Monday, September 9, 2024
HomeGeneralબિસ્તરા પોટલા લઈને જ આવજો, ઓર્ડરને અવગણવા બદલ સુપ્રિમ કોર્ટ IPS પર...

બિસ્તરા પોટલા લઈને જ આવજો, ઓર્ડરને અવગણવા બદલ સુપ્રિમ કોર્ટ IPS પર લાલઘૂમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ન્યાય વ્યવસ્થા એક સ્વતંત્ર વ્યવસ્થા છે. કોર્ટે કરેલા હુકમનો અનાદર કરવાની કોઈની પાસે કોઈ જ સત્તા નથી. પછી તે દેશના વડાપ્રધાન જ કેમ ન હોય. પોલીસ આરોપીને કોઈ આરોપસર પકડે છે અને આરોપી કોર્ટ પાસે જાય ત્યારે કોર્ટ આરોપી સામેના પુરાવા વગેરે બાબતો ધ્યાને લઈ જામીન મંજૂર કરે છે. પછી તે પોલીસના તાબામાં નથી. કેમ કે કોર્ટે તેને જામીન આપ્યા છે. પણ સુરતમાં (Surat) એક IPS અધિકારીએ આરોપી પાસે કરોડો રૂપિયાની માગણી કરવાના અને કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ સુપ્રીમ કોર્ટ (Supreme Court) IPS અધિકારીને બિસ્તરા પોટલાં સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના બિઝનસમેન તુષાર શાહ સામે છેતરપીંડીના આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. તુષાર શાહ તેમની સામે થયેલી ફરિયાદ અને આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તુષાર શાહના શરતી જામીન મંજૂર કર્યા હતા. પણ ખાસ વાત એ છે કે, તુષાર શાહના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા હોવા છતાં સુરત પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લીધા અને ટોર્ચર કરી કથિત રીતે દોઢ કરોડની માગણી કરી હતી. તુષાર શાહ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને પોલીસે સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરી ટોર્ચર કરવાની રજૂઆત કરી હતી.

- Advertisement -

તુષાર શાહ વતી વરિષ્ઠ એડ્વોકેટ ઇકબાલ સૈયદ અને મોહહમદ અસલમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તુષારને સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન આપ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે (Surat Police) નીચલી કોર્ટ પાસે આરોપી તુષારના રિમાન્ડની માગણી કરી અને નીચલી કોર્ટના મેજીસ્ટ્રેટે રિમાન્ડ મંજૂર કર્યા. એટલે કે તુષાર શાહને આગોતરા જામીન મળ્યાના ચાર દિવસમાં એટલે કે, 13 ડિસેમ્બરના રોજ ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા. 16 ડિસેમ્બર સુધી તેમને કસ્ટડીમાં રાખવામા આવ્યા હતા.

વધુમાં તુષાર શાહના વકીલે પોલીસ પર આરોપ મૂકાતા સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, કસ્ટડીમાં તેમના અસીલ તુષાર શાહને ત્રાસ આપવામાં આવ્યો અને દોઢ કરોડની માગણી પણ કરવામાં આવી. ઉદ્યોગપતિના વકીલે અદાલતના તિરસ્કારની કરેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના અધિકારી અને સુરતના IPS અધિકારીઓને સણસણતા સવાલો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશનર એ. કે. તોમર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર અને ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને નોટિસ પાઠવી હતી.

નોટિસમાં પુછાયું છે કે, સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને સંદીપ મહેતાની સુપ્રિમ બેંચ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટના વર્તન પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે, આ જાણી જોઈને કરવામાં આવ્યું છે જેના માટે તેમને છોડી શકાય નહીં અને ટોચથી શરૂ કરીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કરાયેલી અરજી પણ કોર્ટનો તિરસ્કાર છે અને નીચલી કોર્ટે આપેલી ચાર દિવસની કસ્ટડી પણ ગેરકાયદેસર છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનની કસ્ટડીના CCTV માગ્યા હતા, જ્યાં તુષાર શાહને રાખવામાં આવ્યા હતા પણ સુરત પોલીસ આપી શકી ન હતી. પોલીસ વતી રાજ્ય તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ બિનશરતી માફીની ઓફર કરી હતી. પરંતુ ખંડપીઠે આમ કરવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. સુપ્રીમે કહ્યું કે, એ ચાર દિવસ દરમિયાનના જ CCTV નથી એનો અર્થ એ કે આ બધું ઈરાદાપૂર્વક જ થયું છે. સુરત ડાયમંડ હબ છે અને દેશનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. આવી સ્થિતિમાં CCTV કેમ નથી?

સુપ્રીમે આકરું વલણ અપવાનીને કહ્યું હતું કે, આ કોઈ રીતે ચલાવી નહીં લેવાય. સુરતના પોલીસ અધિકારીઓએ હાજર થવું પડશે અને તેમણે બિસ્તરા-પોટલાં લઈને જ આવવું પડશે, બની શકે કે સીધા જેલમાં પણ જાય.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular