નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) ચાલતી બેફામ ખનીજ ચોરી મામલે સુરેન્દ્રનગર પોલીસ વડાનું (Surendranagar SP)કામ રેન્જ આઈ.જી.એ કર્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી નવજીવન ન્યૂઝ (Navajivan News) સતત ખનીજ માફિયાઓના (Mining Mafia) કારસ્તાન પરથી પડદો ઉંચકી અહેવાલ પ્રસિધ્ધ કરી રહ્યું છે. છતાં પણ સ્થાનિક પોલીસ વિભાગ હરકતમાં નહીં આવતા આખરે રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવે (Range IG Ashok Kumar Yadav)કાર્યવાહી માટે સૂચના આપવી પડી છે. જે સૂચના મળતા પોલીસ તંત્રએ મને કમને તારીખ 11થી 17 મે દરમિયાન કેટલીક દેખાવ પુરતી કામગીરી કરવી પડી હતી. જે કાર્યવાહીમાં 5 ડમ્પર, 2 ટ્રેલર, 1 જે.સી.બી. 1 એક્સ્કાવેટર મશીન અને 10 ચરખી ઝડપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગર પોલીસને કોલસાની ચોરી કરતા ખનીજ માફિયા વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સૂચના મળતા સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રુપાવટી, નવાગામ, થાનગઢ અને જામવાડી સહિત ખનીજ ચોરી માટે ક્રિમ એરિયા ગણાતા થાનગઢના ભડુલામાં તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા અંદાજીત રૂપિયા 2 કરોડની કિંમતના વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ભડુલામાંથી માત્ર 10 ચરખી મશીન જ ઝડપાય તે વાત હજુ પણ સ્થાનિકોના ગળે ઉતરતી નથી. આમ કહી શકાય કે પોલીસે કરેલી કાર્યવાહી પ્રતિકાત્મ છે.
પોલીસે કરેલી કાર્યવાહીમાં તારીખ 11ના રોજ રુપાવટી ચોકડી પાસેથી ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલું ડમ્પર, નવાગામ રોડ પરથી કાર્બોસેલ ભરેલું ડમ્પર, થાનગઢ નજીકથી જે.સી.બી. મશીન, અશોક લેલેન્ડ ડમ્પર, જામવાડી ખાતેથી લોખંડના 10 પોલ, ખનીજ ભરેલા 2 ટ્રેલર, થાનગઢ નજીકથી ટાટા હિટાચી કંપનીનું એક્સ્કાવેટર મશીન સહિત એક ડમ્પર, થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડમ્પર તેમજ ભડુલા વિસ્તારમાંથી 10 ચરખી ઝડપી લેવામાં આવી છે.
આ પણ વાંચો: નવજીવન ન્યૂઝ ઈમ્પેક્ટ! સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વખત રાત્રિના ખનીજ માફિયા પર કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં થાનગઢ, મૂળી અને સાયલા વિસ્તારમાં પુષ્કળ માત્રામાં કોલસાની ખનીજ મળી આવે છે. પરંતુ આ ખનીજ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા શ્રમિકોને જોખમી રીતે કૂવામાં ઉતારી કાઢવામાં આવી રહી છે. તેમજ આ ખનીજ કાઢવા માટે ઉંડા કૂવા જેવા ખાડામાં ઉતરતા વર્ષે લગભગ 60-70 જેટલા શ્રમિકોના મોત પણ થાય છે. પણ આ કૌભાંડને રાજકીય અને તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો ઓથ હોય મૃત્યુના આંકડા પણ ચોપડે નોંધાતા કે કાર્યવાહી થતી નથી. આ કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું હોવા છતાં પણ ખનીજ માફિયા કે પોલીસ દ્વારા ક્યારેય નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેના પરિણામે પર્યાવરણ અને ભૂર્ગભ જળને માઠી અસર પહોંચી રહી છે. આ મામલે નવજીવન ન્યૂઝે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી અહેવાલો પ્રસિધ્ધ કરતા હાલ તંત્ર ઉંઘમાંથી જાગ્યું હોય તેમ કામગીરી કરવાનો ડહોળ કરતું હોય તેમ જણાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








