નવજીવન ન્યૂઝ. વડોદરા: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Movie Pathan) રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગમાં દીપિકા પાદૂકોણ (Deepika Padukone)ની બિકીનીના રંગને લઈ શરૂ થયેલી બબાલ બંધ થવાનું નામ નથી લઈ રહી. ત્યારે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દેવાની અને બહિષ્કારની ચિમકીઓ પણ કેટલાક સાધુ સંતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ તમામ બાબતો વચ્ચે વડોદરામાં હિન્દૂ જાગરણ મંચ જાગ્રત થયું છે અને મલ્ટીપ્લેક્સમાં લાગલે પઠાણના પોસ્ટર હટાવવા નીકળું હતું.
જાગ્રત થઈ કરી આ કાર્યવાહી
મળતા અહેવાલ મુજબ, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના વિરોધમાં વડોદરામાં હિન્દૂ જાગરણ મંચ (Hindu Jagran Manch Vadodara) જાગ્રત થયું છે. મંચનું કહેવું છે કે ફિલ્મને વડોદરાના કોઈ પણ થિએટરમાં રજૂ નહીં થવા દઈએ. આ માટે હિન્દૂ જાગરણ મંચ વડોદરા મહાનગર દ્વારા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ હિન્દૂ સેનાએ વડોદારના વિવિધ સિનેમામાંથી પઠાણ ફિલ્મના પોસ્ટર દૂર કરવાનું કાર્ય કર્યું હતું.
જવાબદારી થિયેટરની રહેશે
એક અહેવાલમાં હિન્દૂ જાગરણ મંચના મેહુલ દેસાઈના જણાવ્યા મુજબ, ‘હિન્દૂ જાગરણ મંચ વડોદરા મહાનગર દ્વારા મંગળવારના રોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પત્રમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાણથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. માટે આ ફિલ્મ વડોદરામાં રિલીઝ થતા કોઈ ઘટના બને તો તેની જવાબદારી મલ્ટીપ્લેક્સની રહેશે. સાથે આ આવેદનપત્રની કોપી તેમણે વડોદરાના તમામ પોલીસ સ્ટેશનને પણ મોકલી આપી હતી. બાદમાં મંચના કાર્યકરોએ થિયેટરોમાં જઈ પોસ્ટર હટાવવા અને ફિલ્મ રિલીઝ નહીં કરવા માટે રજૂઆત કરી હતી.’
વિરોધ શા માટે થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદૂકોણની બિકીનીને લઈ વિવાદ છેડાયો હતો. આ મામલે વિવિધ સંગઠનો, સાધુ-સંતો અને નેતાઓ પણ વિરોધમાં ઉતરી પડ્યા છે. આ વિરોધીઓનું માનવું છે કે, દીપિકા પાદૂકોણે ગીતમાં પહેરેલી બિકીની ભગવા રંગની છે અને ભગવો રંગ હિન્દૂ ધર્મનો પ્રતિક છે માટે આ દ્રશ્યો ગીતમાંથી હટાવી લેવામાં આવે.
Tag: Hindu Jagran Manch Vadodara Removes Pathan Movie Posters