કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પૂર્ણ થઈ ચૂકી છે અને એક-દોઢ મહિનાથી ચૂંટણીનો જે માહોલ જામ્યો હતો તે હવે ઠંડો પડ્યો છે. પરંતુ દેશમાં હજુ ચાર તબક્કાની ચૂંટણી બાકી છે અને તેને લઈને રોજબરોજ નવા-નવા વિવાદ આવી રહ્યા છે. તેમાં એક મુદ્દો આહાર (Food) અંગેનો છે. આ વિવાદ ત્યારે વધુ છેડાયો જ્યારે ‘રાષ્ટ્રીય જનતા દળ’ના નેતા તેજસ્વિની યાદવે (Tejashwi Yadav) એક વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો, જેમાં તેઓ રોટી અને ફીશ ડિશ આરોગી રહ્યા હતા. બિહારના ભાજપના નેતાઓએ તુરંત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેજસ્વિની યાદવે માંસાહાર કરતો વિડિયો અપલોડ કર્યો ત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી હતી. આ દરમિયાન હિંદુઓ માંસાહાર તો ટાળે જ છે, અને ઉપવાસ પણ કરે છે. તેજસ્વિની યાદવે આખરે સ્પષ્ટતા કરવી પડી કે આ વિડિયો નવરાત્રી અગાઉનો છે. રાહુલ ગાંધી અને લાલુ યાદવ પણ આ રીતે વડા પ્રધાન દ્વારા આહાર બાબતે ટારગેટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીનો (Rahul Gandhi) એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં રાહુલ ગાંધી, લાલુ પ્રસાદ યાદવ સાથે એક નોન-વેજ વાનગી બનાવી રહ્યા છે. આ વિડિયો અંગે વડા પ્રધાને જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી એક સભામાં કહ્યું કે, ‘સાવન કે મહિને મેં મટન બનાને કા મૌજ લે રહે હૈ.’ વડા પ્રધાન આ રીતે આહાર વિશેનો મુદ્દો ઉઠાવે ત્યારે તેમના અન્ય નેતાઓ તે મામલે કેમ બાકી રહે? દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘે પણ નોન-વેજ વાનગીની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, નવરાત્રીમાં આ પ્રકારે નોન-વેજ આરોગવાનો વિડિયો મૂકીને કેટલાંક નેતાઓ મતદાતાઓને આકર્ષી રહ્યા છે. તેમણે બિહારની જમુઇ ક્ષેત્રમાં થયેલી એક સભામાં એમ સુધ્ધા કહ્યું હતું કે, ‘તમે નવરાત્રીમાં ફીશ ફૂડ આરોગી રહ્યા છો. તમે આ રીતે કયો સંદેશો મોકલવા માંગો છો? તમે માછલી, હાથી, ઘોડો કે કબૂતર કશું પણ આરોગી શકો છો. આમ કરીને તમે શું બતાવવા માંગો છો? આ માત્ર મતદાતાઓને લુભાવવા માટે છે. કારણ કે તેઓ માને છે કે ચોક્કસ ધર્મના લોકો તેમને આ રીતે વોટ આપશે.’
દેશના ગલીયારાથી માંડીને વડા પ્રધાનના પ્રચારના સ્ટેજ સુધી શું ખાવું અને શું ન ખાવું તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. હાલની ચૂંટણીમાં અનેક નેતાઓ દ્વારા આહારને લઈને ટિપ્પણીઓ થઈ. આહારનો મુદ્દો અંગત છે અને તેમાં સૌની પોતપોતાની પસંદગી હોવી જોઈએ. પરંતુ વર્તમાન ભાજપ સરકાર લોકોમાં એવું ઠસાવી રહી છે કે દેશમાં માંસાહાર એક ધર્મ સાથે સંકળાયેલો આહાર છે. જોકે એવું નથી. ‘નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે’ મુજબ દેશના દસમાંથી સાત લોકો નોન-વેજિટેરિયન છે. 2021માં થયેલા આ સર્વેના આંકડા રસપ્રદ છે. સર્વે મુજબ તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઓરિસ્સા અને ઝારખંડમાં નોન-વેજ આહારને પસંદ કરનારાં લોકોની ટકાવારી 97 ટકાની આસપાસ છે. દેશમાં જે રાજ્યો શાકાહારને પ્રાધાન્ય આપે છે તેમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને પંજાબ છે. જોકે આ રાજ્યોમાં પણ નોન-વેજ આહારને પસંદ કરનારાઓની સંખ્યા ચાળીસ ટકાની આસપાસ છે. ગુજરાતની વાત કરીએ તો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો આપણી પાસે છે, જ્યાં આહારમાં નોન-વેજ હોવું સ્વાભાવિક છે. ઉપરાંત, રાજ્યની પૂર્વપટ્ટીમાં આવેલાં આદિવાસી બહુલક ક્ષેત્રમાં પણ આહારમાં નોન-વેજ આહારમાં હોવું તે સામાન્ય બાબત છે. આશ્ચર્યની વાત તો એ છે કે 1990થી દેશમાં અત્યાર સુધી નોન-વેજની આહાર તરીકેની ખપત બમણી થઈ છે.
વાસ્તવિક આંકડાની તદ્દન અવગણના કરતાં હોય તેમ ભાજપ તરફથી નોન-વેજ વિરુદ્ધ પ્રચાર થાય છે. રક્ષામંત્રી રાજનાથસિંઘ નોન-વેજ વિશે બોલે છે ત્યારે તેઓને એ ખ્યાલ હોવો જોઈએ કે, ભારતીય સેનામાં પણ નોન-વેજ આહારને પિરસવામાં આવે છે. બીજી સૌથી અગત્યની વાત ભારત વૈશ્વિક મીટ પ્રોડક્શનમાં છઠ્ઠો ક્રમ ધરાવે છે. અને તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ મીટ પ્રોડક્શનમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. દેશના આહાર વિશે માનવશાસ્ત્રી ડૉ. બાલામુરાલી નટરાજન અને રાજકીય અર્થશાસ્ત્રી ડૉ. સૂરજ જેકોબ ઘણાં વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છે. તેમના અભ્યાસમાં તેમણે કેટલીક રસપ્રદ વિગતો ટાંકી છે. જેમ કે, મોટા ભાગના ભારતીયો શાકાહારી એવી ભ્રમણા છે. તેમણે કરેલાં અભ્યાસ મુજબ 80 ટકા ભારતીય નોન વેજિટેરિયન છે અને બાકીના શાકાહારને પ્રાધાન્ય આપે છે. તેમણે એવું પણ તપાસ્યું છે કે દેશમાં ઘણા ક્ષેત્રના બ્રાહ્મણો માંસાહાર કરે છે; જ્યારે કેટલાંક ઠેકાણે દલિત સમૂહ માંસાહારથી અંતર રાખે છે. ડૉ. બાલામુરાલી અને ડૉ. સૂરજનું માનવું છે કે આહાર મહદંશે તેઓ ક્યાં રહે છે તેનાથી નિર્ધારીત થાય છે. દરિયા કિનારે વસનારાં માછલી તેમના આહારમાં ચોક્કસ હોય, જેમ કે બંગાળમાં કહેવાતાં ઉચ્ચ જ્ઞાતિના લોકો માછલી આહારમાં લે છે. ઘણી જગ્યાએ તો તેઓ માછલી ગણતરી નોન-વેજ આહારમાં પણ નથી કરતાં. એ રીતે જ તિબેટીયન બૌદ્ધ ધર્મ પાળનારાંઓમાં માંસાહાર સામાન્ય હતો. આનું એક અગત્યનું કારણ તિબેટમાં ખેતી માટેની દુર્ગમ પરિસ્થિતિ હતી. આ વાત દલાઈ લામાએ આત્મકથામાં ટાંકી છે. તમે ક્યાં રહો છો તેનો આહાર સાથે ગાઢ સંબંધ છે.
સિંધુ સંસ્કૃતિના ઉદ્ભવના સમય સુધી જઈએ તો પણ એ સ્પષ્ટ છે કે ભારતમાં વસનારાંઓના મહદંશે લોકોના થાળીમાં નોન વેજિટેરિયન આહાર પિરસાતું હતું. આનો ઉલ્લેખ વેદોમાં પણ છે. નોન-વેજ આહાર અંગે વર્તમાન ભાજપ સરકારના આગેવાનો ટિપ્પણી તો કરે છે, પણ સાથે સાથે જ્યાં તેમની પહોંચ હોય ત્યાં નોન-વેજ આહારને અટકાવવાનું કામ પણ તેમણે કર્યું છે. 2015માં મધ્ય પ્રદેશની આંગણવાડીઓમાં ઇંડાં પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે જૈનોના દબાણથી આવું થયું હતું. એ રીતે ભારતીય રેલવે દ્વારા ગાંધીજીની જન્મજયંતિને ‘શાકાહાર દિવસ’ તરીકે ઉજવી હતી. ગાંધીજી પોતે શાકાહારી હતા, પરંતુ તેઓ શાકાહારનો આગ્રહ બીજા પર લાદતા તો નહીં, કેટલાંક એવાં પણ દાખલા છે કે તેમની સાથે રહેનારાઓને માટે નોન-વેજ આહાર તૈયાર કરવા અર્થે તેમણે સહજતાથી મંજૂરી આપી હોય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં નોન-વેજ આહારનો ઉલ્લેખ કરવો જોઈએ ત્યાં પણ તેમણે ટાળ્યો છે. ડેનમાર્કના સંશોધક જોહન ફિશરે આપણા દેશના આહાર અંગે ‘વેજિટેરિયનિઝ્મ, મીટ ઍન્ડ મોર્ડનિટી ઇન ઇન્ડિયા’ નામે એક પુસ્તક લખ્યું છે. આ વિષય સંદર્ભે તેઓ 2019માં ભારતમાં પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં યાજાયેલા ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. આ પ્રસંગે વીસ દેશના બે હજાર લોકોએ ભાગ લીધો હતો. અહીંયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે વક્તવ્ય આપ્યું હતું તેમાં તેમણે દેશ પ્રોડક્શન બાબતે જે ચીજવસ્તુઓમાં આગળ વધી રહ્યો છે તેમાં ચોખા, ઘઉં, ફળ, શાકભાજી અને દૂધનો ઉલ્લેખ કર્યો હતો. પણ મીટ પ્રોડક્શનમાં ભારત આગળ વધી રહ્યું છે તેનો ઉલ્લેખ વડા પ્રધાને ટાળ્યો હતો. નોન-વેજ આ રીતે આપણા ત્યાં મહદંશે લોકોના જીવનનો આહાર હોવા છતાં તેને એ રીતે સ્વીકારાતો નથી. ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં તો નોન-વેજ જૂજ રેસ્ટોરાંમાં અથવા નિર્ધારીત વિસ્તારોમાં જ મળે છે. અન્ય રાજ્યોની જેમ આ રાજ્યોમાં નોન-વેજને મુખ્ય માર્કેટમાં સ્થાન મળતું નથી.
દેશમાં મહદંશે લોકો શાકાહારી છે તેવો ખ્યાલ દાયકાઓથી ચાલતો રહ્યો અને તે દૃઢ થતો ગયો. ગુજરાત જેવાં રાજ્યોમાં આ માન્યતા વધુ દૃઢ રહી છે. પણ પૂરા દેશના આંકડા જોઈએ તો ખ્યાલ આવે કે નોન-વેજ આહારને પસંદ કરનારાઓની સંખ્યા સિત્તેર ટકાથી વધુ છે. ઉપરાંત, નોન-વેજમાં આહારમાં ગાયની કતલનો મુદ્દો અગત્યનો છે. ગાયોની આ રીતે થતી કતલમાં દેશમાં 2014થી 44 લોકોની હત્યા થઈ છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લોકોના આહારમાં નોન-વેજ છે કે નહીં તેની ચર્ચા ખૂબ થાય છે. પરંતુ દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રમાં રાજકારણ આહારમાં આવતું નથી. પ્રજા તરીકે આપણે જ નક્કી કરવું પડશે કે રાજકારણીઓની દખલઅંદાજી આપણા આહાર સુધી ન આવે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796