કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):કટોકટીના વિષયો પર ભવિષ્યવેત્તા યુવાલ નોઆ હરારી અવારનવાર પોતાના વિચારો વ્યક્ત કરતાં આવ્યા છે. હાલમાં ઇઝરાયલ-પેલેસ્ટાઇ યુદ્ધ વિશે તો તેમણે ખોંખારીને કહેવાનું આવ્યું છે કારણ કે તેઓ પોતે ઇઝરાયેલી છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંદર્ભે તેમણે કહ્યું છે કે પીડાની દુશ્મનીથી ‘હમાસ’ સિવાય કોઈને લાભ થશે નહીં. ‘હમાસ’ જેવું ધર્મનું ગાંડપણ થોડા વર્ષો પૂર્વે ‘આઈએસઆઈએસ’માં જોવા મળતું, જેણે માનવતાને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. આ પૂર્વે પણ યુદ્ધ – સંઘર્ષ વિશે ’21 લેસન્સ ફોર ધ 21 સેન્ચુરી’ યુવાલ નોઆ હરારીએ લખ્યું છે અને તેની નિરર્થકતા તેમણે સાબિત કરી આપી છે. આ પુસ્તકમાં લખેલા પ્રકરણમાં તેમણે આ યુગમાં પોતાનું સામ્રાજ્ય કેમ કોઈ દેશ ન વિસ્તારી શકે તેની વિસ્તારથી રજૂઆત કરી છે. યુવાલ નોઆ હરારી લિખિત અહીં આપેલાં એ પ્રકરણના અંશોથી એટલું ચોક્કસ ખ્યાલ આવે છે કે પહેલાં જે યુદ્ધોથી મસમોટાં સામ્રાજ્ય ખડાં થઈ શકતાં, તે આજે થઈ શકે એમ નથી. હવે યુવાલ નોઆ હરારીના શબ્દો….

“એકવીસમી સદીમાં મહાશક્તિઓ માટે સફળ યુદ્ધ કરવું પડકારસમું બન્યું છે. તેનું એક કારણ અર્થવ્યવસ્થામાં આવેલું પરિવર્તન છે. ભૂતકાળમાં યુદ્ધમાં વિજય મેળવીને પોતાને સમૃદ્ધ બનાવવું સરળ હતું. જો તમે તમારા દુશ્મનને યુદ્ધભૂમિમાં પરાજિત કરો છો, તો તમે શહેરો લૂંટીને, તેમના નાગરિકોને ગુલામ બનાવીને, ઉપજાઉ ખેતરો અને સોનાની ખાણોનો કબજો લઈ લઈ શકાતો. રોમનોએ બંધક બનાવેલાં ગ્રીક અને ગાલોને વેચીને પોતાના કોઠારો ભર્યા હતા. અને ઓગણીસમી સદીમાં અમેરિકી કૅલિફૉર્નિયામાં સોનાની ખાણો અને ટેક્સાસમાં પશુ-ફાર્મને તાબે લઈને તે ફૂલ્યાફાલ્યા હતા.

“હવે યુદ્ધથી નગણ્ય લાભ મળી શકે છે. આજની મુખ્ય આર્થિક સંપત્તિ ઉપજાઉ ખેતરો, સોનાની ખાણો કે ક્રૂડ ઑઇલના કૂવા જ નથી, બલકે તકનીકી અને જ્ઞાન પણ છે. યુદ્ધથી જ્ઞાનને જીતી શકાતું નથી. દાખલા તરીકે ઇસ્લામિક સ્ટેટ જેવું સંગઠન શહેરો અને મધ્ય પૂર્વીય દેશોમાં ક્રૂડ ઑઇલા કૂવાને લૂંટીને સમૃદ્ધ થયા. તેમણે ઇરાકની બૅંકોમાંથી 50 કરોડ ડૉલર લૂંટ્યા હતા. પંરતુ ચીન કે અમેરિકા જેવી મહાશક્તિ માટે આ નાની રકમ છે. એવી કોઈ શક્યતા નથી કે 20 ટ્રિલિયનથી વધુ વાર્ષિક જીડીપી ધરાવતું ચીન થોડા અરબો રૂપિયા અર્થે યુદ્ધની શરૂઆત કરે. સમજો કે અમેરિકા સામેના યુદ્ધ પર ખરબો ડૉલર ચીન ખર્ચ કરે છે તો તેની તેનાથી થતો લાભ ચીન કેવી રીતે મેળવશે? યુદ્ધથી થતી વ્યાપારિક તકોને તે કેવી રીતે ભરપાઈ કરશે? શું વિજેતા ‘પીપલ્સ લિબરેશન આર્મી’ સિલિકોન વેલીની સંપદા લૂંટશે? એ સાચું છે કે એપલ, ફેસબુક અને ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ અરબો ડૉલરનું મૂલ્ય ધરાવે છે, પરંતુ આ સંપત્તિઓને બળપ્રયોગ કરીને કબજો લઈ શકાતો નથી. સિલિકોન વેલીમાં સિલિકોનની કોઈ ખાણ નથી.

“એક સફળ યુદ્ધમાં વિજેતા વેપારવ્યવસ્થાને પોતાના પક્ષમાં કરી શકે છે. જે રીતે બ્રિટેને નેપોલિયન પર જીત મેળવી હતી અને અમેરિકાએ હિટલર પર. પરંતુ સૈન્ય ટૅકનૉલૉજીના પરિવર્તને એકવીસમી સદીમાં આ કરતબોનું પુનરાવર્તન મુશ્કેલ બનાવી દીધું છે. ઍટમ બોમ્બે વિશ્વયુદ્ધમાં જીતને સામૂહિક આત્મહત્યામાં બદલી કાઢી છે. એ સંયોગ નથી કે હિરોશિમા પછી મહાશક્તિઓએ આમનેસામને યુદ્ધ નથી કર્યું. અને તેઓ ટકરાવમાં પણ ત્યારે જ આવ્યા જ્યાં દાવ પર ઘણું ઓછું લગાવવાનું આવ્યું. ખરેખર તો, ઉત્તર કોરિયા જેવાં બીજા દરજ્જાની પરમાણુ શક્તિ પર પણ હુમલો કરવા તરફ કોઈનું આકર્ષણ ન રહ્યું. જોકે એ વિચાર ભયભીત કરનારો છે કે જો કિમ પરિવારને સૈન્ય પરાજયનો સામનો કરવો પડે તો તેઓ શું કરે.
“સાઇબર યુદ્ધે સામ્રાજ્યવાદ માટે વધુ ખરાબ સ્થિતિ લાવી દીધી છે. રાણી વિક્ટૉરિયા અને મેક્સિમ બન્દૂકના યાદગાર દિવસોમાં બ્રિટનની સૈન્ય મૅનેજમેન્ટ બર્મિંઘમની શાંતિને ભયમાં મૂક્યા વિના દૂરસૂદુરના કોઈ રેગિસ્તાનમાં કબીલાઓનું નરસંહાર કરતી. જ્યોર્જ ડબલ્યુ. બુશના યુગમાંય અમેરિકા બગદાદ અને ફલ્લુજાહમાં તબાહી મચાવી શકતું હતું. ઇરાકીઓની પાસે સાનફ્રાન્સિસ્કો કે શિકાગો સામે બદલો લેવાનો કોઈ વિકલ્પ નહોતો. જોકે આજે અમેરિકા કોઈ દેશ પર હુમલો કરે, જેમની પાસે સાઇબર યુદ્ધની મર્યાદિત ક્ષમતા છે, તો તેઓ થોડીક જ ક્ષણોમાં કૅલિફૉર્નિયા કે ઇલિનોયમાં યુદ્ધ શરૂ કરી શકે છે. માલવેયર અને લૉજિક બૉમ્બ ડલાસના હવાઈ ટ્રાફિકને ઠપ્પ કરી શકે છે, ફિલાડેલ્ફિયામાં ટ્રેનોની ટક્કર કરાવી શકે છે અને મિશિગનની ઇલેક્ટ્રિક ગ્રિડને ધ્વસ્ત કરી શકે છે.
“મહાન વિજેતાઓના યુગમાં યુદ્ધકૌશલ્યથી ઓછું નુકસાન અને વધુ લાભનો મુદ્દો હતો. 1066માં હેસ્ટિંગ્સની લડાઈમાં વિલિયમ દ કાંકરરે થોડાં લોકોની મૃત્યુની કિંમત ચૂકવીને એક દિવસમાં પૂરું ઇંગ્લૅન્ડ મેળવી લીધું હતું. તેનાથી વિપરીત, પરમાણુ હથિયાર અને સાઇબર યુદ્ધ વધુ નુકસાન પહોંચાડનારી અને ઓછો લાભ આપનારી ટેકનિક છે. તમે આ શસ્ત્રોનો ઉપયોગ પૂરા દેશને નષ્ટ કરવા માટે તો કરી શકો છો, પરંતુ તેની મદદથી ઉપયોગી થાય તેવા સામ્રાજ્ય નથી ખડી કરી શકતા.
“અગાઉ ચંગીસ ખાન કે જૂલિયસ સીઝર ક્ષણવારમાં કોઈ બહારી દેશને જીતી લેતા હતા, ત્યાં આજના એદોંગન, મોદી અને નેતનયાહૂ જેવા નેતા ભલે વાતો મોટી મોટી કરતા હોય, પરંતુ લડાઈ કરવાના મુદ્દે તેઓ સાવધાની રાખે છે. એટલું ખરું કે એકવીસમી સદીમાં સફળ લડાઈની ફૉર્મ્યૂલા કોઈના હાથમાં આવી જાય તો નરકના દરવાજા ઝડપથી ખૂલી જાય. જે રીતે ક્રિમિયામાં હુમલો કરીને રશિયાને સફળતા મળી હતી. આશા છે કે તે એક અપવાદ બની રહેશે.
“એકવીસમી સદીમાં યુદ્ધ ભલે નુકસાનીનો સોદો છે, પરંતુ તેનાથી આપણને શાંતિની ગૅરન્ટી મળનારી નથી. આપણે મનુષ્યની મૂર્ખતાને જરાસરખી પણ ઓછી આંકવી ન જોઈએ. મનુષ્યોમાં વ્યક્તિગત અને સામૂહિક, બંને સ્તરે આત્મઘાતી ગતિવિધિમાં સરી પડવાની વૃત્તિ છે.
1939માં જર્મની, ઇટાલી અને જાપાન માટે યુદ્ધ અનાવશ્યક હતું. તેમ છતાં તે યુદ્ધમાં સામેલ થાય. બીજા વિશ્વયુદ્ધમાં ચોંકાવનારી વાત એ હતી કે યુદ્ધ પછી પરાજિત દેશોએ મેળવેલી સમૃદ્ધિ અગાઉ તેમણએ ક્યારેય મેળવી નહોતી. તેમનું સામ્રાજ્યનો ધ્વસ્ત થયા બાદ માત્ર વીસ વર્ષમાં જર્મન, ઇટાલી અને જાપાનની સમૃદ્ધિ અદ્વિતીય સ્તરે પહોંચી. તો પછી તે યુદ્ધમાં ફરી કેમ સામેલ ન થયા? તેમણે લાખો લોકોને અનાવશ્યક મૃત્યુ તરફ કેમ ધકેલ્યા? આ મૂર્ખતા હતી. 1930ના દાયકામાં જાપાનના જનરલ, ઍડમિરલ, અર્થશાસ્ત્રી અને પત્રકારો એ વાતે એકમત હતા કે જો કોરિયા, મંચુરિયા અને ચીનના કિનારાઓને નિયંત્રિત ન કરવામાં આવ્યા તો જાપાનને આર્થિક રીતે કોઈ પ્રગતિ સાધી નહીં શકે. તે તમામ પદાધિકારીઓ ખોટી રીતે વિચારી રહ્યા હતા. ખરેખર, તો જાપાનની જાણીતી આર્થિક પ્રગતિની શરૂઆત થઈ ત્યારે જાપાને પોતાના ઘણાં ખરાં ભૂભાગને ગુમાવી દીધો હતો.
“મનુષ્યની મૂર્ખતા ઇતિહાસની સૌથી મહત્ત્વની બાબત છે, પરંતુ આપણે તેને નકારવા હંમેશા તૈયાર હોઈએ છીએ. રાજનેતા, જનરલ અને આગેવાનો દુનિયાને શતરંજની મહાન રમતની જેમ જુએ છે, જ્યાં દરેક ડગ સાવધાનીપૂર્વક ભરવાનું હોય છે. એક હદ સુધી તે યોગ્ય છે. પરંતુ ઇતિહાસમાં કેટલાંક નેતા એવાં થઈ ગયા જેને પાગલ કહી શકાય. તેઓ પ્યાદા અને ઘોડાની ચાલ ક્યાંય પણ ચાલી નાંખે છે. જનરલ તાજો, સદ્દામ હુસૈન અને કિમ જોંગ-ઇલે જે રીતે ડગ માંડ્યા. તેમ કરવાના તેમના પોતાના તર્કસંગત કારણો હતા. જોકે સમસ્યા એ છે કે દુનિયા શતરંજની રમતથી વધુ જટિલ છે. અને મનુષ્યની તર્કબુદ્ધિ તેને સમજવા અર્થે સક્ષમ નથી. એટલે ઘણી વાર વિવેકભાન ધરાવતો નેતા પણ મૂર્ખતા કરી બેસે છે.
“તો શું આપણે કોઈ યુદ્ધથી ડરવું જોઈએ? સૌથી યોગ્ય બે છેડાનાં અંતિમોથી બચવું. એક તરફ યુદ્ધ નિશ્ચિત રીતે ટાળી શકાય. શીતયુદ્ધ શાંતિપૂર્ણની સમાપ્તિ એ સાબિતી છે કે સાચા નિર્ણયો લેવાય ત્યારે મહાશક્તિઓની ટકરાવ પણ ઉકેલી શકાય છે. તે સિવાય, એ માનવું જોખમી છે કે એક નવું યુદ્ધ ટાળી ન શકાય એમ છે. યુદ્ધના માર્ગે લઈ જનારી આ ભવિષ્યવાણી હશે. જેમ કે, કોઈ દેશ એમ માની લે કે યુદ્ધ ટાળી ન શકાય, તો તે પોતાના સૈન્યને મજબૂત બનાવશે. ઝડપથી હથિયારો બનાવવાની હોડમાં લાગશે. કોઈ પણ ટકરાવ સંદર્ભે તે સમજૂતીનો ઇનકાર કરશે. અને સદભાવપૂર્ણ પ્રક્રિયાને શંકાથી જોઈને પ્રતિસ્પર્ધીને જાળમાં ફસાવવાની યુક્તિઓને શોધશે. તેનાથી યુદ્ધ શક્યતા વધી જાય છે.
“બીજી તરફ, એમ માનવું બેવકૂફીભર્યું છે કે યુદ્ધ અશક્ય છે. જો યુદ્ધ દરેક માટે વિનાશકારી હોય, તો પણ ઈશ્વર કે કોઈ કુદરતનો નિયમ મનુષ્યની મૂર્ખતાથી આપણને બચાવી નહીં શકે.
“માણસની મૂર્ખતાનો સંભવિત ઇલાજ વિનમ્રતાનો આહાર છે. રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક તણાવ અંહકારરૂપી અનુભૂતિથી ખરાબ સ્વરૂપ લે છે. અને તે એમ માને છે કે મારૂ રાષ્ટ્ર, મારો ધર્મ, મારી સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ છે. એ માટે મારા હિતો બીજા કોઈના પણ અથવા માનવજાતિનું હિત કરતાં સર્વોપરી હોવા જોઈએ. રાષ્ટ્રો, ધર્મો અને સંસ્કૃતિને આપણે થોડી વધુ વ્યવાહારિક અને દુનિયાને તેની વાસ્તવિક જગ્યાના સંદર્ભે વધુ વિનમ્ર કેવી રીતે બનાવી શકાય?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796