકોના મૃત્યુની જાહેરાત કરી. તે પછી જેમ જેમ મૃતદેહ મળતા ગયા તેમ સરકાર પોતાના આંકડા બદલતી રહી. તેને લઈને તપાસ પંચ પણ બેઠા. તેમ છતાં ન્યાય પાછળ ઠેલાતો ગયો. આ હત્યાકાંડને લઈને કુલ 90 વ્યક્તિઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા. પણ તેમાંથી અનેક લોકો ફરાર થયા, કેટલાંક ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ પામ્યા. છેલ્લે જે 40 લોકોનું નામ કેસમાં હતું તેમને હવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. મલિઆના લોકો છેલ્લા સાડા ત્રણ દાયકાથી ન્યાયની વાટ જોઈ રહ્યા હતા. એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજનો ચુકાદો પીડિતોને સ્વીકાર્ય નથી, હવે તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ન્યાયાલય ક્ષેત્ર માટે અગાઉ એમ કહેવાતું કે ત્યાં દેર છે પણ અંધેર નથી. પરંતુ લોકો કહી રહ્યા છે કે હવેના ચૂકાદાઓ જોઈને એટલું કહી શકાય કે ન્યાયાલયના મંદિરમાં હવે પ્રકાશ ઝાંખો પડી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








