કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે સાવ અજાણ્યા હસતીઓની બાયોગ્રાફીકલ ફિલ્મો નિર્માણ પામી રહી છે. હાલમાં આવેલી બે ફિલ્મો જેની ચર્ચા ખૂબ થઈ છે તેમાં એક ‘ચમકીલા’ છે. પંજાબના ગાયક અમરસિંઘ ચમકીલાના જીવન પરથી આ ફિલ્મ નિર્માણ પામી છે અને અમરસિંઘની સ્ટોરીમાં એ બધું જ છે, જે ફિલ્મ વાર્તામાં ઢળી શકે. અમરસિંઘ પંજાબમાં ખૂબ જાણીતાં બન્યા હતા અને તેમની સાથે ગાયિકા તરીકે તેમની પત્ની અમરજોત પણ રહેતી. જોકે, પંજાબનો એક વર્ગ તેમના વિરોધમાં હતો અને આખરે ચમકીલા અને તેમની પત્ની અમરજોતની સરેઆમ હત્યા થઈ. ચમકીલા અને તેમની પત્નીનો હત્યાનો કેસ આજદિન સુધી ઉકેલાયો નથી. જેમ ચમકીલાની સ્ટોરી આજે ફિલ્મના માધ્યમથી સર્વત્ર જોવાઈ રહી છે, તેવી એક અન્ય ફિલ્મ ‘શ્રીકાંથ’ (Srikanth)આવી રહી છે. શ્રીકાંથ એટલે શ્રીકાંથ બોલ્લા (Srikanth Bolla) અને તેની ભૂમિકા કરી રહ્યો છે રાજકુમાર રાવ. આ ફિલ્મ 10 મેના રોજ રિલિઝ થવા જઈ રહી છે, પરંતુ તેના ટ્રેઇલર અત્યાર ધૂમ મચાવી રહ્યું છે. શ્રીકાંથ બોલ્લા ઉદ્યોગસાહસિક છે અને તેઓ આંખે જોઈ શકતા નથી. તેમના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને ફિલ્મમાં દર્શાવાયા છે અને ફિલ્મની ટેગલાઈન છે : ‘આ રહા હૈ સબકી આંખે ખોલને’
વર્ષ 1991માં આંધ્ર પ્રદેશના સીધારામપુરમ્ ગામમાં જન્મેલા શ્રીકાંથ એક ખેડૂત પરિવારમાં જન્મ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં અને ઉપરથી આંખે ન દેખાય તેથી શ્રીકાંથનું જીવન શરૂઆતથી સંઘર્ષમય રહ્યું. શ્રીકાંથ તો શરૂઆતથી ભાળી ગયેલો કે તેને આજીવન સંઘર્ષ કરવો પડશે. પરંતુ ગામના લોકો તેના માતા-પિતાને હંમેશા શ્રીકાંથને ત્યજી દેવા માટે કહેતા. તેમનું માનવું હતું કે શ્રીકાંથને દેખાતું નથી તો તે કેવી રીતે વૃદ્ધાવસ્થામાં તમારી કાળજી રાખી શકશે. પરંતુ શ્રીકાંથના માતા-પિતા તેના ભવિષ્યને ઉજળું બનાવવા માટે સર્વત્ર આપવા તૈયાર હતા. શ્રીકાંથને માતા-પિતા તરફથી અઢળક પ્રેમ તો મળ્યો, પણ તેને અવ્વલ દરજ્જાનું શિક્ષણ મળે તે માટે ખાસ્સી જહેમત લીધી. અને એકસમયે એવો આવ્યો જ્યારે એક બ્લાઇન્ડ બોર્ડિંગ સ્કૂલમાં શ્રીકાંથને એડમિશન મેળવવા તેનો પરિવાર હૈદરાબાદ સ્થળાંતરીત થયો. શ્રીકાંથ જ્યાં ભણતો હતો તે શહેરમાં પરિવાર રહેતો હતો, પરંતુ સ્કૂલમાં અન્ય બાળકોની જેમ શ્રીકાંથે જાતે પગભર થવાનું હતું. અને તેણે આ દૃઢપણે માની લીધું એટલે જ ટૂંકા ગાળામાં જ તે સ્વિમિંગ શીખ્યો, ચેસ રમતા શીખ્યો અને સાથે સાથે ક્રિકેટ પણ રમતો. દૃષ્ટિ ન હોવા છતાં શ્રીકાંથ માટે કોઈ સપનું દૂર નહોતું. અભ્યાસમાં તેનું પ્રદર્શન સારું હતું અને તેથી તેણે અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે વિજ્ઞાન અને ગણિત વિષયમાં આગળ અભ્યાસ કરશે. દસમાની પરીક્ષા આપ્યા બાદ શ્રીકાંથ 12મા ધોરણમાં વિજ્ઞાન વિષય લેવા માંગતો હતો. પરંતુ શાળાએ તેને વિજ્ઞાનમાં પ્રવેશ આપવા ઇનકાર કર્યો. કારણ આપ્યું કે આ રીતે દૃષ્ટિ વિનાનો વિદ્યાર્થીને ડાયાગ્રામ અને ગ્રાફ વગેરે સમજવામાં ખાસ્સી મુશ્કેલી પડશે. શ્રીકાંથ સામે જે વિકલ્પ મૂકવામાં આવ્યા તેમાં આર્ટ્સના વિષય હતા. શ્રીકાંથને કોઈ પણ હિસાબે વિજ્ઞાન ભણવું હતું અને તેથી તેણે વિજ્ઞાન ભણવા મળે તેવી સ્કૂલમાં પ્રવેશ મળે તેવી કવાયત આદરી. પરંતુ એકેય સ્કૂલમાં તેને પ્રવેશ ન મળ્યો. આખરે શ્રીકાંથે ન્યાયાલયના દ્વાર ખટખટાવ્યા. તેના મદદે આવ્યા તેના શિક્ષક અને એક વકીલ. આંધ્ર પ્રદેશના હાઇકોર્ટમાં શ્રીકાંથ બોલ્લાએ એક અરજી દાખલ કરી કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવો જોઈએ. અને છ મહિનામાં જ શ્રીકાંથના પક્ષે ચુકાદો આવ્યો.
આ ચુકાદાનો લાભ દૃષ્ટિ ન ધરાવતાં તમામ વિદ્યાર્થીઓને થયો. આ રીતે શ્રીકાંથે સ્ટેટ બોર્ડમાં વિજ્ઞાન અને ગણિત વિષય લઈને પરીક્ષા આપી. અને સૌને આશ્ચર્ય થાય એટલાં 98 ટકા માર્ક્સ તેણે મેળવ્યા. શ્રીકાંથે પોતાની જાતને એક વખત સાબિત કરી દીધી એટલે તેની સામે બીજા પડકાર આવે નહીં એમ નહોતું. બારમાં ધોરણ પછી જ્યારે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’માં એડમિશન લેવાનું આવ્યું ત્યારે પણ તેની સાથે ભેદભાવ થયો. અને તેની દૃષ્ટિમર્યાદા ફરી પાછી પ્રવેશ માટે બાધારૂપ બની. જોકે શ્રીકાંથનો ધ્યેય નિર્ધારીત થઈ ચૂક્યો હતો. તેને કોઈ પણ હિસાબે એન્જિનિયરીંગમાં અભ્યાસ કરવો હતો એટલે તેણે ભારતમાં એડમિશન ન મળ્યું એટલે તેણે અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટમાં પ્રયાસ શરૂ કર્યા. આશ્ચર્ય થાય પણ અમેરિકાની શ્રેષ્ઠ કહેવાતી ચાર જેટલી ઇન્સ્ટિટ્યૂટમાં તેને પ્રવેશ આપવામાં આવ્યો. પહેલાં જ્યાં શ્રીકાંથને દેશમાં કોઈ એડમિશન આપવા તૈયાર નહોતું, હવે તેના માટે અમેરિકામાં શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવાના વિકલ્પ હતા. એ રીતે શ્રીકાંથે માસાચ્યુસેટ્સના ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’માં પ્રવેશ મેળવ્યો. અહીં પ્રવેશ મેળવીને શ્રીકાંથ અહીંયા પ્રવેશ મેળવવાનારો પ્રથમ દૃષ્ટિહિન વિદ્યાર્થી બન્યો. શિક્ષણ સાથે તે રમતગમતમાં પણ પોતાની જાતને નિખારતો રહ્યો અને એ રીતે શ્રીકાંથ ક્રિકેટ અને ચેસમાં દેશવતી રાષ્ટ્રીય કક્ષાએ રમ્યો.
આ રીતે શ્રીકાંથની કારકિર્દીના દ્વાર ઉઘડ્યા, પણ તે પછીય જે કરવા ધાર્યું હતું તે માટે સંઘર્ષ તો જારી રહ્યો. અમેરિકામાં શિક્ષણ લીધા બાદ ત્યાં શ્રીકાંથ માટે અનેક અવસરો હતા, પરંતુ તે ભારતમાં આવીને કોઈ ઇનોવેટિવ્સ આઇડિયા પર કામ કરવા માંગતો હતો. એટલે તે ભારત આવ્યો અને અહીંયા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે 2004ના વર્ષમાં શરૂ કરેલી એક પહેલમાં જોડાયો. આ પહેલમાં ‘લીડ ઇન્ડિયા – 2020’માં દેશમાંથી ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી નાબૂદ કરવાનો પડકાર હતો. આ પહેલમાં શ્રીકાંથ વર્ષ 2005માં યુથ લીડર બન્યો. આ રીતે શ્રીકાંથની સફર આગળ વધતી ગઈ અને તેણે 2011ના વર્ષમાં ‘સમનવાઈ સેન્ટર’ શરૂ કર્યું, જે સેન્ટરમાં દૃષ્ટિમર્યાદા ધરાવતાં બાળકોને કમ્પ્યૂટરની ટ્રેઇનિંગ મળે અને સાથે સાથે દૃષ્ટિમર્યાદા ધરાવતા હોય તેમના માટે એક ડિજિટલ લાઇબ્રેરી બનાવવાનો ખ્યાલ હતો. ત્યાર બાદ એક વર્ષ બાદ શ્રીકાંથે તેની બોલ્લાન્ટ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી. આ ઇન્ડસ્ટ્રીઝમાં વિકલાંગ અને દૃષ્ટિહિન લોકોને કામ મળે તેવી પ્રાથમિકતા રાખવામાં આવી હતી. શ્રીકાંથ આ સ્થિતિમાં આવ્યો તેમાં તેની અથાગ મહેનત તો હતી જ, પણ સાથે સાથે તેણે ધીરજયે રાખી હતી. શ્રીકાંથનું આ સાહસ આજે ખૂબ મોટું થઈ ચૂક્યું છે અને તે માટે તેમની વેબસાઈટ ‘બોલાન્ટ. કોમ’ પર પણ જઈ શકાય. આ કંપનીમાં શ્રીકાંથ બોલ્લાનું પદ ડિરેક્ટર અને સીઈઓ તરીકે છે. અને તેને મળેલા એવોર્ડથી બીજા બે લેખ આવાં થઈ શકે તેટલી લાંબી યાદી અહીં વેબસાઇટ પર જોવા મળે છે. શ્રીકાંથની કંપની ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ નિર્માણ કરે છે, જેમાં ખાણી-પીણીની ડિસ્પોઝેબલ પ્લેટ્સ, પેપર પ્લેટ્સ, પેપર કપ્સ, ફૂડ ટ્રે જેવી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટમાં શ્રીકાંથે ઘણું ઇનોવેશન કર્યું છે અને તેની કંપની ખૂબ ટૂંકા ગાળામાં મોટી બની છે. એટલે જ 2021ના વર્ષમાં શ્રીકાંથને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યંગ ગ્લોબલ લીડર્સ તરીકે સન્માનવામાં આવ્યો હતો. શ્રીકાંથના જીવનનું એક સીમાચિહ્ન ત્યારે આવ્યું જ્યારે તેણે 2022માં લગ્ન કર્યા. હવે તે એક બાળકીનો પિતા છે. આ ફિલ્મ ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ થઈ રહી છે અને જોગાનુજોગ જ્યારે શ્રીકાંથ અભ્યાસ કરતો હતો ત્યારે ટી-સિરીઝની કેસેટ દ્વારા તેનો અભ્યાસ થતો હતો. એટલે શ્રીકાંથે હાલમાં આપેલી એક મુલાકાતમાં ગુલશન કુમાર અને તેમના પરિવારનો આભાર માન્યો હતો. શ્રીકાંથની કંપની આજે ધમધોકાર ચાલી રહી છે અને તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારી સંભાળી રહ્યાં છે. શ્રીકાંથનું જીવન એવું છે કે તેનાથી કોઈની પણ આંખ ઉઘડી શકે. અને તેમાંથી પ્રેરણા લઈ શકે જીવનમાં કશુંય અશક્ય નથી તેવું શ્રીકાંથે પુરવાર કર્યું છે અને હજુ તેની ઉંમર 33 વર્ષ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796