ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી આજે રાજીનામું આપી દીધું. રાજીનામું આપવા પાછળનું કારણ સ્વાસ્થ્ય સારુ ન રહેતું હોવાનું જણાવ્યું છે.
વાંચો તેમનો રાજીનામાનો પત્ર
માનનીય રાષ્ટ્રપતિ… મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડૉક્ટરની સલાહનું પાલન કરવા માટે હું બંધારણના અનુચ્છેદ 67(a) હેઠળ મારા પદ પરથી રાજીનામું આપું છું. હું ભારતના રાષ્ટ્રપતિનો ઊંડો આભાર વ્યક્ત કરું છું. તમારો ટેકો અતૂટ રહ્યો છે, અને મેં તમારી સાથે શાંતિપૂર્ણ અને અદ્ભુત કાર્યકાળ પસાર કર્યો છે. હું માનનીય વડાપ્રધાન અને મંત્રી પરિષદનો પણ ઊંડો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીનો સહકાર અને સમર્થન અમૂલ્ય રહ્યું છે અને મેં મારા કાર્યકાળ દરમિયાન તેમની પાસેથી ઘણું શીખ્યું છે.
માનનીય સાંસદો તરફથી મને મળેલો સ્નેહ, વિશ્વાસ અને પ્રેમ હંમેશા મારી યાદમાં રહેશે. આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલો અનુભવ અને જ્ઞાન અત્યંત મૂલ્યવાન રહ્યો છે તેનો હું આભારી છું. આ પરિવર્તનશીલ યુગમાં ભારતની અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ અને તેના ઝડપી વિકાસને જોવું અને તેમાં ભાગ લેવો મારા માટે ખૂબ જ ભાગ્ય અને સંતોષની વાત રહી છે. આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન સેવા કરવી મારા માટે ખરેખર સન્માનની વાત રહી છે. આજે જ્યારે હું આ સન્માનિત પદ છોડી રહ્યો છું, ત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું છે અને ભારતની સિદ્ધિઓ અને તેના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ છે. ઊંડા આદર અને કૃતજ્ઞતા સાથે, જગદીપ ધનખડ
ઉલ્લેખનીય છે કે 25 જૂનના રોજ, ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ પછી જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાત્કાલિક નૈનીતાલ રાજભવન લઈ જવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે 2022મા જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 6 ઓગસ્ટ, 2022ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધનખડે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવ્યા હતા. ધનખડે કુલ 725 માંથી 528 મત મેળવ્યા હતા, જ્યારે અલ્વાને 182 મત મળ્યા.








