Friday, December 1, 2023
HomeNavajivan CornerLink In Bioઇઝરાયલ અને પેલેસ્ટાઇન મુદ્દે ભારતનું વલણ શું રહ્યું છે?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન મુદ્દે ભારતનું વલણ શું રહ્યું છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇઝરાયલ અને પેલેસ્ટાઇન મુદ્દે કયો દેશ કોના તરફી છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇઝરાયલ પેલેસ્ટાઇનનો વિસ્તાર પચાવીને બેઠું છે; તો બીજી તરફ પેલેસ્ટાઇન આંતકવાદી હૂમલાઓ કરી રહ્યું છે. આ હૂમલાના જવાબમાં ઇઝરાયલ પેલેસ્ટાઇનના સામાન્ય લોકોના જીવ લઈ રહ્યું છે. બંને દેશો સાડા સાત દાયકાથી આ રીતે એકબીજાના નાગરિકોને રહેંસી રહ્યા છે અને તે કારણે વિશ્વના ઘણા દેશોની નીતિ બંને દેશો તરફ શું છે તેની ચર્ચા હંમેશા થતી આવી છે. અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના એક ફાંટા હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિશ્વના કયા દેશનું શું વલણ છે તે જોઈએ તો તેમાં પૂરી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી દેખાય છે. અમેરિકા, યુરોપ સહિત ઓસ્ટ્રેલિયા જેવાં દેશો ઇઝરાયલ સાથે છે અને ભારતનું વલણ પણ અત્યારે ઇઝરાયલ સાથે હોય તેમ લાગે છે. પેલેસ્ટાઇન સાથે હોય તેવા દેશોમાં અરબ દેશો, ચીન, રશિયા અને પાકિસ્તાન છે.

India's stand on Israel and Palestine
India’s stand on Israel and Palestine

ઇઝરાયલ-પેલેસ્ટાઇન લઈને જ્યારે ભારતના વલણની વાત આવે છે ત્યારે સૌપ્રથમ ઉલ્લેખ નેહરુ અને આઇનસ્ટાઇન વચ્ચે થયેલા પત્રવ્યવહારનો થાય છે. ભારતની આઝાદી પછી થોડા દિવસોમાં ઇઝરાયલ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. નેહરુના કાર્યકાળ દરમિયાન ભારતનું વલણ પેલેસ્ટાઇનના વિભાજનની વિરુદ્ધ હતું. મતલબ કે, તત્કાલિન ભારત સરકાર એવું ઇચ્છતી નહોતી કે ઇઝરાયલને માન્યતા મળે. જોકે સંયુક્ત રાષ્ટ્રમાં થયેલાં વોટિંગના કારણે ઇઝરાયલને દેશ તરીકેની માન્યતા મળી હતી. તેની પાછળ એક કારણ જર્મનીમાં થયેલા યહૂદીઓ પર અત્યાચાર પણ હતા, જેનાથી પશ્ચિમી દેશોની સહાનુભૂતિ તેમના પક્ષે હતી. યહૂદીઓ અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં તેમનો પોતાનો કહી શકાય એવો કોઈ દેશ નહોતો. અને તેથી તેમને યહૂદીઓના પવિત્ર સ્થળની આસપાસ એટલે કે આજે જ્યાં ઇઝરાયલ છે ત્યાં વસાવવા માટે કવાયત થઈ. આ કવાયતમાં ઇંગ્લેન્ડ સહિત અમેરિકા પણ સામેલ હતું.

- Advertisement -

ઇઝરાયલ વિશે આઇનસ્ટાઇનનો મત સ્પષ્ટ હતો. તેઓ માનતા કે યહૂદીઓ અને આરબોએ લોહીયાળ સંઘર્ષને છોડીને એક જ દેશમાં સાથે રહેવું જોઈએ. તેમનું માનવું હતું કે યહૂદીઓનું પોતાનું એક ઘર, વતન, દેશ હોવો જોઈએ, પરંતુ સૈન્ય, સરહદો, ધર્મના વાડા વિનાનો દેશ ઇચ્છતા હતા. જ્યાં આરબો અને યહૂદીઓ સાથે મળીને રહે. આઇન્સ્ટાઈન રાષ્ટ્રવાદના ખ્યાલનો ખુલ્લેઆમ વિરોધ કરતા કહેતા રાષ્ટ્રવાદની સંકુચિતતાના કારણે આપણે આપણી આંતરીક તાકાત ખોઈ ન નાંખીએ! આઇન્સ્ટાઈન ધાર્મિક કટ્ટરતાનો એટલી હદે વિરોધ કરતા હતા કે 1948માં જ્યારે કેટલાંક ધર્માંધ યહૂદીઓએ આરબો પર ઘાતકી હુમલો કર્યો ત્યારે પણ આઇન્સ્ટાઇને તેની ભારે ટીકા કરી હતી. 1948માં રાષ્ટ્રસંઘમાં ઇઝરાયેલ અંગે પ્રસ્તાવ રજૂ થયો ત્યારે એમણે વડાપ્રધાન નહેરુને લાંબો પત્ર લખીને યહૂદીઓને મદદ કરવાની વિનંતી કરી હતી. આમ છતાં આઇન્સ્ટાઇનના હૈયે યહૂદીઓનું વતન સરહદો, સૈન્ય અને ધર્મની કટ્ટરતા વિનાનું હોય તેવું સ્વપ્ન આજીવન રમતું રહ્યું હતું. આ પત્રનો જવાબ નેહરુએ આપતાં યહૂદીઓ તરફ સહાનુભૂતિ તો દાખવી, પરંતુ તેમણે એમ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ અરબ દેશો પ્રત્યે પણ પોતાની લાગણી રાખે છે. નેહરુ જાણતા હતા કે અરબ દેશોની જેમ ભારતીય મુસ્લિમોની ભાવના પણ પેલેસ્ટાઇનના વિભાજનના વિરોધમાં છે. નેહરુએ આઇનસ્ટાઇનને આ પત્રમાં પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે, પેલેસ્ટાઇનમાં યહૂદીઓએ આટલું સરસ કામ કર્યું હોવા છતાં કેમ તેઓ પેલેસ્ટાઇનના લોકોનો વિશ્વાસ નથી જીતી શક્યા? શું પેલેસ્ટાઇના લોકોના મરજી વિરુદ્ધ યહૂદી રાષ્ટ્ર માટે તેમને મજબૂર કરવામાં આવી રહ્યાં છે?

ઇઝરાયલ દેશ તરીકે માન્યતાને લઈને ભારતનો વિરોધ સખ્ત હતો અને તેથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ઇઝારયલના વિરોધમાં વોટ આપ્યો હતો. આજે ભલે ભારત-ઇઝરાયલની નજદીકી લાગે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ભારત-ઇઝરાયલનો મેળાપ સરળતાથી થયો નથી. 1950માં સ્થિતિ બદલાઈ ને ઇઝરાયલને વિશ્વમાં અનેક દેશોએ માન્યતા આપી, તેમાં એક ભારત પણ હતું. પરંતુ ઇઝરાયલ સાથે સંબંધો સ્થપાતા 42 વર્ષ નીકળી ગયા. અને ઇઝરાયલ સાથે પહેલીવહેલી વાર આદાનપ્રદાન થયું તે 1992માં પી. વી. નરસિમ્હારાવના કાળમાં. જોકે તે અગાઉ 1962માં જ્યારે ચીન સાથે યુદ્ધ થયું ત્યારે નેહરુએ શસ્ત્ર સંબંધિત મદદ ઇઝરાયલ પાસે માંગી હતી અને તે મળી પણ હતી.

1968માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતા ત્યારે તેમણે દેશના ઇન્ટેલિજન્સના વડા આર. એન. રાવને ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદ સાથે સંપર્ક કરવાનું કહ્યું હતું. આવું કરવાનું કારણ એ હતું કે પાકિસ્તાન ચીન અને દક્ષિણ કોરિયાની મદદ લઈને મજબૂત થઈ રહ્યું હતું. ઇન્દિરા ગાંધી એક તરફ ઇઝરાયલના ગુપ્તચર સંસ્થાની મદદ લેવાનું કહેતા ત્યાં બીજી તરફ તેમની સહાનુભૂતિ પેલેસ્ટાઇનના પક્ષે હતી. 1974માં જ્યારે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન અને તેના આગેવાન યસાર અરફાતને આંતકવાદી કહેવામાં આવ્યા ત્યારે અરબ સિવાયના દેશોમાંથી ભારત જ તે બાબતે પ્રતિક્રિયા આપવામાં પ્રથમ હતું કે પેલેસ્ટાઇન લોકોનું પ્રતિનિધિત્વ કરનારું એકમાત્ર અને યોગ્ય સંગઠન પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન છે.

- Advertisement -

ઇન્દિરા ગાંધી અને પેલેસ્ટાઇના પૂર્વ નેતા યસાર અરાફતનો સંબંધ તો ભાઈ-બહેન જેવો રહ્યો છે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટરવ સિંહના મતે માર્ચ 1983માં જ્યારે નવી દિલ્હીમાં વિશ્વના બિનજોડાણવાદી દેશોનું જૂથ દિલ્હીમાં મળ્યું હતું ત્યારે અરાફત એ વાત પર નારાજ થઈ ગયા કે જોર્ડનના શાહને કેમ ભાષણ આપવા દેવામાં આવ્યું. તેઓ નારાજ થઈને પેલેસ્ટાઇન પાછા ફરી રહ્યા હતા ત્યારે આ વાતની માહિતી મેળવીને ક્યૂબાના પ્રમુખ ફિડલ કાસ્ટ્રો સાથે ઇન્દિરા ગાંધી અરાફત પાસે પહોંચ્યા. ત્યારે કાસ્ટ્રોએ અરાફતને પૂછ્યું કે ઇન્દિરા તમારી મિત્ર છે કે નહીં? ત્યારે અરાફતે કહ્યું કે તે મારી મિત્ર નહીં પણ મોટી બહેન છે. પછી કાસ્ટ્રોએ કહ્યું કે તો તમારી બહેનને નારાજ કરીને તમે કેવી રીતે જઈ શકો છો. અરાફત તુરંત માની ગયા. પેલેસ્ટાઈન સાથે ઇન્દિરા ગાંધીના આવાં લાગણીસભર સંબંધો રહ્યાં છે.

કટોકટી પછી જ્યારે વડાં પ્રધાન મોરારજી દેસાઈ બન્યા ત્યારે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સાથેના સંબંધોમાં કોઈ એક તરફી વલણ જોવા ન મળ્યું. તે દરમિયાન કેન્દ્ર સરકાર સાથે જોડાયેલું જન સંઘ ઇઝરાયલ સાથે સહાનુભૂતિ ધરાવતું હતું.

આ દરમિયાન ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સમાધાનનો પણ દોર આવ્યો, જ્યારે ભારતને આ બંને દેશો તરફની નીતિમાં ઝાઝું વિચારવાનું નથી આવ્યું. તેમ છતાં 1980ના દાયકામાં પેલેસ્ટાઇન અને ભારતના સંબંધો ખાસ્સા ગાઢ રહ્યા. 1988માં ભારત પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપનારા પ્રથમ કેટલાંક દેશોમાંનો એક હતો. તે પછી રાજીવ ગાંધી અને વી. પી. સિંઘની આગેવાનીની કેન્દ્ર સરકારે ઇઝરાયલ સાથે સહકાર રાખવામાં કોઈ સંકોચ ન રાખ્યો. 1992ના અરસામાં જ્યારે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર આવી અને પી. વી. નરસિમ્હારાવ વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે પેલેસ્ટાઇનના આગેવાનોની સંમત્તિ સાથે ઇઝરાયલ સાથે ડિપ્લોમિટિક સંબંધો ખૂબ આગળ વધાર્યા. 1996માં તો ભારતે ગાઝામાં તેનું પ્રથમ કાર્યાલય પણ ખુલ્લું મૂક્યું. તે પછી બંને દેશો સાથે સમાંતર સંબંધો આગળ વધતા રહ્યા છે.

- Advertisement -

ઇઝરાયલ સાથે ભારતનો સંબંધ તે પછી અટક્યો નથી અને 2003માં ભારતનો પ્રવાસ કરનારા પ્રથમ ઇઝરાયલી પ્રમુખ એરિયલ શેરોન બન્યા. સામે પક્ષે 2011માં ભારતે પેલેસ્ટાઇનને યુનેસ્કોમાં પૂર્ણ સભ્યપદ મળે તે માટે પણ મતદાન કર્યું હતું. ભારત ઇઝરાયલ પાસેથી શસ્ત્ર-ખેતી અને અન્ય અનેક ક્ષેત્રોમાં સહકાર સાધી રહ્યું છે તો બીજી તરફ ગાઝામાં વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત છે. આ ઉપરાંત પણ અનેક પ્રોજેક્ટમાં ભારત પેલેસ્ટાઇનની મદદ કરી રહ્યું છે. 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈન ગયા હતા અને તેમને પેલેસ્ટાઇન રાષ્ટ્રપતિ મહમદૂ અબ્બાસે દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રેન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’થી નવાજવામાં આવ્યા હતા. આ અંગે બીબીસીના એક અહેવાલમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રેમાનંદ મિશ્રા જણાવે છે કે, ભારતની ઇઝરાયલને લઈને નીતિ વાસ્તવવાદી છે અને પેલેસ્ટાઇન તરફે આદર્શવાદી. આ રીતે જ ભારત આ સંબંધોમાં આગળ વધતું રહ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular