કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2036ના ઓલિમ્પિક માટે બિડની જાહેરાત કરવામાં આવી. આપણે ત્યાં ઓલિમ્પિક રમાશે અને તે પણ ગુજરાતમાં રમાશે તેની ચર્ચા ઘણાં વખતથી થઈ રહી હતી. હવે બિડની જાહેરાતથી આ ચર્ચાનો અંત આવ્યો છે. ઓલિમ્પિક મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે અને આ ગેમ્સ પ્રથમવાર રમાઈ તે વર્ષ 1896નું હતું. મતલબ કે, સવાસો વર્ષથી આ ગેમ્સ બેએક અંતરાયોને બાદ કરતાં ચાર વર્ષમાં એક વાર રમાય છે. ઓલિમ્પિકમાં વિશ્વભરમના જુદા જુદા સ્પોર્ટ્સના ખેલાડીઓ ભાગ લે છે અને અહીંયા જીતવું જે-તે ખેલાડી માટે સપનું છે. અત્યાર સુધી ભારત ઓલિમ્પિકમાં સામાન્ય દેખાવ કરતું આવ્યું છે. હવે ધીરે ધીરે ભારત મેડલની યાદીમાં ઉપર આવી રહ્યું છે, તેમ છતાં આપણે અત્યાર સુધી 35 મેડલ જીતી શક્યા છે, તેના મુકાબલે પ્રથમ ક્રમાંકે રહેલું અમેરિકા 2,629 મેડલ જીતી ચૂક્યું છે. આ ઉપરાંત ચીન, રશિયા અને યુરોપિયન દેશોનું ઓલિમ્પિકની ગેમ્સમાં પ્રભુત્વ રહ્યું છે.

ઓલિમ્પિકમાં દમદાર પર્ફોમન્સ કરનારાં દેશો મહદંશે તેના હોસ્ટિંગ માટે બિડ કરે છે અને એટલે અત્યાર સુધી અમેરિકા સૌથી વધુ પાંચ વખત ઓલિમ્પિક હોસ્ટ કરી ચૂક્યું છે. તે પછી ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ દ્વારા ત્રણ-ત્રણ વાર હોસ્ટિંગ કરવામાં આવ્યું છે. જર્મની, ગ્રીસ અને જાપાનનો ઓલિમ્પિક હોસ્ટ કરવામાં બે-બે વખત નંબર લાગ્યો છે. ખંડ મુજબ જોઈએ તો યુરોપમાં સત્તર વખત, અમેરિકામાં આઠ વખત, એશિયામાં માત્ર ચાર વાર અને ઓસ્ટ્રેલિયા ખડંમાં ત્રણ વખત ઓલિમ્પિકનું આયોજન થયું છે. જાપાન સિવાય એશિયામાં ઓલિમ્પિક યોજનારા બે દેશોમાં ચીન અને દક્ષિણ કોરિયા આવે છે. આ પૂરું ચિત્ર જોઈએ તો ભારત માટે ઓલિમ્પિક યોજવી ચેલેન્જ છે.

ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી મોટી ચેલેન્જ છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે. ઓલિમ્પિક ગેમ્સ રમાડવા અર્થે આંતરરાષ્ટ્રિય કક્ષાના ગ્રાઉન્ડ્સ નિર્માણ કરવા પડે અને તેની સંલગ્ન સગવડોય ઊભી કરવાની થાય. જ્યારે આ ચેલેન્જની વાત આવે ત્યારે તેને આસાની પહોંચી વળવા વિશે વાત થાય છે, પરંતુ તે સરળ નથી. છેલ્લે 2020માં ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સ વિશે વાત કરીએ તો તેમાં 206 દેશોના 11,420 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને વીસ દિવસ સુધી તેમાં 33 રમતોની અલગ અલગ 340 ઇવેન્ટ્સ હતી. જાપાનમાં મૂડીની કમી નહોતી અને અગાઉ અનુભવ હોવા છતાં તેઓને દસ વર્ષથી વધુ સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવામાં લાગ્યો હતો અને સાતથી વધુ સ્ટેડિયમ માત્ર ને માત્ર ઓલિમ્પિક માટે નિર્માણ કરવામાં આવ્યા હતા.

ઓલિમ્પિક યોજવાને લઈને અત્યારે અલગ-અલગ ન્યૂઝ પ્રકાશિત થયા છે. ગુજરાતમાં 33 જુદી જુદી સાઇટને ઓળખવાની કવાયત આદરવામાં આવી છે, તે ન્યૂઝ પણ આવ્યા છે. જોકે, એક વાત સર્વત્ર નિશ્ચિત છે કે ઓલિમ્પિકનું કેન્દ્ર અમદાવાદ રહેશે. અને તે માટે ફેબ્રઆરી 2021માં ગૃહ પ્રધાન અમિત શાહે પણ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એવન્યૂના નિર્માણ સંબંધિત નિવેદન આપ્યું હતું કે આ એવન્યૂ ઓલિમ્પિક માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2021માં ઇન્ડિયન ઓલિમ્પિકના પ્રમુખ નરીંદર બત્રાએ પણ ઓલિમ્પિક ગેમ્સના ઓપનિંગ સેરેમની અર્થે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપ્યું હતું. મતલબ કે અમદાવાદ ઓલિમ્પિક માટે કેન્દ્રસમું રહેશે તે નિશ્ચિત છે.
જોકે 2036ના ઓલિમ્પિક હોસ્ટ માટે માત્ર ભારતે જ દાવેદારી નોંધાવી નથી. મેક્સિકો દ્વારા પણ દાવેદારી થઈ છે. મેક્સિકોના પ્રેસિડન્ટ એન્ડ્રુઝ ઓબ્રેડોરે પણ 2036ની દાવેદારી માટે ઉત્સુક છે. મેક્સિકોનું આ બાબતે જમા પાસું એ છે કે 1968માં તેઓ ઓલિમ્પિક ગેમ્સ યોજી ચૂક્યા છે. આપણી હોસ્ટિંગ દાવેદારી સામે ઇન્ડોનેશિયા પણ છે. અને ઇન્ડોનેશિયાના ઓલિમ્પિક કમિટિના પ્રમુખનું એવું નિવેદન આવ્યું હતું કે, અમે 2036ના ઓલિમ્પિકની મેજબાની માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. ઇન્ડોનેશિયાએ 2032ના ઓલિમ્પિક માટે પણ દાવેદારી કરી હતી, જોકે તેમાં ઓસ્ટ્રેલિયા પર પસંદગી ઊતરી છે. તુર્કી અને પોલેન્ડ પણ 2036ના ઓલિમ્પિક માટે મજબૂત દાવેદારો છે.
ભારતમાં જી-20 યોજાયા બાદ ઓલિમ્પિક યોજવા વિશે આશા વધુ પ્રબળ થઈ છે. દિલ્હીમાં જે રીતે જી-20નું આયોજન થયું તેથી આંતરરાષ્ટ્રિય સ્તરે એવો વિશ્વાસ જન્મ્યો કે ભારત મોટી ઇવેન્ટ યોજી શકે છે. પરંતુ જી-20નો મુખ્ય સમારોહ માત્ર બે દિવસનો હતો અને તેમાં ભારત સહિત અન્ય દેશોની સિક્યુરીટી એજન્સી પણ આ સમારોહ પણ સતત નજર રાખી રહી હતી. 2036ની ઓલિમ્પિક યોજવા અર્થે સૌથી મોટી બીજી ચેલેન્જ સુરક્ષા છે. છેલ્લા થોડા વર્ષોમાં સુરક્ષા બાબતે આપણો રેકોર્ડ સુધર્યો છે, તેમ છતાં જ્યારે ઓલિમ્પિક જેવી ઇવેન્ટ હોય, જેમાં અનેક કેન્દ્રોમાં અલગ-અલગ સ્પોર્ટ્સ રમાતી હોય ત્યારે સુરક્ષા વધુ સઘન જોઈએ. 1972ના ઓલિમ્પિક વેળાએ મ્યુનિકમાં પેલેસ્ટાઇનના આંતકવાદીઓએ ઇઝરાયલના ખેલાડીઓની હત્યા કરી હતી અને કેટલાંકનું અપહરણ કર્યું હતું. આ ઘટના પછી ઓલિમ્પિક ગેમ્સ હંમેશા સિક્યુરીટી બાબતે જડબેલાક બંદોબસ્ત ગોઠવવો પડે છે. સમજો ને જેવું અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ વખતે સિક્યુરીટી હતી તેવી સિક્યુરીટી સમગ્ર ઇવેન્ટ દરમિયાન હોવી જોઈએ.
આપણા દેશમાં અનેક ઇવેન્ટ્સ અત્યારે થઈ રહી છે. સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ આપણે ત્યાં અવારનવાર થાય છે. છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં યોજાઈ હતી. આ ઇવેન્ટમાં 71 દેશના 4,352 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ્સ ઓલિમ્પિકની સરખામણીમાં ન મૂકી શકાય, તેમ છતાં તેનું આયોજન લાંબા ગાળાનું હતું. પરંતુ તેની તૈયારીને લઈને કોમનવેલ્થ ગેમ્સની કમિટિની ખૂબ ટીકા થઈ. દિલ્હી સરકારે પણ તેને લઈને જવાબ આપવા પડ્યા. ગેમ્સ શરૂ થવાની તૈયારીમાં હતી અને બીજી બાજુ કામ પૂરું થયું નહોતું. આ ઉપરાંત તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવા પાછળ કોમનવેલ્થ ગેમ્સના કારભાર સંભાળતા સુરેશ કલમાડી પર આરોપ લાગ્યા. આમ કોમનવેલ્થ ગેમ્સ શરૂ ન થઈ ત્યાં સુધી તેની તૈયારી, ભ્રષ્ટાચારને લઈને તેની ટીકા થતી રહી.
આ પછી એક અગત્યનો મુદ્દો આવે છે તે ઓલિમ્પિક યોજવાના બજેટ વિશેનો. ઓલિમ્પિક જે પ્રકારની ઇવેન્ટ છે તે રીતે તેમાં પ્રોફિટ થવાની શક્યતા નહિવત્ છે. 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં કોરોનાનું ગ્રહણ નડ્યું હતું અને તે કારણે તેમાંથી પ્રોફિટ કાઢવો મુશ્કેલ બની ગયો હતો. ઓલિમ્પિકમાં સીધેસીધો નફો મળતો નથી, પરંતુ તેના આયોજન પછી લાંબા ગાળે લાભ થાય છે. જોકે તેમ છતાં તેમાં લાગનારી મસમોટી મૂડીથી બધા જ દેશોને લાભ થાય છે તેમ બનતું નથી. અમેરિકામાં તો 1972માં જ ડેનવેર નામના શહેરે ઓલિમ્પિક પોતાના શહેરમાં ન યોજાય તે માટે મતો આપ્યા હતા. આ શહેરના લોકોનું માનવું હતું કે આટલો બધો ખર્ચ સ્પોર્ટ્સ પાછળ ન કરાય. 1979માં લોસ એન્જલસમાં યાજેયાલા ઓલિમ્પિકમાં સારો એવો નફો થયો હતો. આ ઓલિમ્પિકનું ઉદાહરણ આજે પણ મૂકાય છે. પરંતુ લોસ એન્જલમાં સ્પોર્ટ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાની જરૂર નહોતી, તે અગાઉથી જ હતું. આ ઉપરાંત તે વખતે ટેલિવિઝન બ્રોડકાસ્ટ નવુંસવું હોવાથી તેમાંથી પણ સારી એવી રેવન્યૂ જનરેટ થઈ હતી. ઓલિમ્પિક જેવી લાંબા ગાળાની રમતમાં જ્યારે પ્રોફિટ કાઢવો હોય ત્યારે તેમાં આયોજન યોગ્ય રીતે થવું જોઈએ. આપણા દેશમાં અત્યાર સુધીનો રેકોર્ડ જોતાં એ અશક્ય લાગે છે. 2004માં ગ્રીસમાં થયેલા ઓલિમ્પિકમાં અણધડ આયોજનના કારણે ગ્રીસ આર્થિક મુશ્કેલીમાં મુકાયું હતું. આજે પણ તે આર્થિક ભીંસમાંથી નીકળી શક્યું નથી. એટલે ઉત્સાહમાં ઓલિમ્પિક હોસ્ટ કરવા મળી જાય તો પણ તે આર્થિક રીતે પાર પાડવી તે મોટી ચેલેન્જ છે.
2036માં ઓલિમ્પિક યોજવા વિશેના આ ચેલેન્જ અત્યારે દેખાઈ રહ્યા છે, પણ જો આ ચેલેન્જને પાર પાડીને દેશમાં આયોજન થશે તો તેનાથી આપણને સૌકોઈને ખુશી થવાની છે. અને તેમાં સૌથી અગત્યનું કાર્ય દેશમાં ક્રિકેટ સિવાયના સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળશે તે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796