આ વર્ષે ખાસ કરીને ક્રિટિકલ મેટલ માટે નવો જ ઘાટ ઘડાયો હતો
2026ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળકૂદ કરવા લાગશે
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : તમારા કોમોડિટી પોર્ટફોલિયો માટે 2026નું વર્ષ ખુબજ મહત્વનું બની રહેવાનું. સાવધ રહેજો સમયાંતરે ભાવમાં ભારે ઉથલપાથલ થવાની સંભાવનાઓ પણ એટલી જ રહેશે. આ વર્ષે સોના, ચાંદી, અને તાંબાએ વિક્રમ અને નવી ઊંચાઈઓ પર પાડી છે. પણ શું બજારમાં એવા ફંડામેન્ટલ્સ અસ્તિત્વમાં છે, જે 2026માં પણ ભાવને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે? હા, આખા જગતની સેન્ટ્રલ બેંકોના નીતિવિષયક પગલાં અને વૈશ્વિક પુરવઠા સ્થિતિ કહે છે કે આ બન્ને 2026માં ભાવને ઉપર લઇ જવામાં ચાલકની ભૂમિકા નિભાવશે. આપણે સોના સંદર્ભે વાત કરીએ. રોકાણકારો સવાલ કરી રહયા છે કે સોનાની તેજી હજુ પુરી નથી થઇ?
સોનાની તેજીને આગળ વધવા માટે અસંખ્ય ફંડામેન્ટલ્સ અસ્તિત્વમાં છે. એનાલિસ્ટો કહે છે કે આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં સોનાના સરેરાશ ભાવ પ્રતિ ટ્રોય ઔંસ (31.10347 ગ્રામ) 4400 ડોલર રહેવાની સંભાવના છે. શક્ય છે કે ભાવની આટલી ઊંચાઈ વહેલી પણ આવી જાય. પરંપરાગત રીતે પણ પ્રથમ ત્રિમાસિકમાં જ તમે સોનાના ભાવ, વર્તમાન ભાવ કરતા 200થી 300 ડોલર ઊંચા જોઈ શકશો. જો ઘટનાઓ અને પરિણામો સાચી દિશા પક્ડશે તો, ભાવ 4700 ડોલર પણ થઇ શકે. આનો મહત્તમ આધાર, અમેરિકન સરકાર કેટલીક ધાતુને, ક્રિટિકલ મેટલ કઈ રીતે મૂલવે છે તેમજ ટેરિફનું નાટક કેવાંક વળાંક લેશે તેના પાર છે.
ટીડી સિક્યુરિટીઝના કોમોડિટી વ્યૂહકાર બાર્ટ મલેક કહે છે કે, તમામ રોકાણકારોને ભાવતાલ કરવાનું ગમતું હોય છે. ભારત જેવા દેશના ગ્રાહકો તો સોના ચાંદી સહિતની કોમોડિટીમાં ભાવ એકાએક વધતા જોઈને, ક્યારે ખરીદી ધીમી પાડવી તે બાબતે ખંધા છે. કેટલીક વખતતો તેઓ બજારથી સાવજ અળગા થઇ જતા હોય છે, અને તક મળતા જ નફો બાંધીને ભાગી જતા વાર નથી લગાડતા. એસેટ્સ ક્લાસના તમામ ગ્રાહકો આવા વલણને પાછા ફોલો પણ કરતા હોય છે. મારી સમજતો એવી છે કે તેમને નફો બુક કરતા કોઈ રોકી પણ નથી શકતું. આ વર્ષે તો ખાસ કરીને ક્રિટિકલ મેટલ માટે નવો જ ઘાટ ઘડાયો હતો. તો પછી 2026માં આ બધી ઘટનાઓ કેવા ખેલ પાડશે?
ટ્રમ્પ ટેરિફને અમેરિકન હાઇકોર્ટે નવેસરથી તપાસવાનું નક્કી કર્યું છે, અને શક્ય છે કે આખરે જકાત ઘટાડાનો આદેશ પણ આવી પડે. પણ શક્ય છે કે આ બધું નિર્ધારિત થતા વર્ષાન્ત પણ આવી જાય. બાર્ટ મલેક કહે છે કે, અમારા માનવા પ્રમાણે કેટલાંક ખેલાડીઓના સમૂહો પ્લેટિનમ અને અન્ય ક્રિટિકલ ધાતુઓમાં અત્યારથી જ સોદા હાથવગા કરવા લાગે, આપણે પ્લેટિનમના ભાવની ચાલમાં આ જોઈ શકીયે છીએ. શક્ય છે કે ભાવને ટેરીફથી બચાવવા અનેક દેશો સ્થાનિક ઉત્પાદન વધારવા લાગે.
આપણે એ જોવું રહ્યું કે આ બધું કેમ આગળ વધશે. શક્ય છે કે એ બધી નીતિઓ સારી નહિ હોય, પણ આપણે એલ્યુમિનિયમના કિસ્સામાં એ જોયું છે. અત્યારે આપણે અમેરિકાના સ્ટીલ ઉદ્યોગમાં આ જોઈ રહયા છીએ. પચાસ ટકા જકાત એટલે શું? લાગે છે કે હવે આ નીચે જવી જોઈએ. પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ સર્જાઈ છે, અન્ય દેશો પણ એવું કરી શકે છે. આવા નીતિ વિષયક નિર્ણયોમાં હવે નવી રાષ્ટ્રીય સલામતી અને અર્થતંત્રની રક્ષાનો મુદ્દો પણ જોડાશે. ઉત્તર અમેરિકા અને અમેરિકામાં તો આ જ થઇ રહ્યું છે, હવે તો યુરોપ પણ ખનીજ અને ક્રિટિકલ મેટલ મેળવવાની લાહ્યમાં આવા પ્રીમિયમ પણ આપવા તૈયાર થઇ જશે. આ બધા પર રશિયાનો અને કૈંક અંશે ચીનનો પણ કબ્જો છે.
સોના ચાંદી અને અન્ય કોમોડિટીમાં આ વર્ષે વિક્રમ ભાવ વધ્યા તેનાથી ક્રૂડ ઓઇલ અછૂતું રહી ગયું છે.તો પછી નોન ઓપેક દેશોમાં 2026ના આખરમાં ઉત્પાદન વધશે અને અન્ય દેશોમાં પ્રવાહિત થશે, ત્યારે 2026માં બીજા અર્ધવાર્ષિકમાં શું થશે? આ સંયોગમાં ચીન તેના વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલ સ્ટોરેજમાં દૈનિક 10 લાખ બેરલ ઓઇલ ઠાલવવાનું શરુ કરી દે તો નવાઈ નહિ. ઓપેક દેશોએ તો અત્યારથી જ કહી દીધું છે કે અમે કોઈ ઉત્પાદન વધારવાના નથી. આ જોતા તો લાગે છે કે 2026ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ છ્મ્મક છ્લ્લુ બની ઉછળકૂદ કરવા લાગશે. પણ આખું વર્ષ ક્રૂડના ભાવ ઊંચી સપાટીએ ટકી રહે તેવું અત્યારે તો લાગતું નથી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








