કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): યોગેન્દ્ર યાદવની હાલની ઓળખ ‘સ્વરાજ ઇન્ડિયા’ નામના રાજકીય પક્ષના અધ્યક્ષ તરીકેની છે, પરંતુ યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભારતીય રાજનીતિના અભ્યાસુ રહ્યા છે. ચૂંટણી વિશ્લેષક તરીકે તેઓ હંમેશાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી-પરિણામોના દિવસે સ્ટુડિયોમાં દેખાતા હતા. હવે તેમની ભૂમિકા બદલાઈ છે અને હવે તેઓ લોકો વચ્ચે વધુ જોવા મળે છે. લોકો વચ્ચે રહીને તેમણે પોતાની રાજકીય ભૂમિકા ભજવી, સાથે-સાથે તેમણે ચૂંટણીને વિશ્લેષક તરીકે પણ જોઈ-સમજી. આ ચૂંટણીમાં મોટાં મોટાં મીડિયા હાઉસ દ્વારા થયેલાં એક્ઝિટ પોલ સાવ ખોટાં પડ્યા ત્યારે યોગેન્દ્ર યાદવે ઓછાં સંસાધનો સાથે કરેલું અનુમાન સાચું પડ્યું છે. યોગેન્દ્ર યાદવ અત્યારે તમામ મીડિયા એક જ પ્રશ્ન પૂછી રહ્યું છે કે તેઓએ આ સટીક અનુમાન કેવી રીતે લગાવ્યું? યોગેન્દ્ર યાદવ આ પ્રશ્નોના જવાબ વિનમ્રતાથી તેમની શૈલી મુજબ આપી રહ્યા છે. તેમણે ચૂંટણી દરમિયાન દેશમાં અનેક હિસ્સામાં ભ્રમણ કર્યું અને લોકો સાથેની વાતચીત દરમિયાન તેઓ એ વાત કળી ગયા હતા કે આ વખતે ભાજપ માટે સત્તા મેળવવાનું સહેલું નથી. એટલું જ નહીં, મોદીની છબિનું પણ ધોવાણ થઈ રહ્યું છે તે અંગે પણ યોગેન્દ્ર યાદવ અનુમાન કરી ચૂક્યા હતા. આ ચૂંટણી દરમિયાન યોગેન્દ્ર યાદવના કેટલાંક આવાં સટીક નિરીક્ષણો કર્યા હતા, તે જોઈ જવા જોઈએ.
‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર તેમણે ચૂંટણીના પાંચમાં તબક્કા પહેલાં યોગેન્દ્ર યાદવે, શ્રેયસ સરદેસાઈ અને રાહુલ શાસ્ત્રી સાથે મળીને એક લેખ લખ્યો છે, જેમાં તેઓ લખે છે : “ડબલ એમ [મરાઠી માનુષ ઔર મુસ્લિમ]નું ગઠબંધનનું ચિત્ર આ વખતે સુસંગત લાગી રહ્યું છે અને મુંબઈની છ બેઠકમાંથી પાંચ બેઠકો આ સમીકરણને આભારી થશે. મરાઠી અને મુસ્લિમોના ગઠબંધનને સ્થાયી રાખવાનું કાર્ય ઉદ્ધવ ઠાકરેની પ્રામાણિકતા અને ઉદાર નેતાની છબિ કામ કરી રહી છે. 2019થી 2022 દરમિયાન ઉદ્ધઠ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા તે ગાળાને લઘુમતિ સમાજે કથની અને કરનીની રીતે ન્યાયી અને ભેદભાવરહિત માન્યો છે. મુંબઈમાં મોટા ભાગના વિધાનસભ્ય અને રાજકીય કાર્યકર્તા ઉદ્ધવ-સેનાની તરફેણ કરી રહ્યા છે. પરિણામે ઉદ્ધવ ઠાકરેના પક્ષને અહીંની બેઠકો પર જીત મળશે અને ‘ઇન્ડિયા’ ગઠબંધનની તે જીત કહેવાશે.” મુંબઈની કુલ છ બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ત્રણ બેઠકો મળી છે, એક કોંગ્રેસને મળી છે. બીજી બે ‘એનડીએ’ ગઠબંધનને. તેમાં એક બેઠક ભાજપની છે અને બીજી શિંદેની શિવસેનાની. ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી બે વર્ષ પહેલાં શિવસેના પક્ષ જતો રહ્યો હતો અને તેમના મોટાં ભાગના વિધાનસભ્યો શિંદેની શિવસેનામાં સામેલ થઈ ચૂક્યા હતા. ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ તે વેળાએ દયનીય લાગતી હતી, પરંતુ તેમનું ફરી કમબેક થયું છે અને આ કમબેકનું અનુમાન યોગેન્દ્ર યાદવ લગાવી ચૂક્યા હતા.
યોગેન્દ્ર યાદવે ચૂંટણી દરમિયાન જે પ્રવાસ કર્યા છે ત્યારે જોયેલી સ્થિતિ આલેખી છે. 19 એપ્રિલના રોજ તેમણે ‘મોદી કે જાદૂ કી મિયાદ પૂરી હો ગઈ – યહ માનને વાલે ભી કહતે હૈ કિ- આયેગા તો મોદી હી’ આ મથાળેથી લેખ લખ્યો છે. યોગેન્દ્ર યાદવ આ લેખમાં લખે છે : “પ્રવાસ દરમિયાન અમે જ્યાં પણ ગયા અને ત્યાં એ અનુભવ્યું કે મોદી લોકોના નજરથી ઊતરી ગયા છે, બલકે ગાયબ થઈ ચૂક્યા છે. બેશક, સરવે નરેન્દ્ર મોદીને પોતાના પ્રતિસ્પર્ધીઓથી ઝાઝા અંતરેથી આગળ મૂકે છે. અમારા પ્રવાસ દરમિયાન અમારી પણ મોદી-ભક્તો સાથે ભેંટ થઈ. પરંતુ સમગ્ર ચિત્ર જોઈએ ત્યારે એક એ ખ્યાલ આવે કે તમામ પાયાના મુદ્દાએ બાજુએ રાખીને મોદીની છબિ દિમાગમાં છવાય તેવી શક્યતા ઓછી છે. તેમની છબિ ધૂંધળી થઈ ચૂકી છે, લાંબા સમયથી દબાયેલા મુદ્દા હવે સામે આવી રહ્યા છે.” ભાજપની નબળાઈ આ રીતે દર્શાવવામાં આવી રહી છે કારણ કે તેમના દાવાઓ બુલંદ હતા. ચારસો પારની વાતો હતી. ઘણી વખત હારનાર પક્ષની ખેલદીલીની પણ વાત થાય, પરંતુ ભાજપના પક્ષે એ સંભવ નથી.
આગળ યોગેન્દ્ર યાદવ લખે છે “શાસક પક્ષની બોલતી બંધ કરવામાં મુદ્દાઓની કોઈ કમી નહોતી. લોકોને સૌથી પરેશાન કરનારી બાબત બેરોજગારી હતી. બેરોજગારી પ્રશ્ન આવે અને લોકોની પીડા તુરંત સામે આવતી હતી. ભાજપના ભક્તો સુધ્ધા પક્ષની વાહવાહી કરતાં ભાષણ કરતા હોય અને તેમને બેરોજગારી પર પ્રશ્ન પૂછવામાં આવે તો તેમની પાસે પણ કોઈ જવાબ નહોતો. તમે કોઈ ભોળા, વિશ્વાસુ શ્રોતાને – ચીનને આપણે તેનું માપ દેખાડી દીધું – એ ખોટાં સમાચારથી કોઈ કટ્ટર સમર્થકોનાં આંખે પટ્ટી ચઢાવી શકો, પરંતુ તેમનાથી બેરોજગારીનો મુદ્દો છુપાવવો મુશ્કેલ છે. અગ્નિવીર યોજના નોટબંદી જેવી જ સાબિત થઈ છે. ભાજપના પક્ષમાં પ્રજામત તૈયાર કરનારાં વાયદા-વીરો હવે આ યોજનાની તરફેણનું સાહસ જરાસરખું કરતા નથી. મોંઘવારીનો મુદ્દો પણ પ્રજા માટે પીડાદાયી છે. બેશક, પ્રજાનો જરૂરિયાતમંદ હિસ્સો વડા પ્રધાન મોદીના નિયમિત અને વિનામૂલ્ય રાશન ઉપલબ્ધ કરાવવાની યોજનાને શ્રેય આપે છે. પરંતુ તેમનું દુઃખ આ રાશનથી માત્ર હલ નથી થતું તેવું કહેનારો વર્ગ પણ છે. આ ઉપરાંત ખેડૂત વર્ગમાંથી મહદંશે સૌ કોઈ એ વાત પર સહમત થયા કે ખેડૂતોના કષ્ટો દૂર કરવા માટે સરકારે કશુંય કર્યું નથી. લોકો કહે છે કે 6000ની સહાય તેમના માટે નજીવી છે – તેનાથી ખાતર અને ડિઝલના વધેલા ભાવની ભરપાઈ પણ નથી થઈ શકતી.”
ટેલિવિઝન સ્ટુડિયોમાં જ્યાં રોજેરોજ ચૂંટણીની ચર્ચા થાય છે, ત્યાં આ રીતે વિશ્લેષણ ઓછું સાંભળવા મળે છે. યોગેન્દ્ર યાદવ અને જૂજ પત્રકારો આ જમીની સ્તરની વાતો મુખ્યધારાની મીડિયામાં લાવી શક્યા છે. આગળ યોગેન્દ્ર યાદવ લખે છે : “લોકોની ચિંતાની યાદીમાં અયોધ્યા મંદિરનો મુદ્દો ગાયબ છે. કોઈએ પણ ચૂંટણીને અનુલક્ષીને અયોધ્યાના રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની વાત ન કરી. તમે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સફળતા માટે લોકોથી વિગતે વાત કરવામાં આવે તો ભાજપના સમર્થક અયોધ્યા મંદિરનો ઉલ્લેખ કરે છે – જોકે આ મુદ્દો શરૂઆતી સંવાદમાં નથી આવતો. બલકે તે પહેલાં વિશ્વના મંચ પર ભારતની છબિ જે રીતે વડા પ્રધાને ઘડી છે અને 370 કલમ હટાવવાની વાત આવે છે. આ પ્રવાસ દરમિયાન અનેક ઠેકાણે પ્રામાણિક અને સાચી અભિવ્યક્તિ સાંભળવા મળી જતી હતી. એક યુવા આદિવાસી મતદાતાએ વેધક સ્વરમાં કહ્યુ : ‘પ્રજાને મંદિરમાં મોકલી રહ્યા છો અને જેમનું સ્થાન મંદિરમાં હોવું જોઈએ તેમને પોલિટિક્સમાં લાવી રહ્યા છો’”
યોગેન્દ્ર યાદવના બધા જ અનુમાન સાચા પડ્યા હોય તેમ નથી. બિહારમાં તેમની ગણતરી સાચી નથી રહી. અન્ય કેટલીક અન્ય બેઠકોમાં પણ તેમનાં અનુમાન સાચા નથી પડ્યા. જોકે તેમ છતાં તેમણે જે આખરી આંકડો કહ્યો હતો તેના નજીક ભાજપને બેઠકો મળી છે. તેમણે લોકો સાથેના સંવાદમાં કેટલીક વાતો નોંધી તેમાં એક મુદ્દો ‘એનડીએ’ સરકારની તાનાશાહી પણ હતી. આ અંગે યોગેન્દ્ર યાદવ લખે છે : “તાનાશાહીનો ઉલ્લેખ લોકોથી મેં એટલી વાર સાંભળ્યો જેટલો પાછલા ચાર દાયકા સુધી નહોતો સાંભળ્યો. લોકો ગોદી મીડિયાની વાત કરતા હતા. તેઓ વિપક્ષી સરકારોને હેરાફેરીથી તોડી પાડવી, પક્ષ બદલવા માટે મજબૂર કરવા, અરવિંદ કેજરીવાલને જેલની વાતો તાનાશાહીના આધાર રૂપે મૂકતા હતા. ‘વોશિંગ મશીન બીજેપી’ની વાત હવે સર્વત્ર ચર્ચામાં છે. ઇડી અને સીબીઆઈની પણ વાત ગ્રામિણ તબકા સુધી પહોંચી ચૂકી છે.”
આખરે આ લેખમાં સટીક રીતે યોગેન્દ્ર યાદવ લખે છે : “દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી લોકોના મનમાં જે ધારણા બની હતી, તેનો લોકાના વ્યક્તિગત અનુભવ સાથે કોઈ મેળ બેસતો નથી. સામાન્ય રીતે એ જ સાંભળવા મળ્યું કે, ‘પાછલા પાંચ વર્ષમાં મારી અને મારા પરિવારની સ્થિતિ ખરાબ થઈ છે, પરંતુ દેશ આગળ વધી રહ્યો છે’ અને એક વાત એ પણ છે કે લોકોની વ્યક્તિગત અને સામૂહિક પસંદગીમાં અંતર છે. સામાન્ય રીતે ભારતીય મતદાતા એમ માનીને ચાલે છે કે જે ઘોડા પર તે દાવ લગાવે છે તે જ ઘોડાદોડમાં જીતી રહ્યો છે. પરંતુ આ વખતે અનેક મતદાઓએ કહ્યું હતું કે તેઓ ભાજપને મત નહીં આપે અને અમારો પરિવાર કે અમારું ગામ ભાજપને મત નથી આપવાના. પણ આખરે સૌના મોઢે નારો તો એક જ હતો ‘લેકિન આયેગા તો મોદી હી’.” યોગેન્દ્ર યાદવ ચૂંટણી દરમિયાન અનેક એવી વાતો લખી છે, જે સાચી પડી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796