નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં (Vadodara) આવેલી વિશ્વામિત્રી નદી (Vishwamitri River) મગરના ઘર માટે જાણીતી છે, આ નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. જ્યારે વરસાદની સિઝન આવે છે ત્યારે ઘણી વાર આ મગર રસ્તા પર આવી જતાં હોય છે. ઉપરાંત વડોદરવાસીઓ પર અનેક વખત મગરે હુમલો (Crocodile Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે એક વધુ આવી જ ઘટના સામે આવી છે. વડોદરાના કરજણમાં (Karjan) એક મહિલાને મગરે ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે.
વડોદરાના કરજણ તાલુકામાં આજે એક મગર દ્વારા મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કરજણના સ્વામી વિવેકાનંદ તળાવમાં એકલવાયું જીવન ગુજારતા કંચનબેન રાઠોડ કપડા ધોવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પાણીમાંથી મગર તરાપ મારીને કપડા ધોઈ રહેલા કંચનબેનને પાણીમાં ખેંચી ગયો હતો. ગામની મહિલા પર મગરે હુમલો કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં કરજણના મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મગર મહિલાને પાણીમાં ખેંચી ગયો હોવાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળા તળાવ પાસે એકત્રીત થઈ ગયા હતા. આ અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા GIDC ફાયર સ્ટેશનની ટીમ મહિલાને રેસ્ક્યું કરવા માટે તળાવ પર આવી પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા તળાવમાં બોટની મદદથી શોધખોળ કરીને કંચનબેનના મૃતદેહને શોધી કાઠવામાં આવ્યો હતો. હાલ કંચનબેનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.
વડોદરામાં મગર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. મગરના રહેણાક વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેતવણી આપતા બોર્ડ પણ લગાવ્યા છે. તેમ છતાં પણ લોકો નદી-તળાવની નજીક જતાં હોવાથી મગરનો શિકાર બનતા હોય છે. અગાઉ હાલોલ વાઘબોડ ગામમાં એક પર્વત નાયક નામનો પશુપાલક પશુઓને ચરાવા માટે નિકળ્યો હતો, તે દરમિયાન તાડિયા ડેમમાં પાણી પીવા જતાં પર્વત પર મગરે હુમલો કર્યો હતો. પર્વતની પત્નીની નજરની સામે જ મગર પર્વતને પાણીમાં ખેંચી ગયો હતો. આ બનાવમાં પણ પર્વતનું મોત નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796