Sunday, October 26, 2025
HomeFeature Postદેશના ઈતિહાસનું સૌથી ઘાતકી બિલ લાવી રહી છે મોદી સરકાર?

દેશના ઈતિહાસનું સૌથી ઘાતકી બિલ લાવી રહી છે મોદી સરકાર?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ): જંગલ સંરક્ષણ પર ‘ફોરેસ્ટ કન્ઝર્વેશન બિલ-2023’ (Forest Conservation Bill-2023) થી મોટું જોખમ ઊભું થયું છે; અને તેથી તેનો વિરોધ પ્રકૃતિપ્રેમી અને વિરોધ પક્ષના આગેવાનો કરી રહ્યા છે. વર્ષ 2021માં થયેલી માપણી મુજબ દેશનો 25 ટકા હિસ્સો જંગલ આવરણ નીચે આવે છે. આ આવરણ અત્યાર સુધી ટકી રહ્યું તેના કારણોમાં સખ્ત જંગલના કાયદા છે, પણ હવે તે કાયદામાં ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. નવું બિલ આ વખતના સંસદના સેશનમાં રજૂ થઈ ચૂક્યું છે. બિલની રજૂઆત થતાં તે અંગે હોબાળો પણ થયો. હવે ‘જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી’ (joint parliamentary committee) દ્વારા બિલની સમીક્ષા થશે અને પછી તેના પર ગૃહમાં ચર્ચા થશે.

દેશમાં જંગલ સંરક્ષણ અર્થે અત્યાર સુધી ‘ફોરેસ્ટ (કન્ઝર્વેશન) એક્ટ, (Forest (Conservation) Act 1980) 1980’ અમલમાં છે. આ સિવાયના પણ અન્ય કેટલાંક કાયદા જંગલોને સુરક્ષા બક્ષે છે. આ બિલો અંતર્ગત જંગલ વિસ્તારમાં કોઈ પણ નુકસાન થાય તેવી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી નહોતી. અને તે કારણે અનેક પ્રોજેક્ટ અટકેલા રહ્યા છે. હવે કેન્દ્ર સરકાર આ બિલના ઉકેલ રૂપે એક બીજું બિલ લઈ આવી છે. આ બિલથી અટકેલા પ્રોજેક્ટોને મંજૂરી મળવા માંડશે. આ ઉપરાંત, બિલમાં જંગલને નવીન રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ બિલ અંતર્ગત ઘડવામાં આવેલા નિયમ મુજબ, 25 ઑક્ટોબર 1980 પછી જે વિસ્તારની જંગલ તરીકે નોંધણી કરવામાં આવી છે, તેને જ જંગલ ગણવામાં આવશે. હવે આનો અર્થ એવો છે કે જંગલનું કવર ઘટશે; કારણ કે 1850થી 1970 દરમિયાન દેશના ખૂબ મોટા વિસ્તારને જંગલ તરીકે દાખવવામાં આવ્યો છે. પણ નવો કાયદા મુજબ તે જંગલ ગણાશે નહીં.

જંગલને નેસ્તનાબૂદ કરવાનો જાણે આ બિલમાં કારસો ઘડાયો હોય તેમ જંગલમાંથી જતી રેલવે લાઈન કે વાહનમાર્ગની આસપાસ 0.1 હેક્ટર સુધીની જમીન સંદર્ભે જંગલ ખાતાની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. દેશના સરહદે આવેલી લાઇન ઓફ કન્ટ્રોલની પાસેનો 100 કિલોમીટર વિસ્તારમાં પણ નાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પર્યાવરણ મંત્રાલયની કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. લાઇન ઑફ કન્ટ્રોલની પાસે આ પ્રકારે મંજૂરી લીધા વિના પ્રોજેક્ટ શરૂ કરવા વિશે બિલમાં ‘દેશના મહત્ત્વ અને સુરક્ષા’નું કારણ આપવામાં આવ્યું છે. આ સિવાય, દેશમાં જ્યાં પણ સુરક્ષા સંબંધિત માળખાકીય સુવિધા નિર્માણ થતી હોય ત્યાં 10 હેક્ટર્સની જગ્યા માટે મંજૂરી લેવાની રહેશે નહીં.

બિલમાં સરકારે જંગલનો અર્થ બદલી નાંખ્યો છે પણ ‘ટી.એન. ગોદાવરન થિરુમપુલાડ વિરુદ્ધ ભારત સરકાર’ અને અન્ય કેટલાંક કેસમાં પણ સુપ્રિમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી છે કે ડિક્ષનરીના શબ્દના આધારે માત્ર ‘જંગલ’નો અર્થ કરવાનો નથી. પરંતુ સરકાર દ્વારા જે પણ જમીનને જંગલ તરીકે રેકોર્ડમાં દાખવી છે તે તમામને જંગલ ગણવાનું છે. હાલની સરકારે જંગલના કાયદામાંથી છટકવા માટે બધું ધ્યાન રાખ્યું હોય તેમ કાયદો ઘડ્યો છે. જેમ કે, બિલમાં જંગલ વિસ્તારને ગણવા માટે 25 ઑક્ટોબર, 1980ની પછીનો સમય ઠેરવવામાં આવ્યો છે. આ તારીખનો તર્ક તપાસીએ તો ખ્યાલ આવે દેશમાં જમીનદારી પ્રથા રદ થઈ તે ગાળામાં એટલે કે 1950થી 1970માં મહદંશે જમીન જંગલ વિભાગ હેઠળ સમાવિષ્ટ થઈ છે, અને તેથી 1980નું વર્ષ કટ ઑફ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

- Advertisement -

બિલમાં એક બીજો ઉદ્દેશ્ય ‘નેટ ઝીરો એમિસન’નો છે, જેનો અર્થ – વાતાવરણમાંથી કાર્બન ઉત્સર્જનની સંપૂર્ણ નાબૂદી – એવો થાય છે. સરકારે ‘નેટ ઝીરો એમિસન’ માટે 2070નો ટારગેટ રાખ્યો છે અને આ માટે જંગલ સિવાયના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. ટૂકમાં જ્યાં-જ્યાં કુદરતી જંગલો છે તેને પ્રોજેક્ટ હેઠળ કાપવામાં આવે તેમ છતાં વૃક્ષોનું આવરણ ન ઘટે તે માટે સરકારે કાયદામાં જોગવાઈ રાખી છે. જોકે નિષ્ણાતો મુજબ કુદરતી જંગલની પોતાની એક ઇકોસિસ્ટમ હોય છે અને તેમાં પંખી, પ્રાણી અને જીવજંતુઓથી માંડિને ગાઢ વૃક્ષો ઉગે છે. તેના તોલે કૃત્રિમ રીતે નિર્માણ કરેલું જંગલ ક્યારેય આવી શકે નહીં.

‘ફોરેસ્ટ કન્ઝર્વેશન બિલ-2023’ એ રીતે જંગલો માટે ઘાતકી સાબિત થઈ શકે છે. અત્યાર સુધીના જંગલો કડક કાયદાના કારણે બચ્યા છે. એવું નથી જંગલોમાં કોઈ નુકસાન થયું નથી. નુકસાન તો થાય છે, પરંતુ તેના સંરક્ષણ અર્થે કાયદા સખ્ત છે. અને જે તે કાયદા અંતર્ગત કોઈ દોષી ઠરે છે તેને સજા પણ એ પ્રમાણે થાય છે. વર્તમાન કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા જંગલમાં વિકાસ ઇચ્છનારાઓને માર્ગ મોકળો કરી આપ્યો છે. આ માર્ગ આપણા માટે ખૂબ સગવડ તો નિર્માણ કરશે, પણ આપણી આસપાસથી કુદરતની અમૂલ્ય સંપત્તિ હંમેશ માટે નેસ્તનાબૂદ કરી દેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular