નવજીવન ન્યૂઝ.સુરતઃ ‘હું તાપી નદીમાં ઠેકડો મારવા જાઉં છું, બીજે ક્યાંય શોધતા નહીં, ત્યાં જ મળીશ. પપ્પા આવે તો કહેજો કે એમની જેની એમને બહુ યાદ કરતી હતી અને એમના વગર રહી શકે તેમ ન હતી એટલે આવું કર્યું…’ સુરતમાં એક દીકરીએ પિતાના વિરહમાં આપઘાત કરી લીધાની ઘટના ઘટી છે અને આ તેણે લખેલા અંતિમ પત્રની બે લાઈન છે. સમગ્ર પત્રમાં તેણે પોતાના સ્વજનોને ટાંકીને વાત કરી છે. જોકે આ દીકરીએ એવું પગલું લીધું કે તેના અંતિમ સંસ્કારમાં ના તો તેના પિતા હતા ના તેની માતા. આ ઘટનાને લઈને અને તે દીકરીના પત્રને લઈને ભલભલા કાઠા કાળજાના માણસનું પણ મન દ્રવી જાય તેવી આ ઘટના છે.
ઘટના કાંઈક એવી છે કે સુરતના એ કે રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી 16 વર્ષિય દ્રષ્ટી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેના પિતા શૈલેષભાઈ મનાણી મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગઢડાના વતની હતા પરંતુ તેઓ હાલ અહીં સુરતના વરાછા વિસ્તારમાં એ કે રોડ પર આવેલી રતનજી પાર્કમાં રહેતા હતા. તેઓ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા સાથે જ થોડું ઘણું રિપેરિંગનું કામ પણ કરતા હતા. તેમને દ્રષ્ટી ઉપરાંત એક મોટો પુત્ર ધ્રિવીન પણ છે. હસ્તા રમતા આ પરિવારમાં થોડા સમયથી કેટલીક પરેશાનીઓ શરૂ થઈ. મૂળ કારણો શું છે તેની આગળ વાત કરીશું પરતુ ગઈકાલે એટલે કે 15 ડિસેમ્બરે દ્રષ્ટી ઘરે એક પત્ર મુકીને તાપીમાં પડતું મુકવા માટે નીકળી ગઈ. જાણકારીને પગલે ભાઈ તેને બચાવવા દોડ્યો. જોકે તે તેની પાસે પહોંચે તે પહેલા જ તેણે નદીમાં કૂદકો લગાવી દીધો. ત્યાં કેટલાક હાજર માછીમારોએ તુરંત તેને બચાવવાની તૈયારીઓ કરી અને તેઓએ તેને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી. જોકે ત્યાં તેને તબીબે મૃત જાહેર કરી હતી.
પોલીસે તપાસ કરતા તેમાં સામે આવ્યું કે, દ્રષ્ટીની માતા અને પિતાના અગાઉ છૂટાછેડા થઈ ચુક્યા હતા. ગત બુધવારે સ્કૂલમાંથી દ્રષ્ટી પ્રવાસ માટે ગઈ હતી. જોકે આ પ્રવાસ કચ્છ-ભૂજનો હતો એટલે પિતાએ તેને ત્યાં જઈ આવ્યા છીએ તો નથી જવું કહીને તેને ના પાડી હતી. જોકે તે માની નહીં તેણે પોતાની બહેનપણી પાસેથી રૂપિયા ઉધાર લીધા અને પ્રવાસની ફી ભરી દીધી. જ્યારે તેની બેગ તે પેક કરતી હતી ત્યારે તેના પિતાને ખબર પડી કે દ્રષ્ટી હવે પ્રવાસમાં જઈ રહી છે. 10 ડિસેમ્બરે બુધવારે તે પ્રવાસમાં ગઈ હતી અને તે પછી તેના પિતા ઘરેથી કશું કહ્યા વગર નીકળી ગયા. જ્યારે તે રવિવારે બપોરે પાછી આવી ત્યારે તેના પિતા ગુમ હતા. જેથી સોમવારે વરાછા પોલીસને ગુમ થયાની જાણવાજોગ આપવામાં આવી હતી. આમ માતા પછી પિતા પણ તેને છોડીને જતા રહ્યા તેવું માની તે આઘાતમાં આવી ગઈ હતી. દ્રષ્ટી તેના પિતાને ખુબ પ્રેમ કરતી હતી. જોકે તે આ આઘાત સહન કરી શકી નહી.
તેણે પોતાના સ્વજનોને સંબોધીને પત્ર લખ્યો હતો. તેણે લખ્યું કે,
At the end…
તમે તમારું ધ્યાન રાખજો. મારી ચિંતા નો કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકરને એ ગોતી લેશે બરાબર…
ચલો, તમને કોઈ વધારે ચિંતા નથી આપવી, કહી જ દઉં છું હું તાપીમાં ઠેકડો મારું છું. જો અગર ગોતવી હોય તો ત્યાં જ ગોતજો બાકી નહીં. હું ત્યાં જાઉં છું બરાબર અને કોઈ રોતા નહીં અને યાદ ના કરતા. હું ય કોઈને યાદ નહીં કરું બરાબર… તમે બધા ખુશ રેજો મારું ચિંતા ના કરશો.
અને પપ્પા આવે તો કેજો એને જેની એને બોવ યાદ કરતી હતી. અને એના વગર રહી શકે તેમ ન હતી, એટલે એણે આમ કર્યું….
Bye, Bye, આવજો… મારી ચિંતા ના કરશો. ભાઈ બાને સાચવજે હોને, હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈ કે મારા પપ્પા છે ક્યાં? શોધીશ એમને? મળીશ કે એ ક્યાં છે અને મને મૂકીને કેમ ગયા?
Bye, Bye, Miss you all…
યાદ આવશે તમારી અને પપ્પા તમારી ખાસ. ધ્યાન રાખજો તમારું daddy, your girl is always love you….❤️
ઉલ્લેખનીય છે કે, તાપીમાં ભાઈની નજર સામે જ જ્યારે દ્રષ્ટીએ પડતું મુક્યું તે પછી તેનો જીવ બચી શક્યો નહીં. સોમવારે જ્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે દરેક સ્વજનોની આંખો ભરાઈ ગઈ હતી. કારણ કે, જ્યારે તે દીકરીનો મૃતદેહ જ્વાળાઓથી ઘેરાયેલો હતો ત્યારે ના ત્યાં તેના પિતાની હાજરી હતી ના તેની માતા હાજર હતી. દીકરીને આવી અંતિમ વિદાય મળી તે ખ્યાલ માત્ર લોકોને ધ્રુજાવી જતો હતો. હવે આગામી 18મી તારીખે સોસાયટીની જ વાડીમાં તેની શોક સભા રાખવામાં આવી છે. એ દિવસે પણ માહોલ ગમગીન રહેશે તેનો સહુને અંદેશો મળી રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન નથી. કોઈપણ પરિસ્થિતિ કે સંકટ એક દૂધમાં આવેલા ઉભરા સમાન હોય છે જે તે સમયે ઘણી મોટી લાગે પરંતુ એક ચોક્સ સમય આવ્યે તે પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવી ઘટનાઓ આપણા ત્યાં અવારનવાર બની રહી છે. માટે જો તમે ડિસ્ટર્બ હોવ આવો કોઈ વિચાર આવી રહ્યો હોય કે પછી તમારા એવા કોઈ પરિચિતને તમે જાણો છો કે તે આવા કોઈ વિચારો કરી રહ્યું છે, ડિસ્ટર્બ છે અને તેને એક કાઉન્સેલિંગની જરૂર છે, સમજાવાની અને તેને મદદ કરવાની જરૂર છે તો આપ અથવા પોતાના પરિચિત વતી આપ આ કેટલાક નંબર પર કોલ કરી મદદ મેળવી શકો છો. જેવા કે, 100 અથવા જે તે વિસ્તારના પોલીસ મથકનો પણ સંપર્ક કરી શકો છો. સાથે જ MANAS (Govt of India): Dial 14416 or 1-800-891-4416 આ પણ એક મલ્ટી લેન્ગવેજ ટેલિફોન સર્વિસ છે. ઉપરાંત 24 કલાક હેલ્પ લાઈન નંબર Vandrevala Foundation: Dial +91 9999 666 555 ને પણ કોલ કરી શકો છો.








