Friday, September 22, 2023
HomeNavajivan CornerLink In Bioવર્લ્ડ સાઈકલ ડે: સદી અગાઉ સાત યુવાનોનો સાઈકલ પર વિશ્વપ્રવાસ!

વર્લ્ડ સાઈકલ ડે: સદી અગાઉ સાત યુવાનોનો સાઈકલ પર વિશ્વપ્રવાસ!

- Advertisement -

કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વિશ્વ સાઈકલ ડેના (World Bicycle Day) દિવસે જે વાત કરવાની છે તે મુંબઈના (Mumbai) દસ સાહસિક પારસી યુવાનોની. આ યુવાનો એક સદી અગાઉ સાઈકલ પર વિશ્વની સફારી (World Tour) કરવા નીકળ્યા હતા. તેમાંથી સાત યુવાનો પોતાની અલગ-અલગ સફરથી વિશ્વપ્રવાસ ખેડવાનો ઉદ્દેશ્ય પાર પાડી શક્યા હતા! 1920થી 1942 સુધી ખેડાયેલી આ સફરે તત્કાલિન પારસીવિશ્વમાં સારી એવી ચર્ચા જગાવી હતી. પરંતુ પછીથી આ સાહસની પૂરતી નોંધ લેવાઈ નથી. વર્લ્ડ સાઈકલ ડેના દિને ભૂલાયેલી પારસી યુવાનોની (Parsi Youth) સાઈકલ સફર (Bicycle touring) વિશે જાણો આ અહેવાલમાં.

World Bicycle Day
World Bicycle Day

સાઈકલ પર વિશ્વનો પ્રવાસ કરવો આજે ય કપરો લાગે તેવો છે, તો તે કાળે તે પડકાર ઝીલવાનું તો ઓર મુશ્કેલ હતું; તેમ છતાં આ પારસી યુવાનોએ તેમ કરવાનો નિર્ધાર કર્યો. આ નિર્ધાર પાછળની પ્રેરણા હતા એક ફ્રાન્સના નાગરીક, જેઓ યુરોપથી ભારત પગપાળા આવ્યા હતા. 1920માં આ ફ્રેન્ચ ભાઈનું લેક્ચર મુંબઈના એક ક્લબમાં ગોઠવાયું હતું અને તેને સાંભળવા માટે આ પારસી યુવાનોમાંથી કેટલાંક ત્યાં હાજર હતા. તેનું ભાષણ સાંભળ્યા પછી ઉપસ્થિત આ યુવોનો તેના સાહસથી મુગ્ધ થયા અને આવું કશુંક કરવાનું તેમને સૂઝ્યું. જોકે, કંઈક સૂઝે એટલે તુરંત અમલ થઈ જાય તેમ તો હોય નહીં. તેની તૈયારીરૂપે પણ અથાક પ્રયાસ આદરવા પડે છે અને તેનો આરંભ આ યુવાનોએ પ્રવાસ ખેડવા અર્થે ભંડોળ એકઠું કરવાથી શરૂ કર્યો. ભંડોળ મહદંશે પારસી સમાજમાંથી જ એકઠું કરવાનું હતું, પણ જ્યારે સાઈકલ પર વિશ્વપ્રવાસ કરવા ખાતર નાણાંની જોગવાઈની કોઈને વાત કરતાં ત્યારે તેમની મજાક થતી અને લોકો તેમના પર હસતા. પણ ભંડોળ એકઠું કરવાના પ્રયાસ અટકાવ્યા નહીં અને તેના પરિણામે ત્રણેક વર્ષમાં એવો સમય આવ્યો જ્યારે તેઓ આ યાત્રા કરવા નીકળી શકે.

- Advertisement -
World Bicycle Day
World Bicycle Day

ફાઈનલી, તેમની યાત્રા ઓક્ટોબર, 1923માં શરૂ થઈ. તેઓ સૌપ્રથમ મુંબઈથી પંજાબ ગયા, ત્યાંથી બલુચિસ્તાન પછી મિડલ ઇસ્ટ, યુરોપ, અમેરિકા, જાપાન અને અંતે દક્ષિણ પૂર્વીય એશિયા. આ યાત્રાનું પ્રથમ જૂથ છ સાઈકલિસ્ટનું હતું. જેમાં આદી હકીમ, જાલ બાપાસોલા, રુસ્તમ ભુગમરા, ગુસ્તાદ હથિરામ, કેકી પોચખાનવાલા અને નરિમાન કાપડિયા હતા. જોકે આમાંથી એક સભ્ય અંગત કારણસર તહેરાનથી જ પાછા ફર્યા, અને બે સભ્યોને અમેરિકા ખૂબ પસંદ પડ્યું એટલે ત્યાં જ રહી પડ્યાં.

World Bicycle Day
World Bicycle Day

આ પ્રવાસી યુવાનોમાંથી આદી બી. હકીમ, લાલ પી. બાપાસોલા અને રુસ્તમ બી. ભુમગરાએ મળીને તેમના પ્રવાસના અનુભવનોનું અમૂલ્ય કહેવાય તેવું પુસ્તક ‘વિથ સાઇકલિસ્ટ્સ અરાઉન્ટ ધ વર્લ્ડ’ આપ્યું છે. આ પુસ્તકમાં આરંભના જ પાનાં પર ઉડીને આંખે વળગે એવી વિગત જવાહરલાલ નેહરુની પ્રસ્તાવના છે. જેમાં તેઓ લખે છે કે, : “મને આ પુસ્તક લખનાર યુવાનની ભારોભાર ઇર્ષ્યા થાય છે. મારામાં પણ એવું લોહી છે કે સાહસ ખેડવાની ઇચ્છા ધરાવે છે, પણ પ્રવાસ ખેડવાની અદમ્ય ઇચ્છા જ કોઈ વ્યક્તિને આગળ ધકેલે છે. પરંતુ નિયતી અને પરિસ્થિતિ સામાન્ય કહેવાય તેવા સાહસ કરતાં અટકાવે છે. – હું મારા સાહસ એટલે અલગ માર્ગે ખેડું છું.” હકીમ, બાપાસોલા અને ભુમગરાનો પૂરો સફર 70,000 કિલોમીટરનો રહ્યો હતો અને તે માટે સાડા ચાર વર્ષ તેઓએ લીધા હતા. આ દરમિયાન તેમણે આલ્પ્સ પર્વતને આંબ્યો, દરિયાઈ લૂંટારૂના વિસ્તારમાંથી પસાર થયા, આદિવાસીઓ સાથે રહ્યા અને જંગલો પણ ખૂંધ્યા. અને અનેક વખત તો તેઓ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યા.

જોકે તે વખતનું આ દસ્તાવેજીકરણ ખરેખર કેટલાં યુવાનો વિશ્વ પ્રવાસ ખેડવા ગયા હતા અને કેટલાં પાછા આવ્યા, તેને લઈને થોડી અટકળો ઊભી કરે છે. તેની સ્પષ્ટતા થાય તે માટે પ્રોફેસર અનુપ બાબાનીએ કામ કર્યું છે. તેમણે આ પ્રવાસ અંગે સાઈકલિસ્ટ યુવાનોના પરિવારને મળીને થોડી વિગતો જોડી છે. આ વિગત ‘સ્ક્રોલ’ નામના ન્યૂઝ પોર્ટલે સરસ રીતે રજૂ કરી છે, જે મુજબ પ્રથમ જૂથમાં વિશ્વ પ્રવાસ ખેડનારાઓથી પ્રેરણા લઈને જાન્યુઆરી, 1924માં ફ્રેમરોઝ દાવર નામના એક અન્ય પારસી યુવાન પણ આ રીતે મુંબઈથી રવાના થાય છે. તેઓએ અગિયાર મહિનામાં વિયેના સુધીની 5000 કિલોમીટરની સફર એકલા ખેડી હતી. પણ વિયેનામાં તેમને એક સાથી મળે છે જેનું નામ છે ગુસ્તાવ તાવઝીંક. આ બંનેએ પછીથી સાત વર્ષ સુધી સાથે સાઈકલ યાત્રા કરીને વિશ્વને ખૂંદ્યું. આ બંનેની સફર જોખમી, લાંબી અને રોમાંચકારી રહી. દાવર અને ગુસ્તાવ બંને મળીને આલ્પ્સ તો ચઢ્યા જ, બાલ્ટિક રાજ્યો અને સ્કેન્ડેવેડિનીયાનો પણ પ્રવાસ ખેડ્યો, આફ્રિકા ગયા અને સહારામાં સાઈકલ ચલાવી, તદ્ઉપરાંત તેઓ એમેઝોનના ગાઢ જંગલોમાં પણ ફર્યા. 5,200 મીટર ઊંચાઈ ધરાવતો એન્ડ્સ પર્વત પર સાઈકલ ખભે રાખીને ચઢ્યા, આ ખૂબ કપરું હતું, કારણ કે સાઈકલનું વજન પંદર કિલોની આસપાસ હતું!

બાબાની મુજબ બે સાહસિક પ્રવાસીઓ કેટલીક હાડમારી ભોગવી તેનો એક ઉપરછલ્લો ક્યાસ કાઢ્યો તેમાં તેઓએ આઠ વાવાઝોડાના સામનો કર્યો, પાણી વિના જીવન ચલાવ્યું. એવાં લાંબા કાંટાળા માર્ગમાંથી પસાર થયા, જ્યાં તેઓ સાઈકલના ટાયરમાં ઘાસ ભરવા મજબૂર થયા. ઇવન, તેઓને મલેરિયા પણ લાગુ પડ્યો. પણ તેઓએ આ તમામ સ્થિતિને માત આપીને આગળ વધતા રહ્યા. સૌથી વધુ પડકાર તેમના માટે એમેઝોનના જંગલો હતા, જ્યાં તેઓ માટે સાઈકલ ચલાવવી અશક્ય હતી, ત્યારે તેમણે તરાપાથી કામ ચલાવ્યું. જોકે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે એમેઝોન જંગલમાં તેઓને આદિવાસીઓએ શરણ આપી હતી. એક ઓસ્ટ્રેલિયન લેખક ગુસ્તાવ તાવઝીંક પર લખેલાં પુસ્તકમાં લખ્યું છે કે, “નવ મહિનામાં કાપેલો આ એવો પ્રથમ પ્રવાસ હતો જે દક્ષિણ અમેરિકાના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને આવરી લેતો હતો.” તેઓ એવું પણ લખે છે કે, “આ એવું ક્ષેત્ર હતું જ્યાં કોઈ સરવે નહોતો થયો અને ત્યાં જોખમ પણ એટલું જ હતું. અગાઉના ઘણાં સાહસિકો અહીંયા ગયા પછી પાછા આવ્યા નહોતાં.”

જ્યારે આ બંને બર્મા પહોંચ્યા ત્યારે તેઓ જંગલી હાથીઓના ટોળા વચ્ચે ફસાઈ ગયા. તાવઝીંક તેમાં ઇજાગ્રસ્ત થયા અને મહિના માટે તેમને સારવાર માટે દાખલ કરવા પડ્યા. આમ દાવરે કુલ 1,10,000 કિલોમીટરની યાત્રા ખેડી અને તે દરમિયાન તેઓ 52 દેશોમાંથી અને પાંચ ખંડમાંથી પસાર થયા. આ પ્રવાસ અનુભવને લઈને તેમણે ત્રણ પુસ્તક લખ્યા : એક, ‘સાઈકલિંગ ઓવર રૂફ ઓફ ધ વર્લ્ડ’, બીજુ ‘એક્રોસ ધ સહારા’ અને ત્રીજું ‘ધ એમેઝોન ઇન રિઆલિટી એન્ડ રોમાન્સ’. આ ત્રણેય પુસ્તકો માનવસભ્યતાના અભ્યાસ અર્થે અલભ્ય કહેવાય તેવાં છે.

હવે જે ત્રીજુ ગ્રુપ આ રીતે વિશ્વપ્રવાસે ગયું હતું તેમાં ત્રણ સભ્યો હતા; તેઓ 1933ની આસપાસ આ રીતે વિશ્વનું ખેડાણ કરવા નીકળ્યા. નવ વર્ષે તેઓ અંદાજે 84,000 કિલોમીટરની સફર ખેડીને આવ્યા હતા. આ ગ્રૂપ પણ પાંચ ખંડમાંથી પસાર થયું હતું. આમણે પણ બે પુસ્તકોમાં પોતાના અનુભવ લખ્યા છે. પ્રથમ પુસ્તક છે ‘પેડલિંગ થ્રુ ધ અફઘાન વાઈલ્ડ્સ’ અને ‘એક્રોસ ધ હાઈવેસ ઓફ ધ વર્લ્ડ’. પ્રથમ પુસ્તકમાં તેમણે પોતાના અફઘાનિસ્તાનના અનુભવ આલેખ્યા છે, જ્યાં તેઓ રેગિસ્તાનમાં ત્રણ દિવસ ભૂલા પડીને અન્નજળ વિના રહ્યા હતા!

દસ પારસી યુવાનોમાંથી સાત યુવાનોએ આ રીતે વિશ્વ પ્રવાસ ખેડ્યો અને જ્યારે તેઓ સ્વદેશ ફર્યા ત્યારે તેમનું ખૂબ સ્વાગત થયું. આજના યુગમાં જ્યારે ટ્રાન્સપોર્ટેશન-કોમ્યુનિકેશનની સગવડ હોવા છતાં આવો પ્રવાસ ખેડવાનું કોઈ સાહસ ન કરે, તેવું આ સાતેય યુવાનોએ એક સદી અગાઉ કરી બતાવ્યું હતું, જે પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીત પણ થયું છે. ભારતમાં પણ વિશ્વ સાઈકલ ડેની ઉજવણી નાના-મોટા પાયે થશે, ત્યારે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ સાત યુવાનો સિવાય બંધબેસતું કોઈ હોઈ શકે?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular