“હું મોડો પડ્યો હતો. મારા એ અપરાધ માટે રડતાં રડતાં મેં બાપુના કાનમાં ક્ષમા માગી પરંતુ એ બધું વૃથા હતું. ભૂતકાળમાં મારા નાના નાના અપરાધો માટે તેમણે મને અનેક વાર ક્ષમા આપી હતી એટલે આ છેલ્લી વાર પણ તે પલળશે અને મારા તરફ જરા સરખી નજર કરશે એવી આશા મેં સેવી હતી. પરંતુ તેમના હોઠ દૃઢપણે બિડાઈ ગયા હતા.”
ગાંધીજીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીએ બાપુના નિર્વાણ બાદ અનુભવેલી પીડાને શબ્દોમાં ઉતારતા આ લખ્યું છે. ‘અનાથનું નિવેદન’ મથાળા હેઠળ હરિજનબંધુમાં લખાયેલા લેખમાં દેવદાસ ગાંધીએ પોતાના પિતાના અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ખાલીપણાની સાથોસાથ બાપુના ગયા બાદ હવે તમામ દેશવાસીઓની શું ફરજ હોવી ઘટે તે અંગે ભારપૂર્વક રજૂઆત કરી છે, તે લેખના સંકલિત અંશો.
હું એક અનાથ તરીકે, મારા જેવા જ અનાથ બનેલા બીજાઓને મારા દુઃખ તથા મારા વિચારોમાં સહભાગી બનાવવાના આશયથી આ બોલી રહ્યો છું. આપણા પર એક સરખો અંધકાર છવાઈ ગયો છે અને ગયા શુક્રવારના સંધ્યાકાળથી એકાએક જે અંધકાર વ્યાપી ગયો છે એનો અનુભવ મને એકલાને જ થાય છે એવું નથી.
મારી અને બાપુ વચ્ચે પરસ્પર જે સ્વાભાવિક પ્રેમ હતો તેનો ઈશ્વર સાક્ષી છે. વીસ વરસનો હતો ત્યારે વિશેષ અભ્યાસને માટે હું કાશી જવાને તૈયાર થયો હતો તે વખતે બાપુએ જે ઉમળકાથી મારું માથું ચૂમ્યું હતું એ મને બરાબર યાદ છે. એ પહેલાં બીજા કોઈ પ્રસંગે બાપુએ મને એ રીતે ચુંબન કર્યું હોય એ મને યાદ નથી.
છેલ્લા થોડા માસથી તે દિલ્હીમાં હતા તે દરમિયાન મારા ત્રણ વરસના પુત્રને બાપુના લાડનો લહાવો મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. હવે મારા ભાવ સાવ ઘટી ગયા હતા અને હમણાં જ થોડા દિવસ પર બાપુએ મને કહ્યું હતું કે તમે લોકો બિરલા ભવન નથી આવતાં ત્યારે વિશેષે કરીને મને ગોપુ ની ખોટ લાગે છે. તેના દાદા તેને આવકાર આપવાને જેવું મોં કરતા હતા તેની નકલ જ્યારે પણ એ બાળક કરે છે ત્યારે અમારી આંખ આંસુથી ભરાઈ જાય છે. આમ છતાં કુટુંબના સંકુચિત ક્ષેત્રમાં તેમને નહીં જેવો જ રસ હતો અને તે મારા એકલાના જ પિતા છે એવો ખ્યાલ મેં ક્યારનોયે તજી દીધો હતો. આપ જે સૌ મને સાંભળી રહ્યા છો તેમની પેઠે હું પણ તેમને એક ઋષિ તરીકે લેખતો હતો અને આપ સૌની પેઠે જ હું તેમની ખોટ અનુભવી રહ્યો છું.
એથી કરીને, આ ભીષણ આપત્તિને ઉત્તર ધ્રુવના પ્રદેશમાં રહેનારા અને એ મહાપુરુષ સાથે જેનો જાતિ કે લોહીનો કશો સંબંધ ન હોય એવા કોઈકની તટસ્થ વૃત્તિથી હું નિહાળું છું. એમની ખોટની હજી તો આપણને બહુ ઝાંખી પ્રતીતિ થઈ છે.
મને તેમ જ અમારા કુટુંબીજનોને લાગણીપૂર્વકના આશ્વાસનના સંદેશા મળી રહ્યા છે તેથી અમને ભારે સાંત્વન મળ્યું છે. પરંતુ અમને સંદેશો મોકલનારાઓએ વધારે દુઃખ અને વેદના અનુભવ્યાં હોય એ સંભવિત છે. કોણ કોને દિલાસો આપે?
રાતનું જાગરણ
એમના અવસાન પછી ત્રીસ મિનિટ બાદ હું ત્યાં પહોંચ્યો. એ સમયે બાપુનું શરીર હજી ગરમ હતું. એમની ચામડી હમેશાં કોમળ, સુંવાળી અને સ્વભાવતઃ સુંદર હતી. ધીમેથી મેં તેમનો હાથ મારા બંને હાથોમાં લીધો ત્યારે મને એવું લાગ્યું કે જાણે કશું થયું જ નથી. પરંતુ એમની નાડી બંધ પડી ગઈ હતી. હમેશની જેમ તે ખાટલા પર સૂતા હતા. એમનું માથું આભાના ખોળામાં હતું. સરદાર પટેલ અને પંડિતજી તેમની પાસે સૂનમૂન થઈને બેઠા હતા અને બીજાં ઘણાં શ્લોકો બોલતાં અને ભજનો ગાતાં ગાતાં ધ્રૂસકાં લઈ રહ્યાં હતાં. હું મોડો પડ્યો હતો. મારા એ અપરાધ માટે રડતાં રડતાં મેં બાપુના કાનમાં ક્ષમા માગી પરંતુ એ બધું વૃથા હતું. ભૂતકાળમાં મારા નાના નાના અપરાધો માટે તેમણે મને અનેક વાર ક્ષમા આપી હતી એટલે આ છેલ્લી વાર પણ તે પલળશે અને મારા તરફ જરા સરખી નજર કરશે એવી આશા મેં સેવી હતી. પરંતુ તેમના હોઠ દૃઢપણે બિડાઈ ગયા હતા. અને તેમની આંખો શાશ્વત શાન્તિમાં લીન થઈ ગઈ હતી. સમય ન સાચવવાની હમેશની ટેવવાળા પોતાના પુત્રને ક્રોધ વિના પણ નિશ્ચયપૂર્વક કહેતા હોય કે ‘હવે મારી શાન્તિનો ભંગ ન થઈ શકે’ એવો ભાવ તેમના ચહેરા પર દેખાતો હતો.
અમે આખી રાત જાગરણ કર્યું. એમનો ચહેરો એટલો શાન્ત અને સ્વસ્થ હતો તથા એમના દેહની આસપાસ દૈવી પ્રકાશની એવી પ્રભા વ્યાપી રહી હતી કે મૃત્યુનો શોક કરવો અથવા તેનાથી ડરવું એ મને પાપ કરવા સમાન લાગ્યું. ઉપવાસનો આરંભ કરતી વખતે જે ‘પરમ મિત્ર’નો તેમણે ઉલ્લેખ કરેલ હતો તેણે તેમને બોલાવી લીધા હતા.
ગોપાલકૃષ્ણ ગાંધી
અસહ્ય વેદના
ધાર્મિક વિધિ પ્રમાણે તેમના દેહને સ્નાન કરાવવાને માટે જે ઓઢીને તે પ્રાર્થનાસભામાં ગયા હતા તે ચાદર તેમના શરીર પરથી ઉતારી લીધી તથા તેમનાં કપડાં ઉતાર્યાં તે ઘડીએ અમને સૌને અસહ્ય વેદના થઈ. પોતાનાં સ્વલ્પ કપડાં બાપુ બહુ જ સુઘડતાપૂર્વક રાખતા હતા અને એ દિવસે તો વિશેષ કરીને એમ હતંુ. બાપુ ગોળી ખાઈને પડ્યા એથી કરીને ઉપરની ચાદર પર પ્રાર્થનાભૂમિ પરની ધૂળ લાગી હતી તથા ઘાસનાં તણખલાં ચોંટ્યાં હતાં. એ ધૂળ કે ઘાસનાં તણખલાંને ખંખેરી નાખ્યા વિના એ ચાદરની જેમની તેમ અમે ધીમેથી ગડી કરી દીધી. એ ચાદરની ગડીમાંથી ફૂટેલી એક ગોળીનુું ખોખું મળી આવ્યું એ પરથી માલૂમ પડે છે કે છેક પાસેથી ગોળી છોડવામાં આવી હતી. જે નાના દુપટ્ટાથી તે પોતાની છાતી તથા ખભા ઢાંકતા હતા તેના પર તેમના લોહીના મોટા ડાઘ પડ્યા હતા. તેમના જગજાહેર કચ્છ સિવાયનાં બધાં કપડાં ઉતારી લેવામાં આવ્યાં અને આપણા સૌના સુપરિચિત ‘નગ્ન ફકીર’ના સ્વરૂપમાં અમે તેમને નિહાળ્યા ત્યારે અમારાથી સ્વસ્થ રહી શકાયું નહીં. બાપુનાં એ ઘૂંટણો, એ હાથ, એ એમની વિશિષ્ટ આંગળીઓ, એ એમના પગ બધું જેમનું તેમ હતું. રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમના દેહને જાળવી રાખવાની સૂચનાને ઠેલવાનું કેટલું બધું મુશ્કેલ હતું! પરંતુ હિંદુ ભાવના એમ કરવા દે એમ નહોતું અને અમે એમાં સંમત થાત તો બાપુ અમને કદી પણ માફ ન કરત.
અંતિમ યાત્રા
એ શોકગ્રસ્ત ઓરડામાં અમે બાપુની ફરતે બેઠાં હતાં ત્યારે પ્રાર્થનાપૂર્વક પણ બાલિશતાથી હું એવી આશા સેવી રહ્યો હતો કે, ત્રણ ભીષણ ગોળીઓ વાગી હોવા છતાં કોઈ ને કોઈ રીતે સૂર્યોદય પહેલાં તે પાછા સજીવન થશે. પણ વખત તો અટળપણે જતો ગયો અને દુનિયાની કોઈ પણ વસ્તુ એમની નિદ્રા ભંગ ન કરી શકી ત્યારે સૂર્ય કદી ઊગે જ નહીં એવું હું ઇચ્છવા લાગ્યો. પરંતુ ફૂલ અંદર લાવવામાં આવ્યાં અને અંતિમ યાત્રા માટે અમે બાપુના દેહને શણગારવા લાગ્યાં. મેં તેમની છાતી ખુલ્લી રાખવા જણાવ્યું. બાપુ જેવી વિશાળ અને સુંદર છાતી કોઈ યોદ્ધાની પણ નહીં હોય. પછીથી અમે તેમની આસપાસ બેસીને તેમને પ્રિય હતાં એવાં ભજનો અને શ્લોકો બોલવા લાગ્યાં. આખી રાત લોકોનાં ટોળેટોળાં આવતાં રહ્યાં અને પ્રાતઃકાળમાં ગાંધીજીએ હરિજન ફાળા માટે તેમનું છેલ્લું ઊઘરાણું કર્યું. તેમના દેહ પાસે થઈને પસાર થતાં લોકોએ ફૂલોની સાથે ચલણી નોટો તથા સિક્કાઓની વૃષ્ટિ કરી હતી. પરદેશનાં એલચી ખાતાંઓના પ્રતિનિધિઓએ તેમની પત્નીઓ તથા સાથી મંડળ સાથે આવીને આદરપૂર્વક તેમને નમન કર્યું. એ કેવળ શિષ્ટાચાર નહોતો. આગળ પોતે જેમને મળ્યા હતા તથા જેમને તેઓ સારી પેઠે પિછાનતા હતા તેમને અંતિમ વિદાય આપવાને તેઓ આવ્યા હતા.
છેલ્લી મુલાકાત
આગલી રાત્રે મને એક અતિ વિરલ અવસર લાધ્યો. એ વખતે થોડીક વાર બાપુ સાથે હું એકલો જ હતો. રોજની જેમ એ વખતે હું ગાંધીજીને મળવા ગયો હતો. તે પથારીમાં સૂતા હતા અને એક આશ્રમવાસીને વર્ધાની પહેલી ગાડી પકડવાની સૂચના આપી રહ્યા હતા. એ જ વખતે હું ત્યાં જઈ પહોંચ્યો અને તેમણે પૂછ્યું, ‘શા ખબર છે?’ હું એક પત્રકાર છું એની મને યાદ કરાવવાની એ તેમની હંમેશની રીત હતી. એમાં મારે માટે એક પ્રકારની ચેતવણી રહેતી હતી એ હું જાણતો હતો. મારાથી એ કશંુ છૂપું રાખતા નહોતા. હું જે કંઈ પૂછું તેનો નિચોડરૂપ જવાબ તે હંમેશાં આપતા હતા. કદી કદી પૂછ્યા વિના પણ તે એમ કરતા હતા. પરંતુ સામાન્ય રીતે હું પૂછતો એટલું જ એ મને કહેતા. અને હું કેવળ જરૂરી હોય એટલી જ વાત પૂછું છું અને એને છાપાની ખબરના અર્થમાં કશી લેવાદેવા નથી એમ માનીને તે ચાલતા. એ બાબતમાં તેમને મારા પર પોતાની જાત પર હોય એટલો વિશ્વાસ હતો. સ્વાભાવિક રીતે જ મારે કશા ખબર તો આપવાના હતા જ નહીં એટલે મેં પૂછ્યું કે ‘આપણી સરકારની નાવ કેમ ચાલે છે?’ તેમણે કહ્યું કે, ‘જે થોડો મતભેદ છે તે મટી જશે એની મને ખાતરી છે.’ અને પછી ઉમેર્યું, “પરંતુ હું વર્ધાથી પાછો આવું ત્યાં સુધી રોકાવું પડશે. એમાં વધુ વખત લાગે એમ નથી. સરકારમાં બધા દેશભક્તો છે. દેશના હિતને હાનિ પહોંચે એવું કશું કોઈ નહીં કરે. કોઈ પણ ભોગે તેમણે બધાએ હળીમળીને કામ કરવું જોઈએ અને તેઓ એમ કરશે એની મને ખાતરી છે. તેમની વચ્ચે કોઈ પાયાનો મતભેદ નથી.”
આવી આવી બીજી વાતો પણ થઈ અને હું જો વધુ રોકાત તો હંમેશની પેઠે ત્યાં ભીડ થાત. એથી જવાની તૈયારી કરતાં મેં કહ્યું, ‘બાપુ, હવે તમે સૂઈ જશો?’ ‘ના, કશી ઉતાવળ નથી. તારી ઇચ્છા હોય તો હજી થોડો વખત વાત કરી શકે છે.’ પરંતુ હું કહી ગયો તેમ, વાત ચાલુ રાખવાની રજા ફરીથી બીજે દિવસે ન મળી શકી.
થોડાક દિવસ અગાઉ રાત્રે તેમની રજા લેતી વખતે મેં કહ્યું કે ‘પ્યારેલાલજીને હું મારી સાથે જમવા લઈ જાઉં છું.’ એના જવાબમાં હંમેશ મુજબ ખડખડાટ હસીને મને કહ્યું ‘બેશક લઈ જા, પણ મને બોલાવી જવાનો તને કદી પણ વિચાર થયો છે ખરો?
મગજ ઠંડું રાખીએ
ગઈ કાલે મારા એક મિત્રનાં પત્ની મને ખાસ મળવાને આવ્યાં. જાહેર બાબતોમાં તેમને ઝાઝો રસ નથી અને નમ્રતા તથા કરુણાની તે મૂર્તિ છે. તેમણે કહ્યું, ‘હું તમને એ કહેવા આવી છું કે પેલાને ફાંસીની શિક્ષા ન થાય એ જોજો. એ તો બહુ જ હળવી સજા ગણાય. એને તો ભૂખે મારીને રીબી રીબીને મરવા દેવો જોઈએ.’ એ બહેન ગંભીર નહોતાં પણ ભારે ગુસ્સે થયેલાં હતાં. વળી બીજાએ કહ્યું, ‘આપણે તેને રિબાવી ન શકીએ. આપણે એવા જંગલી નથી. પરંતુ એને જીવતો રહેવા દઈને એને એના પાપનો બોજો વહન કરવા દેવામાં આવે એમ હું ઇચ્છું છું.’
હું મારા ભાઈ કે પુત્રને વખોડું તે રીતે હું એને વખોડું છું. કેમ કે બાપુ સાથે એનો એ જ સંબંધ હતો. મેં એને મૂર્ખ કહ્યો છે. અને ખરેખર એ કેવો ભયંકર મૂર્ખ નીવડ્યો છે! એને હરામખોરોનો ટેકો મળ્યો હતો. પરંતુ એ લોકો પણ અસહ્ય મૂર્ખાઓ છે. યાદ રાખો કે મૂર્ખોની મૂર્ખાઈને અવધિ નથી અને તેથી કરીને ચોરોથી સાવધ રહીએ છીએ તે રીતે આપણે તેમનાથી સાવધ રહેવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો એક વખત હું પ્રશંસક હતો. એના આરંભના સમયમાં વ્યાયામ, કવાયત, વહેલા ઊઠવું અને શિસ્તબદ્ધ જીવન એ એના પાયાની વસ્તુઓ હતી. પરંતુ થોડા જ વખતમાં એમાં તકસાધુ સાહસખોરો ભરાયા. કેટલાકને એમાં પોતાની બઢતી અને રાજકીય મોકો દેખાયાં. એનો અધઃપાત ઝડપથી થયો. તેના કેટલાક આગેવાનોએ પ્રથમ ખાનગીમાં અને પછીથી જાહેરમાં પણ ભયંકર વાતો કરવા માંડી. આખરે એક જણે મલિનમાં મલિન વિચારો સેવવા માંડ્યા.
પરંતુ આપણે દૃષ્ટિ ગુમાવી બેસવું ન જોઈએ. તેમને જો એની ખબર પડત તો ગાંધીજીને બચાવવા માટે પોતાનો જાન આપે એવા માણસો હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છે. અને આ વિધાન તેમાંના મોટા ભાગના લોકોને લાગુ પડે છે એ ઉઘાડું છે. આ ગુનાને માટે મૂઠીભર કરતાં વધારે માણસો અપરાધી નથી. આ ગુનામાં સાથ આપનારા ગણ્યાગાંઠ્યા મહારાષ્ટ્રીઓ જોડે મહારાષ્ટ્રને ભેળવી દેવો ન જોઈએ. આજે મારે એ ટોળકીને વિષે કશું બોલવું ન જોઈએ. ગર્વ, અસંતોષ અને માનવીની સૌથી પ્રબળ વાસના ઈર્ષા એ બધાથી પ્રેરાઈને તેમણે આ કૃત્ય કર્યું છે.
વેર લેવું ન ઘટે
કેટલાકોએ મીઠાઈ ખાઈને એ પ્રસંગ ઊજવ્યો હોવાનું કહેવાય છે. એ વર્ણવ્યું ન જાય એટલું ઉપહસનીય છે. પરિણામોની એમને કશી પડી નથી અને કશું ધ્યેય જેવું પણ એમને નથી. તેમને સાથ આપનારાં ગણ્યાંગાંઠ્યાં છાપાંઓ કશી મર્યાદા ગણતાં જ નથી. છતાં અને અણછતા ગુનેગારો સાથે કેમ કામ લેવું એ સરકાર બરાબર જાણે છે. એ લોકો એટલા ઓછા અને છૂટાછવાયા છે કે સામાન્ય પ્રજાને એમને અંગે કશું કરવાપણું રહેતું નથી. એ બધું આપણી સરકાર પર છોડી દેવું જોઈએ.
કોઈ પણ સ્વરૂપમાં વેર લેવાનો તો સવાલ જ નથી. એમ કરવાથી બાપુ પાછા આવી શકવાના છે? આપણે માંહોમાંહે લોહી વહેવડાવીએ એ તેમને ગમશે? ના.
વિચાર કરતાં આપણને એમ લાગે કે બાપુનું રક્ષણ કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા. પણ આપણે ઓળખતા હતા તે બાપુને સંપૂર્ણ રક્ષણ આપવાનું શક્ય હતું ખરું? એમના ૭૮ વરસના જીવન દરમિયાન ઈશ્વરના રક્ષણ સિવાય બીજું કયું રક્ષણ તેમને હતું? અને હંમેશાં તે જોખમની સ્થિતિમાં નહોતા? એથી કરીને, આવી પડેલી આ આપત્તિને કારણે આપણી પેઠે જ જેઓ ભારે વેદના અનુભવી રહ્યા છે તેમના પર શોકના આવેગમાં ફરજ ચૂક્યાનો આરોપ ન મૂકીએ.
ભવિષ્ય અંધકારપૂર્ણ છે એવું હું નથી માનતો. ભવિષ્યને વિષે પેગમ્બર સિવાય બીજું કોણ વિશ્વાસપૂર્વક બોલી શકે એમ છે? વર્તમાન અંધકારમય બની ગયો છે એ વિષે શંકા નથી. પરંતુ બાપુ જેમને માટે જીવ્યા અને મર્યા તે આદેશોને માટે આપણે કામ કરીએ તો ભવિષ્ય ઊજળું છે. એથી કરીને હું નિરાશ નથી થતો. બાપુ સદાને માટે આપણી વચ્ચે રહે એવી ઇચ્છા આપણે રાખ્યા કરીએ તો આપણને લોભી કહેવાનો તેમને અધિકાર છે. હવે આપણે કટિબદ્ધ થવાનો વખત આવ્યો છે અને આપણે આપણા પગ પર ઊભા રહેવું જોઈએ. ઈશ્વરને જે ગમ્યું તેને વિષે શોક કરવામાં હું વ્યર્થ સમય નહીં બગાડું. બાપુ તો મુક્ત થઈ ગયા છે. એમનો દેહ આપણી વચ્ચે નથી પણ તેમનો આત્મા આપણને માર્ગ બતાવશે અને આપણને મદદ કરશે. છેલ્લા ચાર માસ દરમિયાનનાં તેમનાં રોજેરોજનાં પ્રવચનોમાં તેમણે આપણને ડહાપણભરી સલાહ આપી છે. તેમને જે કાંઈ કહેવાનું હતું તે બધું તેમાં આવી ગયું છે. આપણે આપસમાં ઝઘડીને એકબીજાથી છૂટા પડી જઈ શકીએ છીએ. પણ એથી ઊલટું જો આપણે એકતા જાળવવાનો થોડોક પ્રયાસ કરીએ તો આપણી આસપાસ ઘેરાયેલાં કાળાં વાદળોને આપણે વિખેરી નાખી શકીએ છીએ, અને તો આપણને દેખાશે કે અરુણોદય હાથવેંતમાં જ છે.
૬-૨-’૪૮
(અંગ્રેજી પરથી)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








