Saturday, July 13, 2024
HomeGujaratAhmedabadઅર્બન હિટ આઇલેન્ડ ઇફેક્ટ: ઉનાળામાં શહેરોમાં રહેવું વધુ કપરું બનશે?

અર્બન હિટ આઇલેન્ડ ઇફેક્ટ: ઉનાળામાં શહેરોમાં રહેવું વધુ કપરું બનશે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં મોટા ભાગના શહેરોમાં આ વખતે કાતિલ ગરમી પડી. લોકો ત્રાહિમામ્ પોકારવા લાગ્યા અને દેશભરમાં ગરમીના પ્રકોપથી (Heat Wave)મરાનારા લોકોની સંખ્યા અઢીસો સુધી પહોંચી છે. વિશ્વના મોટા મોટા શહેરોમાં પડતી આ ગરમી માટે એક નવી ટર્મથી ઓળખાય છે. આ ટર્મ છે : ‘અર્બન હિટ આઇલેન્ડ’. પહેલાં તો એ સમજી લઈએ કે આ ‘અર્બન હિટ આઇલેન્ડ’ છે શું? રાજ્યના અને દેશના મોટા ભાગના શહેરો ઝડપથી વિકસી રહ્યા છે. આ શહેરોમાં નવી-નવી ઊંચી ઇમારતો નિર્માણ પામી રહી છે, મસમોટાં બ્રિજ અને માર્ગ બની રહ્યા છે. નવાં વિસ્તારોમાં ઊભા થઈ રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંચી ઇમારતોના કારણે વૃક્ષોની સંખ્યા સતત ઘટી રહી છે. આ ઉપરાંત, શહેરોમાં ઠેરઠેર ફૂટપાથ છે અને પાર્કિંગ છે. સિમેન્ટની આ સરફેસ પર સૂર્યપ્રકાશને આખો દિવસ ઝિલે છે અને તેને શોષે છે. આ કારણે દિવસનું તાપમાન પણ વધે છે અને રાતરે પણ તાપમાન ઘટતું નથી, જેને ‘અર્બન હિટ આઇલેન્ડ’થી ઓળખાય છે.

urban heat island
urban heat island

પર્યાવરણની ઉપેક્ષા હવે આપણા માટે નવી વાત રહી નથી. સતત વિકાસની માનસિકતામાં રાચીને માણસજાત વધુ ને વધુ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. આ નુકસાન ભરપાઈ થઈ શકે એવું નથી, અને પરિણામે કુદરત તેનું અસહ્ય સ્વરૂપ દાખવે છે. આ વર્ષે ગરમીમાં અનુભવ સૌકોઈને થયો છે. બડબડતી ગરમી આપણે ત્યાં પડતી રહી છે, પરંતુ હવે તે અસહ્ય થઈ છે તેનું કારણ શહેરોમાં આડેધડ વિકાસ છે. શહેરો મોટા ને મોટા થઈ રહ્યા છે, તેમાં વાહનો વધ્યા છે. ઉપરાંત માર્ગ પહોળા થયા છે, ઇમારતો ગગનચૂંબી થઈ છે. આ ઇમારતોમાં એરકન્ડિશન્ડ જાણે આવશ્યક હોય તે રીતે તેની ડિઝાઈન થઈ રહી છે. ઇમારતોને વધુ સુંદર દેખાયના ખ્યાલથી તેમાં કાચનો ઉપયોગ વધ્યો છે. સૌથી અગત્યની વાત એ કે આ બધું છતાં જ્યારે ઇમારતોની આસપાસ આવશ્યક વૃક્ષો લગાડવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેમાં ગલ્લાંતલ્લાં થાય છે. આખરે પૂરા શહેરનું એવું સ્ટ્રક્ચર ઊભું થયું છે, જેમાં પર્યાવરણનો કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો નથી. આ પરિણામે આકાશમાંથી પડતી ગરમીને આખો દિવસ દરમિયાન આ બધા જ સ્ટ્રક્ચર શોષે છે અને જ્યારે રાત થાય છે ત્યારે તેમાંથી ગરમી રિલીઝ થાય છે, એટલે રાતરે પણ શહેરો ઠંડા પડતા નથી. આ ગરમીથી હવે તો મોત થઈ રહ્યા છે; તો પણ તેને અનુલક્ષીને આપણી પાસે કોઈ નીતિ નથી. સરકાર ‘વૃક્ષો વાવો’ એમ કહે છે પણ સામે પક્ષે ઇમારતોની ડિઝાઈન કેવી હોવી જોઈએ તેવી કોઈ ગાઇડલાઇન બહાર પાડતી નથી. હાલમાં થયેલી ચૂંટણીમાં બધાં જ મુદ્દાની ચર્ચા થઈ; પરંતુ પ્રજા જેનાથી આટલી હેરાનપરેશાન થઈ, બેહાલ થઈ, તેને લઈને કોઈ રાજકીય આગેવાને એકે શબ્દ સુદ્ધા બોલ્યા નથી. પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં પણ પર્યાવરણને સ્થાન અપાતું નથી.

- Advertisement -
urban heat cities
urban heat cities

એક સમય હતો જ્યારે શહેરની ગગનચૂંબી ઇમારતો અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને આશ્ચર્ય થતું. પરંતુ આજે ન્યૂયોર્ક, પેરીસ અને લંડન જેવાં શહેરો પણ અર્બન હિટ આઇલેન્ડ ઇફેક્ટથી બાકાત નથી. શહેરોમાં આ સમસ્યા વધવાની છે તેવું અનુમાન હવામાનશાસ્ત્રીઓ કરી રહ્યા છે, અને તેને નકારી પણ શકાય નહીં. કારણ કે શહેરોમાં ઓછા વિસ્તારોમાં વધુ ને વધુ માણસો ભવિષ્યમાં વધશે. ‘વર્લ્ડ બેન્ક’ મુજબ આજે વિશ્વની કુલ વસતીના 56 ટકા લોકો શહેરોમાં વસી રહ્યા છે. વર્ષ 2050 સુધી તો શહેરીકરણમાં સમાવિષ્ટ વસતીનો આંકડો 80 ટકા સુધી પહોંચવાનો છે! ભારતમાં શહેરી વસતીનો આંકડો 2020 સુધીનો 35 ટકાની આસપાસ છે. આજે પણ ભારતની 65 ટકા વસતી ગામડાંઓમાં વસે છે. પરંતુ ભારતમાં પણ આ આંકડો ઝડપથી વધી રહ્યો છે, 2030 સુધી ‘સંયુક્ત રાષ્ટ્ર’ના એક સરવેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારતનો આ આંકડો 40 ટકા સુધી પહોંચશે.

urban heat temperature
urban heat temperature

ગામડાંના લોકો શહેરમાં રહેવા આવે અથવા વધુ ને વધુ ગામડાંઓ શહેરોમાં સમાવિષ્ટ થાય તો તેની લાંબા ગાળાની અસર ઘાતકી છે. વિશેષ કરીને પર્યાવરણની રીતે. શહેરોની સગવડ મુજબ અહીંયા પાણીથી માંડિને અન્ય કુદરતી સંસાધનોની ડિમાન્ડ પહોંચાડવી પડકારભર્યું છે. બીજું કે સરેરાશ શહેરી ગ્રામિણ રહેવાસી કરતાં વધુ ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે. તે જ્યાં પણ હોય તો પ્રમાણમાં એરકન્ડિશન્ડ, કાર અને અન્ય સંસાધનોનો ઉપયોગ વધુ કરશે. તેની સીધી અસર પર્યાવરણ પર થાય છે. આ બધાનું પરિણામ અર્બન હિટ આઇલેન્ડમાં આવે છે.

શહેરી પર્યાવરણને ઇફેક્ટ કરનારાં એસીની જ વાત કરીએ તો ખ્યાલ આવી શકે કે એસીનો ઉપયોગ કેટલો ઘાતકી છે અને આગળ જતાં તે શહેરીજનોની શું સ્થિતિ લાવી શકે છે. અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ એસીનો ઉપયોગ કરનારો દેશ છે, તેથી એસીથ સર્જાયેલા પ્રશ્નો અહીંયા સૌને પજવી રહ્યા છે. અમેરિકામાં નેવું ટકા કરતાં વધુ ઘરોમાં એસી છે. એસીનું ચલણ અમેરિકામાં ચાળીસમાં દાયકામાં જ પ્રવેશી ચૂક્યું હતું અને પચાસનો દાયકો આવતાં આવતાં અહીંના 80 ટકા ઘરોમાં એસી ફીટ થઈ ચૂક્યા હતા. જોકે તે સમયે મોટા ભાગના ઘરોમાં એકાદ ખંડ એસીનો રહેતો હવે, તે અહીંના 85 ટકા ઘરોમાં સેન્ટ્રલ એસી સિસ્ટમ લાગી ચૂકી છે. અમેરિકામાં એસીનો વપરાશ કરનારા આ વર્ગના 30 ટકા લોકો અત્યંત ઠંડા પ્રદેશમાં વસે છે. અમેરિકાનો નાગરિક એ રીતે સૌથી વધુ વીજ વપરાશ કરે છે, અને તે વપરાશનો સૌથી મોટો હિસ્સો એસી ચલાવવામાં જાય છે. એક વર્ષમાં અમેરિકનો પોતાના ઘર, ઓફિસને ઠંડાગાર કરવા માટે જેટલો વીજનો વપરાશ કરે છે, તેનાથી પૂરા આફ્રિકા ખંડની એક વર્ષની વીજળની ખપત પૂરી કરી શકાય. આ કારણે અમેરિકામાં વીજ ઉત્પાદનમાં વધુ ને વધુ સ્ત્રોત શોધવા પડે છે. આ સિવાય એસીથી થતું પ્રદૂષણ આ નુકસાનને બમણું કરે છે.

- Advertisement -

અમેરિકાની જેમ જાપાનમાં પણ ઘરદીઢ એસીની સંખ્યા 90 ટકાની આસપાસ છે. દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા પણ એસીના મામલે અનુક્રમે 86 અને 63 ટકા ઘરોમાં એસી ધરાવે છે. પરંતુ હવે તેમાં ચીન અને ભારત જેવાં દેશો પણ આગળ વધી રહ્યા છે. ચીન વધુ વસતી ધરાવતો દેશ છે અને હવે અહીંયા 60 ટકાથી વધુ લોકો એસી વિના રહી શકતા નથી. ભારતમાં સરેરાશ ઘર એસી ધરાવવાની સંખ્યા હજુ દસ ટકા પહોંચી છે. અન્ય વિકસિત દેશોની સરખામણીમાં આ સંખ્યા ઓછી લાગી શકે, પરંતુ જે રીતે તેની રફ્તાર છે તે રીતે આગળ જતાં તેનાથી નુકસાન થવાની શક્યતા વધુ છે. આ વર્ષે જ આપણે ત્યાં કંપનીઓ એક કરોડથી વધુ એસી વેચાણ થવાનો અંદાજ રાખ્યો હતો.

એસી વિશે વિકસિત દેશોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેતા સંશોધકોએ વિસ્તૃત અભ્યાસ કર્યો છે અને તેની અસર કેટલી હોઈ શકે તે અભ્યાસ પરથી ખ્યાલ આવે છે. ‘યુનિવર્સિટી ઓફ ટોક્યો’ના સંશોધકોએ તાઈવાન દેશના તાઇપેઈ શહેરને આ અભ્યાસ માટે પસંદ કર્યું હતું, જ્યાં નેવું ટકાથી વધુ ઘરો એસીની સુવિધા ધરાવે છે. આ અભ્યાસથી સંશોધકોએ એ તારણ પર આવ્યા હતા કે તાઇપેઈ શહેરમાં એસીના કારણે એકથી બે ટકા જેટલું તાપમાન વધુ રહે છે. અમેરિકાના સ્ટેન કોક્સ નામના વૈજ્ઞાનિકે તો એસીનના ઘાતક અસરને લઈને ‘લુસિંગ અવર કુલ : અનકમ્ફર્ટેબલ ટ્રુથ અબાઉટ અવર એર કન્ડિશન્ડર્સ્ડ વર્લ્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. ઉપર જણાવેલા તમામ મુદ્દા સ્ટેને પોતાના પુસ્તકમાં સમાવ્યા છ. સ્ટેનના મતે એક સરેરાશ અમેરિકન ઘર એસીના કારણે એક વર્ષમાં 1500 કિ. ગ્રા. કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે. આ જ કારણે ગત્ પાંચ વર્ષ દરમિયાન અમેરિકાન તાપમાન સૌથી ગરમ રહ્યું હતું. રાતરે તો સ્થિતિ ઓર બદતર થાય છે, કારણ રાતરે એસી ચાલુ રહેવાથી બાહ્ય વાતાવરણને કુદરતી ઠંડક જાળવી રાખવાનો અવકાશ મળતો નથી.

આપણો દેશ પણ એસી ઉપયોગના મામલે આ જ માર્ગે છે. ઉપરાંત અન્ય ઉપર જણાવેલા પહોળા માર્ગો, ઊંચી ઇમારતો અને ઓછાં વૃક્ષોના કારણે વાતાવરણ ગરમ બની રહ્યું છે. આ મામલે ઝડપથી એક્શન નહીં લેવાય તો અર્બન હિટ આઇલેન્ડથી શહેરો ગરમીમાં વધુ ને વધુ જોખમી બનશે તેમાં કોઈ બેમત નથી. અને તેમાં સૌથી પહેલાં જોખમ એમની પર છે, જેમની પાસે ઠંડકમાં રહેવાની સગવડ નથી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular