Saturday, July 13, 2024
HomeGujaratAhmedabadશિક્ષણથી ક્રાંતિ ક્યારે થઈ શકે?

શિક્ષણથી ક્રાંતિ ક્યારે થઈ શકે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):“શિક્ષણનો (Education)અર્થ આપણે આજે સ્કૂલે જવું, વાંચતા-લખતાં શીખવું, પરીક્ષામાં ઉતીર્ણ થવું અને કેટલીક રમતો રમવી ત્યાં સુધી સંકુચિત કરી દીધો છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમે કૉલેજ જાવ છો, ત્યાં ફરી કેટલાંક વર્ષો સુધી મહેનત કરો છો, પરીક્ષા પાસ કરો છે અને કોઈ નાની-મોટી નોકરી મેળવી લો છો અને નિયત જીવન જીવવા લાગો છો. આ દરમિયાન તમે શિક્ષણના ભાગરૂપે આટલાં વર્ષો જે પણ શીખ્યા તે ભૂલી જાવ છો. આને આપણે શિક્ષણ કહીશું? વર્તમામ સમયે શિક્ષણ લેવાની આ ઢબ નથી પડી ગઈ?” જાણીતા ચિંતક જે. કૃષ્ણમૂર્તિના (J Krishnamurti)આ વિચાર છે અને આગળ તેમણે શિક્ષણને આપણે કેટલું સંકુચિત બનાવી દીધું છે તેની વિગતે વાત કરી છે. નવું શૈક્ષણિક સત્ર આરંભાયું છે ત્યારે એ જરૂરી છે કે ભવિષ્યના નાગરિકો માટે શિક્ષણની કવાયત થઈ રહી છે તેમાં કોઈ બીબાઢાળપણું ન હોય. ખરેખર તો શિક્ષણ એટલે કેળવણીકાર કાકાસાહેબ કાલેલકરે કહ્યું તેમ : ‘માણસ બદ્ધ છે, અજ્ઞાન છે, કુવાસનાઓથી ઘેરાયેલો છે, પરિસ્થિતિથી જકડાયેલો છે તેથી તેની આત્મા દબાઈ ગયો છે. વિકાસને માટે તેને અવકાશ નથી. આ બધા બંધનોમાંથી જે મુક્ત કરે તે સાચી કેળવણી. શરીરને રોગ અને દુર્બળતાથી મુક્ત કરે, બુદ્ધિને જ્ઞાન અને ખોટા વિચારોમાંથી મુક્ત કરે, હાથપગ વગેરે કર્મેન્દ્રિયોને જડતાથી મુક્ત કરે, મનને લાલચ, ભય અને ક્ષુદ્ર સ્વાર્થ જેવી કુવાસનાઓથી મુક્ત કરે, હૃદયને કઠોરતાથી તેમ જ ખોટી લાગણીથી મુક્ત કરે.’

education article
education article

જે. કૃષ્ણમૂર્તિના શિક્ષણ અંગેના વિચારો ‘શિક્ષા ક્યા હૈ?’ પુસ્તકમાં સંકલિત કરીને મૂકવામાં આવ્યા છે. 1954માં શિક્ષણ પર તેમણે આપેલું એક વક્તવ્ય અગત્યનું છે, જેમાં તેઓ કહે છે કે,“યુવતીઓ બી.એ. અથવા એમ.એ. જેવી પરીક્ષા પાસ કરી લે છે, લગ્ન કરી લે છે, રસોઈ શીખી જાય છે, માતા બને છે અને પોતાના જીવનમાં ગુંથાઈ જાય છે અથવા તો કોઈક ક્ષેત્રમાં નાની-મોટી સફળતા મેળવી લે છે. આમ, અનેક વર્ષો સુધી મહેનત કરીને લીધેલું શિક્ષણ વ્યર્થ બને છે. હા, એ વાત સાચી છે કે તે અંગ્રેજી બોલી જાણે છે, થોડી હોશિયાર અને ચતુર થાય છે. પણ આટલું જ થાય છે. એ રીતે યુવાનો કોઈ ટેકનિકલ કામમાં લાગી જાય છે, ક્લાર્ક બની જાય છે અથવા તો સરકારી નોકરી કરવા લાગે છે, તેના સાથે જ શિક્ષણનો અર્થ પૂર્ણતાના આરે આવે છે. આને આપણે શિક્ષણથી ઓળખીએ છીએ. પરંતુ શું શિક્ષણનો અર્થ આટલો જ સિમિત છે?” શિક્ષણનો અર્થ તો सा विद्या सा विमुक्तये એમ કરવામાં આવે છે, અને એટલે જ આગળ જે. કૃષ્ણમૂર્તિ શિક્ષણનો ખરો અર્થ સમજાવે છે : “હકિકતમાં કેળવણીનો મુદ્દો વ્યાપક છે. શિક્ષણનું કાર્ય માત્ર એટલું નથી કે દુનિયામાં તમે એ દ્વારા કોઈ સારાં પગાર-હોદ્દાની નોકરી મેળવો, બલકે એ પણ છે કે દુનિયાનો સામનો કરવો તૈયાર થાવ, ઘડાવ. આ સંસારમાં ચારેતરફ પ્રતિસ્પર્ધા છે. પ્રતિસ્પર્ધાનો અર્થ તમને ખબર છે : દરેક વ્યક્તિ માત્ર પોતાનું હિત જુએ છે, પોતાના માટે શ્રેષ્ઠ વસ્તુ મેળવવા સંઘર્ષ કરે છે અને તેને મેળવવા તે બીજા તમામને પાછળ ધકેલે છે. આ દુનિયામાં યુદ્ધ છે, વર્ગવિગ્રહ છે અને પરસ્પર લડાઈ-ઝઘડાં છે. આ સંસારમાં દરેક વ્યક્તિ શ્રેષ્ઠ રોજગાર મેળવવા તથા સફળતાથી ટોચે પહોંચવા પ્રયાસ કરી રહી છે. જો તમે ક્લાર્ક છો, તમે તમે વધુ ઊંચું પદ મેળવવા માટે પ્રયાસ કરો છો. તમારી પાસે એક કાર છે, તો તમે તેનાથી પણ મોટી કારની ઇચ્છા રાખશો. આ પ્રકારનો સંઘર્ષ અનંત સમય સુધી ચાલતો રહે છે. માત્ર તમારી અંદર નહીં બલકે આપણા તમામ પાડોશી, સગા-સંબંધી અંદર આવો સંઘર્ષ ચાલ્યા જ કરે છે. આ સંઘર્ષનું પરિણામ યુદ્ધ અને લોકોના વિનાશમાં પરિણમે છે.”

- Advertisement -

આજે પ્રગતિ અને વિકાસના નામે આપણે જીવનને બીબાઢાળ કરી નાંખ્યું છે અને તેની ચિંતા આજથી સાત દાયકા પહેલાં જે. કૃષ્ણમૂર્તિએ કરી હતી અને તેથી તેમણે શિક્ષણના ખરા અર્થ વિશે જણાવ્યું હતું : “શિક્ષણનો અર્થ તમામ સમસ્યાઓનો યોગ્ય રીતે સામનો કરવા માટે શિક્ષિત કરવામાં આવે- તે છે. માત્ર કેટલીક પરીક્ષાઓ પાસ કરી લેવી એ શિક્ષણ નથી. સર્વાંગી શિક્ષણ વિદ્યાર્થીને જીવનનો સામનો કરવામાં મદદ કરે છે, જેથી તે જીવનને સમજી શકે, તેનાથી હાર ન માને, તેના દબાણ હેઠળ ન આવે. જેવું આપણામાંથી મોટા ભાગના લોકો સાથે થાય છે. તમારી આસપાસના લોકો, વિચાર, દેશ, માહોલ, આહાર, લોકમત આ બધું જ તમારા ઉપર દબાણ લાવીને તમને એક એવી વિશેષ દિશામાં લઈ જાય છે, જ્યાં સમાજ તમને જોવા માંગે છે. આવાં સમયે તમારું શિક્ષણ તમને દબાણને સમજવા માટે યોગ્ય બનાવે છે, તમને તેમાંથી બહાર નિકળવા સક્ષમ બનાવે છે, જેથી કરીને તમે એક વ્યક્તિના નાતે, એક મનુષ્ય હોવાના નાતે, આગળ વધીને કશુંક નવું કરવામાં સક્ષમ થઈ શકો. માત્ર પરંપરાગત રીતે જ ન વિચારો, આ ખરું શિક્ષણ છે.”

શિક્ષણ કેવું હોવું જોઈએ તેની ચાવી જે. કૃષ્ણમૂર્તિએ સરળ રીતે સમજાવ્યું છે, તેઓ કહે છે : “આપણામાંથી મોટાભાગના માટે શિક્ષણનો અર્થ ‘શું વિચારવું’એ શીખવવાનો છે. તમારો સમાજ, તમારા માતા-પિતા, તમારા પાડોશી, તમારા પુસ્તક, તમારા શિક્ષક આ તમામ તમને જણાવે છે કે તમારે શું વિચારવું જોઈએ. ‘શું વિચારવું’ની યાંત્રિક પ્રણાલીને આપણે શિક્ષણ કહીએ છીએ. આવું શિક્ષણ તમને યંત્રવત્, સંવેદનશૂન્ય, મતિમંદ અને અસર્જનશીલ બનાવે છે. પરંતુ ‘શું વિચારવું’ એના બદલે ‘કેવી રીતે વિચારવું’ એ શીખશો- ત્યારે તમે યાંત્રિક, પરંપરાવાદી નહીં બનો બલકે જીવંત માનવી થશો. સારી નોકરી મેળવવી કે કોઈ વિચારધારાને આગળ વધારવા માટે લોકોની હત્યા કરવા જેવા મૂર્ખતાપૂર્ણ કાર્ય કરવના અર્થમાં ક્રાંતિકારી નહીં, બલકે એ અર્થમાં કે યોગ્ય રીતે કેવી રીતે વિચાર કરવો જોઈએ. આ ખૂબ મહત્ત્વનું છે. પરંતુ આપણે શાળામાં હોઈએ ત્યારે આ બાબત પર ધ્યાન આપતા નથી. શિક્ષક પોતે પણ આ વાત જાણતા નથી. તે તમને માત્ર એ જ શીખવાડે છે કે શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ. તે તમારું ગણિત કે અંગ્રેજી સુધારવામાં મશગૂલ રહે છે. પછી પાંચ કે દસ વર્ષ બાદ તમે જેના વિશે કશું જ જાણતા નથી એવા જીવનમાં તમને ધક્કો મારી દેવામાં આવે છે. આ જીવન કેવું હશે, કેવી સમસ્યાઓ હશે, એ વિશે તમને કોઈએ કશું જ જણાવ્યું નથી. જો જણાવ્યું પણ છે તો તમને આ દિશામાં ઢસડવા માટે, જેના પરિણામે તમે સમાજવાદી, કોંગ્રેસી કે પછી કશુંક બીજા જ બની જાઓ છો. તે તમને જીવનની આ સમસ્યાઓને કેવી રીતે વિચારી-સમજી શકાય તે વિશે કશું પણ શીખવાડતા નથી કે ન મદદરૂપ થાય છે.”

શિક્ષણને આપણે ઉંમર સાથે પણ બાધિત કરી દીધું છે, તેમાં કોઈ વયમર્યાદા ન હોઈ શકે. એટલે કૃષ્ણમૂર્તિ કહે છે : “શિક્ષણ માત્ર એકવીસ વર્ષની ઉંમર સુધી જ નથી ચાલતું, બલકે જીવનપર્યંત ચાલતું રહે છે. જીવન નદીની જેમ હોય છે, તે ક્યારેય સ્થિર થતું નથી. હંમેશાં ગતિશીલ રહે છે, જ્યારે આપણે નદીના કોઈ ભાગને વહેતો રોકી લઈએ છીએ, ત્યારે તેનું પાણી દૂષિત થાય છે. નદી તો ગતિમાં જ વહે છે. શિક્ષણનો અર્થ પરીક્ષાઓ પાસ કરવી માત્ર નથી, બલકે સમસ્ત સમસ્યાઓ પર વિચાર કરવાના લાયક બનવાનું છે, જેથી તમારું મન યાંત્રિક અને પરંપરામાં ગ્રસિત ન થઈ જાય, તમારું મન સર્જનશીલ રહે, તમે સમાજના અનુકૂળ થવામાં જ ન લાગેલા રહો, બલકે તેને તોડીને પૂર્ણ પણે નવું સર્જન કરી શકો. આ વાસ્તવિક ક્રાંતિ છે. શિક્ષણનું તાત્પર્ય અંતે એ જ તો હોય છે કે તમે સ્વતંત્રતાપૂર્વક, બંધન વિના વિકસિત થઈ શકો, જેથી એક અભિનવ વિશ્વનું સર્જન કરી શકો.”

- Advertisement -

કૃષ્ણમૂર્તિ એવું ઠોસ રીતે માને છે કે ‘વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને બંધનમાં જકડી ન રાખવામાં આવે તથા આપણી માન્યતાઓ દ્વારા, આપણી મૂર્ખતા અને ભયના માધ્યમથી તેમનું શોષણ ન કરવામાં આવે. તેઓ જેમ-જેમ વિકસિત થાય તેમ પોતાની વ્યક્તિગત બાબતોને સમજવા લાગે અને જીવનનો સામનો કરી શકવા સક્ષમ હોવા જોઈએ. વાત માત્ર શિક્ષણના આદર્શોની નથી કારણ કે આવા આદર્શો તો બકવાસ છે. આપણે જેવા છીએ ત્યાંથી જ શરૂઆત કરવાની છે. એ જ આધાર પર નિર્માણ કરવાનું છે. તમારી પાસે કોઈ તૈયાર ઉદ્યાન કે વિદ્યાલય હોતું નથી. ભૂમિ જેવી પણ હોય તેને એ જ સ્વરૂપે સ્વીકારીએ, તેમાં ખાતર નાંખીએ, સિંચાઈ કરીએ. જ્યાં કશું જ નથી ત્યાં તમારે કંઈક ઉત્પન્ન કરવાનું છે, ત્યાં હળીમળીને નિર્માણ કરવાનું છે.’ નવા શૈક્ષણિક સત્રમાં જે. કૃષ્ણમૂર્તિના આ વિચારો પર થાય એટલો અમલ કરવા જેવો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular