Ahmedabad woman police constable commits suicide : અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા પોલીસ હેડ કવાર્ટ્સ (Ahmedabad Police Headquarters) માં ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે આવેલા ઘરમાં આપઘાત કરી લીધો છે. નાઈટ ડ્યૂટી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ WPC જ્હાનવી ડાભીએ અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે સેક્ટર 7 પોલીસ સ્ટેશન (Sector 7 Police Station) માં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી જ્હાનવી ડાભીના છૂટાછેડા થઈ ચૂક્યા છે.
ગાંધીનગર સેક્ટર-3ડી ખાતે રહેતાં જ્હાનવીબહેન અનિલભાઈ ડાભી (Jhanvi Dabhi WPC) અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાટર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. બેએક દિવસ અગાઉ રાતની નોકરી પૂર્ણ કરીને જ્હાનવીબહેન ઘરે પરત ફર્યા હતા. જ્હાનવી ડાભી લાંબા સમયથી રૂમની બહાર નહીં આવતા તેમજ દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. યેનકેન પ્રકારે રૂમમાં પ્રવેશતા જ્હાનવીબહેન છતમાં રહેલા પંખાની સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃત્યુનું કારણ જાણવા તપાસ આરંભી છે.
સેકટર 7ના પીઆઈ એ.જી. સોલંકી (PI A G Solanki) એ જણાવ્યું છે કે, જ્હાનવી ડાભી મકાનમાં ભાડેથી રહેતા હતા. તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતાએ બીજા લગ્ન કર્યા હોવાની માહિતી મળી છે.








