કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): પૂર્વ રાજ્યસભા સાંસદ શાહિદ સિદ્દીકીનું નવું પુસ્તક ‘આઈ વિટનેસ‘ પ્રકાશિત થયું છે. એક સમયે દિલ્હીના રાજકીય ગલિયારામાં ગાજતું નામ આજે ભલે ઓછું સંભળાતું હોય, પરંતુ શાહિદ સિદ્દીકીએ પોતાના પુસ્તકમાં રાજકારણના અનેક અજાણ્યા પાસાઓ ઉજાગર કર્યા છે.
આજના જાણીતા નેતાઓ જેવા કે ઇમરાન પ્રતાપગઢી, કનૈયા કુમાર, સુધાંશુ ત્રિવેદી, સંબિત પાત્રા, અસદુદ્દીન ઓવૈસી અને અખિલેશ યાદવની જેમ શાહિદ સિદ્દીકી પણ એક સમયે મીડિયામાં સતત ચર્ચામાં રહેતા હતા. પણ વ્યક્તિના જીવનમાં એક ઉંમરે એવો સમય આવે છે જ્યારે તે જાહેરજીવનમાંથી ઓઝલ થઈ જાય છે. આ ઓઝલ થયેલું નામ ફરી મીડિયામાં પ્રગટ થયું છે તેનું કારણ તેમના દ્વારા લિખિત પુસ્તક ‘આઈ વિટનેસ’ છે. તેમના આ પુસ્તકમાં તેમણે રાજકીય ક્ષેત્રના પોતાના અનુભવો અને સાક્ષીભાવને રજૂ કર્યા છે. શાહિદ સિદ્દીકી જ્યાં સુધી રાજકારણમાં પ્રવૃત્ત રહ્યા ત્યાં સુધી તેમની આસપાસ અનેક ઘટનાઓ બની છે, તેમાંની જાણવાજોગ ઘટનાઓ તેમણે આ પુસ્તકમાં વર્ણવી છે.
‘I, Witness’: નેહરુથી મોદી સુધીની ભારતની રાજનીતિ
શાહિદ સિદ્દીકીનું આ પુસ્તક સાડા ચારસો પાનાંનું છે અને તે અંગ્રેજીમાં લખાયેલું છે. આ પુસ્તકના શીર્ષક નીચેની ટેગલાઇન છે: ‘ઇન્ડિયા ફ્રૉમ નેહરુ ટુ નરેન્દ્ર મોદી’. ભારતીય રાજકારણનો વિષય અટપટો છે અને તેમાં એટલા બધા સ્તર ઉમેરાયેલા છે કે તેનું સાચું ચિત્ર પામવું સારા-ખરા માટે મુશ્કેલ છે. શાહિદ સિદ્દીકી સાથે એવું ન થયું, કારણ કે તેમની મુખ્ય ઓળખ સાંસદ તરીકેની રહી હોવા છતાં, તેમની વ્યાવસાયિક ઓળખ પત્રકાર તરીકેની છે. દિલ્હીથી ઉર્દૂ ભાષામાં પ્રકાશિત થતા ‘નઈ દુનિયા’ સામયિકના તેઓ તંત્રી છે. 74 વર્ષના શાહિદ સિદ્દીકી સૌપ્રથમ કોંગ્રેસ, તે પછી સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળમાં રહ્યા. આખરે તેઓ ફરી એકવાર સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા. પરંતુ 2012માં જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ પાર્ટીની નજરમાં તેમણે એક એવી ગુસ્તાખી કરી નાખી કે તેમને તાત્કાલિક પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા. આ ગુસ્તાખી હતી હાલના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લેવાની. તેમણે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણો સહિત અનેક પ્રશ્નો કર્યા હતા, જેનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છ પાનાંમાં પ્રકાશિત થયો હતો.
શા માટે આ પુસ્તક ચર્ચામાં છે?
શાહિદ સિદ્દીકીના વ્યક્તિત્વ વિશે આટલું વાંચ્યા પછી તેમના સાક્ષીભાવ વિશે જાણવા કોણ ઉત્સુક નહીં હોય? અને એટલે જ અનેક ન્યૂઝ ચેનલો પર હાલ તેમના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે. તેમાંથી એક ઇન્ટરવ્યૂ ‘લલ્લનટોપ’ ચેનલના ‘કિતાબવાલા’ કાર્યક્રમમાં થયો છે અને તેમાં સૌરભ દ્વિવેદીએ શાહિદ સિદ્દીકી સાથે સવા બે કલાકનો સંવાદ કર્યો છે. હજુ આ પુસ્તકના અંશો ક્યાંય વાંચવા મળતા નથી, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં એવું ઘણું જાણવા મળે છે, જેની વિસ્તૃત ઘટનાઓ તેમણે પુસ્તકમાં નોંધી હશે. સૌરભ દ્વિવેદી પોતાની શૈલીમાં પુસ્તક અને લેખકની વિગતે ઓળખ આપીને તેમને પૂર્વ રાજકીય આગેવાન અરુણ નેહરુ વિશે પૂછે છે. અરુણ નેહરુ રાજીવ ગાંધીના પિતરાઈ ભાઈ હતા અને તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને વી.પી. સિંહની આગેવાની હેઠળની સરકારોની કેબિનેટમાં રહી ચૂક્યા હતા. દિલ્હીના શક્તિશાળી વ્યક્તિઓમાં અરુણ નેહરુનું નામ લેવાતું હતું. આ અરુણ નેહરુ સાથેના સંઘર્ષ વિશે જ્યારે શાહિદ સિદ્દીકીને પૂછવામાં આવ્યું, ત્યારે સૌપ્રથમ તેઓ તેમની સાથેના મતભેદને નકારતા નથી અને પછી આગળ કહે છે: ‘મારી તેમની સાથે મુશ્કેલી એ હતી કે હું તેમના વ્યક્તિત્વને અને તેમની કાર્યશૈલીને સારી રીતે ઓળખી ચૂક્યો હતો. તેમણે જે પંજાબમાં ખેલ ખેલ્યો, કાશ્મીરમાં જે ખેલ ખેલ્યો – તેનાથી હું સારી પેઠે પરિચિત હતો. તેમના કામ કરવાના અંદાજમાં તેઓ પોતાને સૌથી ઉપર સમજતા હતા. અરુણ નેહરુએ કાશ્મીર અને પંજાબને બરબાદ કર્યાં. તેમને એક સમયે એવું લાગવા માંડ્યું હતું કે ખરા વડાપ્રધાન તેઓ જ છે અને એવું પણ માનવા લાગ્યા હતા કે શ્રીમતી ગાંધી તેમને જ વડાપ્રધાન બનાવશે, કારણ કે રાજીવ ગાંધી પોતાના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ બાદ મજબૂરીથી રાજકારણમાં આવ્યા હતા. રાજીવ ગાંધીને રાજનીતિમાં કોઈ જ રસ નહોતો. અરુણ નેહરુને વિશ્વાસ હતો કે તે વડાપ્રધાન બનશે, પણ બન્યું એવું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ વડાપ્રધાન ન બની શક્યા. પછી તેઓ રાજીવને હટાવવા અને સત્તામાં આવવા માટે સતત ષડયંત્ર કરતા રહ્યા. એટલે, તમે ભલે તેને મારો પૂર્વગ્રહ ગણો, પણ મારા મતે સત્ય આ જ હતું.’
માયાવતી અને કાશીરામ સાથેના સંબંધો
શાહિદ સિદ્દીકીના પુસ્તકમાં તો અનેક વાતો છે, પરંતુ ભારતીય રાજકારણમાં જેની અસર ખૂબ ઊંડી રહી તેમાં એક નામ ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનું પણ છે. શાહિદ સિદ્દીકીને કાશીરામ અને માયાવતી વિશે પૂછવામાં આવ્યું. તેમાં સૌરભ દ્વિવેદી એક ઘટના ટાંકીને પ્રશ્ન પૂછે છે. તે ઘટના એવી હતી કે કાશીરામ જ્યાં રહેતા હતા ત્યાં તેમનો અને માયાવતીનો કોઈક વાતને લઈને ઝઘડો થઈ ગયો. શાહિદ સિદ્દીકી ત્યાં પહોંચ્યા ત્યારે માયાવતી બહાર સૂટકેસ લઈને ઊભાં હતાં. તે વખતે કાશીરામ અને તેમના સમર્થકો દરવાજો ખોલી રહ્યા નહોતા. શાહિદ સિદ્દીકી આ વિવાદમાં વચ્ચે પડ્યા અને દરવાજો ખુલ્યો. આ બંને આગેવાનોનો વિવાદ આવનારી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને હતો. શાહિદ સિદ્દીકીનો જવાબ: ‘હું જે રાજકીય આગેવાનોનું સન્માન કરું છું તેમાં કાશીરામ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. કાશીરામમાં જે સમજ અને બૌદ્ધિક શક્તિ હતી – તેઓ જાણે હરતુંફરતું કમ્પ્યૂટર હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અંગેની તેમની સમજ અદ્વિતીય હતી. તેમની પાસેથી હું ઘણું શીખ્યો. તેઓ જ્યારે મારી પાસે પ્રથમવાર આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે હું તમારી મદદ ઇચ્છું છું, તમારા અખબારનું સમર્થન ઇચ્છું છું. તો મેં તેમનો ઇન્ટરવ્યૂ કર્યો. તે ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધિ પામ્યો. પછી તેમની અને મારી સારી દોસ્તી થઈ. ત્યારે તેઓ દિલ્હીમાં કરોલબાગ પાસે એક નાનકડા રૂમમાં રહેતા હતા. ત્યારે તેમણે ‘દલિત શોષિત સંઘર્ષ સમિતિ’ નામનું સંગઠન બનાવ્યું હતું. તેમના બીજા સંગઠનનું નામ ‘બામસેફ’ હતું. ત્યાં સુધી ‘બહુજન સમાજ પાર્ટી’ બની નહોતી. અમારી દોસ્તી એવી બની કે અમે અઠવાડિયામાં એક-બે વાર અચૂક બેસતા. કાશીરામે પોતાનો પરિવાર છોડી દીધો હતો અને તેમની સારસંભાળ રાખનાર કોઈ નહોતું. ત્યારે માયાવતી તેમના ઘરની સારસંભાળ રાખતાં હતાં. ત્યાં સુધી મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તેમની કોઈ રાજકીય ભૂમિકા છે. પરંતુ એક બાબત મેં જોઈ કે દરરોજ, વિશેષ કરીને શનિ-રવિવારે માયાવતી ઘરના આંગણામાં બેસતાં અને ત્યાં અલગ-અલગ જિલ્લામાંથી લોકો મળવા આવતા. હવે જ્યારે આ રીતે બંને સાથે રહેતાં હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ બાબતે તેમનો મતભેદ થાય. તો હું જ્યારે એક દિવસ સવારે ગયો ત્યારે માયાવતી સૂટકેસ સાથે બહાર હતાં અને કાશીરામ દરવાજો ખોલતા નહોતા. આખરે મારા કહેવાથી દરવાજો ખુલ્યો.’ આ ઘટનાનો પુસ્તકમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ નથી. તે વિશે શાહિદ સ્પષ્ટતા કરતાં કહે છે કે, ‘મેં સંસ્મરણો લખ્યાં છે અને હવે કોઈ ઇતિહાસકાર જ્યારે આ વાંચશે, તો તે પોતાની રીતે તેનું અર્થઘટન કરશે. મારું કામ આંખે દેખ્યો ઘટનાક્રમ લખવાનું છે.’
શાહબાનો કેસ પર અભિપ્રાય
આ પછી તેમને એક સીધો પ્રશ્ન પૂછાય છે કે ચર્ચિત શાહબાનો કેસમાં તમારા અખબારનું વલણ શું રહ્યું હતું? ઉત્તરમાં તેઓ કહે છે: ‘શાહબાનો કેસમાં હું ઉલેમાઓથી પણ સહમત નહોતો અને જે વાત જબરદસ્તીથી થોપી દેવામાં આવી હતી તેનાથી પણ સહમત નહોતો. કારણ કે જે ચુકાદો આવ્યો હતો, તેમાં ન્યાયાધીશ ચંદ્રચુડે એક વાત કહી હતી કે સમાન નાગરિક સંહિતા (Common Civil Code) તાત્કાલિક લાગુ થવી જોઈએ. તો આ કેસમાં મારું માનવું હતું કે કોઈ પણ સામાજિક બદલાવ આવે તો તે સમાજની અંદરથી આવવો જોઈએ; જો સરકાર તેને લાગુ કરશે તો તે યોગ્ય નહીં કહેવાય. તેથી મેં એ સમયે તે ચુકાદાને સમર્થન આપ્યું નહોતું.’ દેશના છેલ્લા ચાર દાયકાની અનેક વાતો શાહિદ સિદ્દીકીએ આ ઇન્ટરવ્યૂમાં કરી છે અને બેશક તે તેમના પુસ્તકમાં પણ લખી છે. તેમાં તેમને ભાજપ સાથે સંકળાવાની થયેલી વાત પણ છે. TADA અંતર્ગત તેમને થયેલો જેલવાસ, તે કિસ્સાઓ પણ છે. ઉપરાંત, રાજીવ અને સંજય ગાંધીના મૃત્યુ વિશેની વાતો પણ શાહિદ સિદ્દીકીએ બયાન કરી છે. શાહિદ સિદ્દીકીનું પુસ્તક આવી ઘટનાઓથી ભરપૂર લાગે છે.