કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ધોલેરા સ્માર્ટ સિટીના (Dholera Smart City) નામે ખુબ સપનાં વેચાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બે દાયકા અગાઉ જોયેલું આ સપનું હજુય સાકાર થયું નથી. ધોલેરા સ્માર્ટ સિટીની પહેલીવહેલી જાહેરાતનો જે વિડિયો મળે છે તેમાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એમ કહી રહ્યા છે કે, અમે અમદાવાદથી 80 કિલોમીટર અંતરે દરિયા કિનારે એક નવું શહેર નિર્માણ કરી રહ્યા છે. દિલ્હીથી તે બમણું શહેર હશે અને ચીનના શાંઘાઈથી છ ગણું મોટું હશે! અને તે પછી પણ અવારનવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણોમાં ધોલેરાનો ઉલ્લેખ ‘આશાસ્પદ શહેર’ તરીકે કર્યો છે. બે વર્ષ અગાઉ જ્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના(ahmedabad metro rail project) બીજા ફેઝની કામગીરી આરંભાઈ ત્યારે પણ ધોલેરાને ‘સપનાનાં શહેર’ તરીકે ઓળખાવ્યું હતું. હજુ છએક મહિના પહેલાં પણ વડા પ્રધાને ધોલેરા દેશનું સૌથી ધમધમતુ કેન્દ્ર બનશે તેમ કહ્યું હતું. ધોલેરાના (Dholera) નામે અત્યાર સુધી થયેલી આ વાતો ખરેખર કેટલી અમલી બની છે, હાલમાં ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ (Indian Express) અખબારે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. ભવિષ્યમાં સપનાનાં શહેર કહેવાતાં ધોલેરા ખરેખર સ્માર્ટ સિટી બનશે કે નહી તે વિશેની વિગત તપાસીએ.

ધોલેરા અંગે માત્ર વડા પ્રધાને જ નહીં, બલકે 2019માં નિતી આયોગના સીઈઓ રહેનાર અમિતાભ કાન્તને પણ ધોલેરા સ્માર્ટ વિશે બોલવાનું આવ્યું, ત્યારે તેમણે ધોલેરા ‘વિશ્વનું પ્રથમ હરિયાળું શહેર’ બનશે તેવી જાહેરાત કરી હતી. તેમણે ધોલેરામાં ઇલેક્ટ્રિક વાહનો જ દોડશે તેવી બ્લ્યૂપ્રિન્ટ પણ રજૂ કરી હતી. ધોલેરાનું સપનું રાજ્યથી માંડિને દેશ સુધ્ધામાં વેચાઈ ચૂક્યું છે. હવે તો ધોલેરા સ્માર્ટ સિટી ‘દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર’માં સમાવિષ્ટ છે, તેથી પણ તેના ભવિષ્ય વિશે ફૂલગુલાબી ચિત્ર રજૂ થઈ રહ્યું છે. વિશેષ કરીને હાલમાં ત્યાં જમીન વેચાણના મામલે મોટાં બિલ્ડરો પડ્યાં છે અને તેમાં લોભામણી જાહેરાતોનો મારો ચલાવીને પ્લોટ વેચી રહ્યા છે.

ધોલેરાનો ખ્યાલ છેલ્લા વીસ વર્ષમાં વીકસ્યો. પરંતુ આવું માત્ર ધોલેરાનું થયું છે એવું નથી, બલકે આંધ્રપ્રદેશનું અમરાવતી પણ આશાસ્પદ શહેર તરીકે નિર્માણ પામ્યું હતું, પરતું આજ દિન સુધી તેની કલ્પના મુજબ તે બન્યું નથી. એ રીતે છત્તીસગઢનું નવું પાટનગર નયા રાયપુર અંગે પણ ઘણી તૈયારી થઈ તેમ છતાં તે પણ લોકોને એક વસવાલાયક શહેર તરીકે ન આકર્ષી શક્યું. આ શહેરોને જે રફ્તારથી વિકસતાં દર્શાવાયા હતા તેમ ન થયું. ધોલેરાને વસાવવાની વાતો છેલ્લા બે દાયકાથી થઈ રહી છે પરંતુ હજુ પણ ત્યાં કોઈ માર્ગ, પાવર પ્લાન્ટ, ડેમ અને મોટી મોટી યોજના સિવાય કશુયં ખાસ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ધોલેરા સંદર્ભે સરકાર દ્વારા dholera.gujarat.gov.inની વેબસાઇટ નિર્માણ કરવામાં આવી છે. આ વેબસાઇટ પણ યોગ્ય રીતે ફંક્શનિંગ નથી કરતી. વેબસાઇટના કેટલાંક વિભાગો ખુલતા નથી, અથવા તો અપૂરતી માહિતી છે. આટલું અત્યાધુનિક શહેર બનાવવાના દાવા થઈ રહ્યા છે, પણ તેનું ડિજિટલ ઠેકાણું સચવાયેલું નથી.
ધોલેરા શહેર નિર્માણ કરવાનો ખર્ચ સ્વાભાવિક છે જંગી આવે, પરંતુ તેનો અંદોજો બધી જગ્યાએ અલગ-અલગ જોવા મળે છે. આ ઉપરાંત હવે જે મુખ્ય ખર્ચ ધોલેરાના ડેવલપમેન્ટ માટે થવાનો છે, તેમાં મેટ્રો રેલ માટે 7,000 કરોડ, અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે 7,000 કરોડ, એરપોર્ટ માટે 2000 કરોડ અને ભિમનાથથી ધોલેરા સુધી રેલવે લાઈન માટે 300 કરોડનો ખર્ચ છે. ધોલેરાનું આ પ્રથમ ફેઝનું કાર્ય ચાલે છે અને આ કાર્યની ડેડલાઇન વર્ષ 2025 છે. પ્રથમ ફેઝમાં જે અત્યારે થઈ રહ્યું છે તે 22.5 સ્કેવર કિલોમીટરના એરિયામાં છે. એટલે કે જે પૂરા શહેરનો એરિયા 920 સ્કેવર કિલોમીટર છે તેની અઢી ટકા જગ્યામાં! જેને ‘એક્ટિવેશન એરિયા’ કહેવાય છે. અહીં કામ કરવા આવનારાં લોકોની પણ અછત છે અને એટલે હવે અહીંયા 600 ઘરો નિર્માણ કરવામાં આવનારા છે, જે પોસાય તેવા હશે અને ભાડે પણ આપી શકાય. ધોલેરા સ્માર્ટ સિટીના જનરલ મેનેજર દિલિપ બ્રહ્મભટ્ટે આ માહિતી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપી છે. હાલમાં અહીં કામ કરનારાં લોકોની સંખ્યા 25 છે, જે મોટા ભાગના આસપાસના ગામડેથી આવે છે અથવા તો અમદાવાદથી ત્યાં પહોંચે છે.
ધોલેરાના ‘એક્ટિવેશન એરિયા’માં 95 ટકા કામ પૂર્ણ થયાના દાવા થાય છે. જેમાં 72 કિલોમીટરનો ચાર લેનનો માર્ગ છે. સાથે સાયકલ ટ્રેક, ગટરલાઇન, પીવાના પાણીની વ્યવસ્થા પણ છે. પેટ્રોલ પમ્પ, બસ સ્ટેન્ડ અને છ કિલોમીટર લાંબી કેનાલ જેમાં જમીનનું પાણી સચવાશે તે પણ તૈયાર છે. અહીં જમીનની ફાળવણી જે કંપનીઓને થઈ છે તેમાં એક ટોરેન્ટ પાવર છે. ટોરેન્ટ અહીં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તૈયાર કરશે. અને સિવાય હિન્દુસ્તાન પેટ્રોલિયમ્સને પણ જગ્યાની ફાળવણી થઈ છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ્સ અહીં પેટ્રોલ પમ્પ નિર્માણ કરશે. ઉપરાંત ઇલેક્ટ્રિક વેહિકલના ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરશે. જોકે આ બધુ જ કામો હજુ ગોકળ ગતિએ ચાલી રહ્યા છે. કેટલીક જમીનની ફાળવણી એવી છે, જેનું કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. તેમાં એક પ્રોજેક્ટ ટાટા કેમિકલ્સનો છે. લિથિયમ બેટરી મેન્યુફેક્ચરીંગ યુનિટ સ્થાપવા માટે ટાટા કેમિકલ્સને 126 એકર જમીન ફાળવણી થઈ છે, પરંતુ હજુ સુધી તેનું કામ આરંભાયું નથી. એ ઉપરાંત ધોલેરાના મુખ્ય ઇન્વેસ્ટર ગણાતાં વેદાંત-ફોક્સોન હાલમાં દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, પરંતુ આ કંપનીને હજુ સુધી જમીનની ફાળવણી થઈ નથી.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીનો જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ખૂબ ઝીણી વિગતો પણ ટાંકી છે. જેમ કે ટાટા કેમિકલ્સને જમીન 30 ટકા ડિસ્કાઉન્ટ પર મળી છે, જ્યારે વેદાંત-ફોક્સોનને અઢીસો એકર જગ્યા 75 ટકા ડિસ્કાઉન્ટ પર મળી છે. વેદાંત-ફોક્સોનને આ જમીન આટલાં સસ્તા દરે મળી છે તેનું કારણ રાજ્ય સરકારે નવી સેમીકન્ડક્ટર પોલિસીને ગણાવી છે. આ પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર હાલમાં 10000 એકરમાં શહેર નિર્માણ કરે છે, જેમાં જમીન અને વીજળી સબસડાઇઝ કિંમત પર મળશે.
આ પૂરું ચિત્ર જોઈએ તેમ છતાં હજુ સુધી એમ લાગતું નથી કે ધોલેરા સ્માર્ટ સિટી તરીકે નજીકના વર્ષોમાં ધમધમતુ થશે. ધોલેરાનું સપનું, સપનું જ રહેશે તેવી વિગતો અનેક અહેવાલોમાં દર્શાવાઈ છે. તેનું એક કારણ અહીં હજુ સુધી કોઈ ઔદ્યોગિક સાહસ નથી. અહીંયા ફળદ્રુપ જમીન પણ નથી જે કારણે લોકો આકર્ષાઇને અહીં આવે. આ પૂરો દરિયાઇ પટ્ટો ખારાશવાળો છે, જે કારણે અહીંયા સ્માર્ટ સિટીનો ગ્રોથ દર્શાવાય છે તે પ્રમાણે થશે નહીં. એ નોંધવું રહ્યું કે અહીં જમીન જે ઝડપથી સંપાદિત થવી જોઈએ તેમ થઈ રહ્યું નથી. શહેરો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નથી થતાં, નહીંતર અમેરિકા અને ચીન બંને દેશોમાં અનેક ભૂતિયા શહેરો ન હોત. આ બંને દેશોમાં અનેક એવાં શહેરો છે, જે નિર્માણ તો પામ્યા, પણ લોકોએ ત્યાં આવીને વસવાનું પસંદ ન કર્યું. તે માટે એક માહોલ બનવો જોઈએ, લોકોને તે જગ્યાનું આકર્ષણ થવું જોઈએ. જેમ કે આપણા દેશમાં અનેક શહેરો નવા બન્યા અને તે આજે શહેરો આજે વસવાલાયક છે. ચંદીગઢ, ગાંધીનગર, મોહાલી, નોઇડા, કોલકતાનું ન્યૂ ટાઉન છે, જેની ગણના દેશના આયોજિત શહેરો તરીકે કહી શકાય.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796