નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના (Vadodara) એક યુવકને મુંબઈ લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો વિડિયો સોશિયલ મિડિયા પર સામે આવ્યો હતો. જેમાં પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઈ હતી. 5 લાખ રૂપિયા ન આપતા યુવકનું અપહરણ (Youth abduction)કરી તેનો મિત્ર મુંબઈ (Mumbai) લઈ ગયો હતો અને તેની ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાના આક્ષેપ પિડિત યુવકના પરિજનોએ કર્યા છે. ત્યાર બાદ વડોદરાની એક હોટેલ લાવી ગોંધી રાખી અહિયાં પણ ઢોર માર માર્યો હતો. જે અંગે યુવક અધમૂવો થઈ જતા તેને છોડી મૂક્યો હતો અને હાલ ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલ (SSG Hospital Vadodara)યુવકની સારવાર ચાલી રહી છે જ્યાં ડોક્ટરે પૂછપરછ બાદ પિડતએ સમ્રગ ઘટના જાણવતા MCL ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ યુવકની માતાએ પોલીસ ઇન્સ્પેકટર ગંભીર આક્ષેપ કરી કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ટુર્સ ટ્રાવેલ્સનો ધંધો કરતા ફરિયાદી અમન શેખે જણાવ્યું હતું કે, તેનો મિત્ર કિંજલ શાહ જે પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હતા. બંને એક સાથે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. દરમિયન કોરોનામાં લોકડાઉનના કારણે ધંધામાં ભારે ખોટ આવી હતી. જેના કારણે બે વર્ષથી કિંજલ શાહ મળ્યો ન હતો અને બે મહિના અગાઉ ફરી સંપર્કમાં આવ્યો હતો. જ્યાં કિંજલ શાહ ફરિયાદીને કામ છે તેમ કહી બોલાવી 14મેના રોજ પોતાની બ્રેઝા કારમાં ધંધા સંદર્ભ મુંબઈમાં મિટિંગ છે, તેવુ કહી સાથે લઈ ગયો હતો. બંને મુંબઈના વેસ્ટ અંધેરીની એક ડિલક્ષ હોટેલમાં રોકાયા હતા. ત્યાર બાદ કિંજલ શાહે ફરિયાદીને ડુપ્લીકેટ વિઝા બનાવવા માટે કહ્યું હતું. જે બાબતે ફરિયાદીએ ના પાડતા બંને વચ્ચે વાદ-વિવાદ થયા હતા. 18મેના રોજ બંને મુંબઈથી વડોદરા પરત આવી ગયા હતા.
કિંજલ શાહના ભાઈ હિરેશ શાહની ઓફિસ જતા કિંજલ શાહે ફરી ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ રાત્રે 12 વાગ્યાના અરસામાં તરસાલી દંતેશ્વર રોડ પર આવેલા બંસલ મોલની બાજુમાં પશુપતિ હોટેલમાં રોકાયા હતા અને બંનેએ કેફી પર્દાથનું સેવન કર્યું હતું. બંને નશામાં હતા તે દરમિયાન ફરિયાદીએ પોતાના મોટા ભાઈને મોબાઈલ લોકેશન મોકલ્યું હતું. જેનાથી કિંજલ ઉશ્કેરાયો અને ફરિયાદી પર બેલ્ટ અને કાચની બોટલ વડે છાતી તેમજ ખભા, ઘૂંટણ, માથા અને નાક ભાગે માર માર્યો હતો. મોબાઈલ લોકેશનના આધારે ફરિયાદીના પિતા સહિત મિત્રો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે એસ. એસ. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદીના પાસળીના અને નાકના ભાગે ફેક્રચર થયુ હતું જેના કારણે ડૉકટરે પૂછપરછ કરતા સમ્રગ મામલો સામે આવ્યો હતો અને MCL ફરિયાદ નોંધાઈ હતી.
બીજી તરફ આ મામલે પિડિત પરિજનોએ મકરાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા ગયા હતા. જ્યાં તેમની ફરિયાદ ન નોંધી હોવાનો પોલીસ પર આક્ષેપ કર્યો છે અને મકરાપુરા પી. આઈ.એ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પિડિત પરિજનોએ વડોદરા પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરી છે. પિડીતની માતાએ પી. આઈ. પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા પતિ અને પુત્રને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને અટકાયત કરી હતી. જે અંગે પૂછતા પી. આઈ. ઉશ્કેરાઇ ગયા હતા અને સમાધાન કરી લો નહીં તો અલગ-અલગ કેસ કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે વાત કરવા માટે નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હજાર પોલીસ સ્ટેશન ઓફિસરે (PSO) જણાવ્યું હતું કે, આ કેસમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર બાદ વધુ વિગતો લેવા માટે PIનો નંબર માગતા PSOએ નામબર આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી મકરપુરા PIની વાત અમે અહિયાં રજૂ કરી શક્યા નથી. આ સમગ્ર મામલાની નવજીવન ન્યૂઝ પુષ્ટિ કરતું નથી કે સમર્થન પણ કરતું નથી. પરંતુ જો પરિવારના આક્ષેપો ખરેખર સાચા હોય તો આ ખૂબ ગંભીર મામલો છે અને વડોદરા પોલીસ કમિશનરે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796