નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ચૂંટણી બોન્ડ યોજના (Electoral Bonds)ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી છે. ચૂંટણી વર્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવતા કેન્દ્ર સરકારને માટે મોટો ઝટકો લાગી શકે છે. કોર્ટે કહ્યું કે, “કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ કાયદાની વિરુદ્ધ છે.” ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સૂચનાઓ જારી કરીને કહ્યું હતું કે, “સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા અત્યાર સુધી આપેલા યોગદાનની તમામ વિગતો 06 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી પડશે.” કોર્ટે ચૂંટણી પંચને 13 માર્ચ સુધીમાં તેની વેબસાઈટ પર માહિતી શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ચુકાદો સંભળાવતી વખતે CJI ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે, “અમે સર્વસંમતિથી આ નિર્ણય પર પહોંચ્યા છીએ. મારા નિર્ણયને જસ્ટિસ ગવઈ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ ટેકો આપ્યો છે. તેમાં બે મંતવ્યો છે, એક મારો પોતાનો છે અને બીજો તે છે જસ્ટિસ સંજીવ ખન્નાનાનો. બંને એક જ નિષ્કર્ષ પર પહોંચે છે, જો કે તર્કમાં થોડો તફાવત છે.”
ચુકાદો આપતા CJIએ કહ્યું કે, “કાળા નાણાને અંકુશમાં લેવા માટે ચૂંટણી બોન્ડ સિવાય અન્ય માધ્યમો છે. કાળા નાણાને અંકુશમાં લેવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. બંધારણ આ બાબત પર આંખ આડા કાન કરી ન શકે, માત્ર એટલા માટે કે આ યોજનાનો દુરુપયોગ થઈ શકે.”
બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. ખંડપીઠે ગયા વર્ષે 31 ઓક્ટોબરે કોંગ્રેસ નેતા જયા ઠાકુર, CPI અને NGO એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરાયેલી ચાર અરજીઓની સુનાવણી શરૂ કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો, જ્યારે આજે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ યોજનાને રદ કરી હતી.