નવજીવન ન્યૂઝ. નવસારીઃ નવસારીમાં લગ્નની તૈયારીમાં લાગેલા પરિવારમાં એક સાથે પાંચ લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. લગ્નની ખરીદી કરવા પરિવાર સુરત જતાં હતા તે દરમિયાન રસ્તામાં અકસ્માત થતાં પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. ચીખલીના પટેલ પરિવારમાં એક સાથે પાંચ લોકોની અર્થી ઉઠતાં ગામમાં સૌની આંખ ભીની થઈ ગઈ હતી.
માહિતી અનુસાર, ચીખલીના પટેલ પરિવારમાં દીકરીના લગ્નની ખરીદી કરવા માટે ઇકો કારમાં સુરત ગયો હતો. સુરત લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન નવસારીના કસ્બા ધોળાપીપળા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ઇકો કારનો અકસ્માત થયો હતો. કન્ટેનર ટ્રક ઈકો કાર પર પડતાં કારનો બૂકડો બોલી ગયો હતો. ઉપરાંત કારમાં બેઠેલા 6 માંથી 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકોને બહાર કાઢવા કલાક સુધી જહેમત ઉઠાવી પડી હતી. અકસ્માતમાં જે કન્યાના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દિકરાના મોત થયાં હતાં. જે પરિવારમાં ટૂંક સમયમાં ખુશીના માહોલ વચ્ચે શરણાઈ વાગવાની હતી તે પરિવાર પર આભ ફાટી પાડ્યું હતું. એક સાથે પાંચ અર્થી ગામમાંથી નીકળતા ગામજનોની પણ આંખો ભીની થઈ ગઈ હતી. અંતિમવિધિમાં સમગ્ર ગામ અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ પણ જોડાયા હતા.
![]() |
![]() |
![]() |











