પ્રશાંત દયાળ (શિવા. ભાગ-13): ભરત દેસાઈ અને મારી સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ ચૂકી હતી. હાઇકોર્ટના કાઉન્સીલરની સલાહ હતી કે, અમને હાઇકોર્ટ આગોતરા જામીન ન આપે ત્યાં સુધી અમારે પોલીસ ધરપકડથી બચવા ગુજરાતની બહાર જતા રહેવું. મારી પર આ કંઈ પહેલો કેસ નહોતો. અગાઉ ઘણા કેસ થયા હતા, પણ આ પ્રકારનો ગંભીર ગુનો પહેલી વખત નોંધાયો હતો. એ પણ સ્પષ્ટ હતું કે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા (Times of India) જેવાં રાષ્ટ્રીય અખબાર સામે અમદાવાદ પોલીસ કમિશ્નરે (Ahmedabad Police Commissioner) ફરિયાદ નોંધાવી, તેની પાછળ પરોક્ષ રીતે ગુજરાત સરકાર હતી. આખરે અમારે ગુજરાત છોડવાનો નિર્ણય થઈ ગયો. મેં ઘરે ફોન કરી શિવાનીને (Shivani Dayal) મારી બેગ તૈયાર રાખવા જણાવ્યું. હું ઘરે પહોંચ્યો, શિવાનીનો ચહેરો ગંભીર હતો. ડ્રોઇંગરૂમમાં રહેલા સોફા પર મારી બેગ તૈયાર હતી. મને શિવાનીનાં મનમાં ચાલી રહેલી વાત સમજાઈ નહીં. મારે તરત નીકળવાનું હોવાથી મેં બેગ લીધી અને બહાર નીકળતાં કહ્યું, “ધ્યાન રાખજે.”
મારી પીઠ તરફથી મને શિવાનીનો અવાજ સંભળાયો, “હવે કોઈની વિરુદ્ધ લખતા નહીં.”
ઘરબહાર જઈ રહેલા મારા પગ અટકી ગયા! મને લાગ્યું, શિવાનીને હવે ડર લાગી રહ્યો છે. હું પાછળ ફર્યો. તેની આંખોમાં ભારે નારાજગી હતી. મેં પુછ્યું, “શું?”
તેણે કહ્યું, “લખીને ભાગી જાય એવો ઘરવાળો મને પસંદ નથી!”
મેં સ્પષ્ટતા કરતાં કહ્યું, “મારે તો નથી જવું, પણ ઑફિસની સૂચના છે એટલે…”
તેણે સામે પ્રશ્ન કર્યો, “કેમ? તમે બળાત્કાર કર્યો છે?”
હું તેની સામે જોઈ જ રહ્યો. તેના અવાજમાં થોડી મૃદુતા આવી. તેણે મને કહ્યું, “તમે જે કામ કરો છો તેનું મને અભિમાન છે. મારો પતિ ડરપોક થઈ જાય તે મને જરા પણ મંજુર નથી. જેલમાં જવું પડે તો જેલમાં પણ જવાનું; ડરવાનું નહીં.”
મેં તેના ખભા પર હાથ મૂક્યો. તેને થેંક્સ કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નહોતા. ગજબની તાકાત અને હિમ્મત હતી એનામાં! મેં કહ્યું, “હવે તું કહે છે તેનું ધ્યાન રાખીશ. પણ આજે જવું પડશે.”
હું અને ભરત દેસાઈ ગુજરાત બહાર જવા નીકળ્યા. અમારી સાથે અમારા સાથી પત્રકાર આશિષ વશી અને ભરત યાજ્ઞિક પણ હતા. અમને સલામતી લાગી તેવા ગુજરાત બહારના વિસ્તારમાં રોકાયા. બીજા દિવસે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજીની અરજન્ટ સુનવણી થવાની હતી. રાત્રે મનમાં થોડોક ઉચાટ પણ હતો. કારણ કે શિવાની અને બાળકો એકલાં હતાં. સલામત સ્થળે પહોંચ્યા પછી એક સંદેશાવાહકને ઘરે મોકલી શિવાનીને સંદેશ કહેવડાવ્યો કે, અમારે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી ગયા છીએ.
સવારે ઉઘડતી કોર્ટમાં અમારી અગોતરા જામીન અરજીની સુનવણી થઈ. પ્રાથમિક સુનવણી થતાં જ હાઇકોર્ટે અમને અગોતરા જામીન આપી દીધા. જામીનના સમાચાર મળતાં અમે તરત અમદાવાદ આવવા રવાના થયા. હજી અમદાવાદથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર હતા ત્યારે અમદાવાદ ઑફિસથી ફોન આવ્યો કે, પોલીસ કમિશ્નર ઓ. પી. માથુરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બીજી રાજદ્રોહની ફરિયાદ નોંધાવી છે. અમને સમજાઈ રહ્યું હતું કે, હવે રમત ભારે થઈ રહી છે. કારણ કે માથુર પોતે કમિશ્નર હતા અને પોતે જ ફરિયાદ આપી રહ્યા હતા. આમ, ઘર મામાનું અને એમાં પિરસનારી મા હોય; તેવો ઘાટ હતો!
હજી અમારે અમદાવાદ બહાર જ રોકાઈ જવું; ઑફિસેથી તેવી સૂચના મળી. કારણ કે હવે બીજા કેસમાં પણ આગોતરા જામીન લેવાના હતા. આ દરમિયાન મારા ઘરે સંદેશાની આપ–લે કરનારા મિત્રએ સમાચાર આપ્યા કે, રાતના સમયે મારાં ઘરે પોલીસના ધાડેધાડા આવે છે અને ઘર ચેક કરવું છે; તેવું કહી ઘર ચેક કરે છે, પણ શિવાની મક્કમ છે. પોલીસની આ ડરાવવાની રીતથી તેને કોઈ ફેર પડતો નથી.
હું ગુજરાત બહાર હતો અને પોલીસ ડરનો માહોલ ઊભો કરવા મોડી રાતે મારાં ઘરે આવતી હતી. મેં મારાં પડોશીઓ સાથે પણ વાત કરી. તેઓ પણ શિવાનીની હિમ્મત પર આફરીન હતા. તેને જરા પણ ડર લાગતો નહોતો. અમે બીજા દિવસે જામીન મળે તેની રાહ જોતા હતા. બીજા દિવસે તેવું જ થયું, અમને હાઇકોર્ટે બીજા કેસમાં પણ આગોતરા જામીન આપ્યા. અમે ફરી અમદાવાદ તરફ પાછા ફરીએ, ત્યાં સંદેશો મળ્યો કે, માથુરે ત્રીજો કેસ કર્યો છે! આમ એક પછી એક, સળંગ છ દિવસ સુધી રોજ એક રાજદ્રોહની ફરિયાદ અમારા પર કરવામાં આવી.
હવે સમજાઈ રહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઘણા સમયથી અમારાથી નારાજ હતા. કારણ કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જે પ્રકારે રિપોર્ટિંગ કરી રહ્યું હતું, તે કોઈપણ રાજનેતાને કઠે તેવું હતું. નરેન્દ્ર મોદીના શબ્દકોશમાં તો માફી શબ્દ જ નથી એટલે લડાઈ લાંબી ચાલવાની હતી. આખરે તમામ કેસમાં આગોતરા જામીન મળ્યા પછી અમે અમદાવાદ પાછા ફર્યા હતા.
આ દિવસોમાં શિવાનીએ હિમ્મતપૂર્વક ઘરનો મોરચો સંભાળી રાખ્યો હતો. મારી આઈ અને ભાઈનું ઘર નજીક જ હતું. મારી આઈએ શિવાનીને કહ્યું હતું કે, તું છોકરાઓને લઈ અમારી પાસે આવતી રહે. ત્યારે શિવાનીએ જવાબ આપ્યો હતો કે, હું ત્યાં આવી જઈશ; તો સરકાર કહેશે કે, પ્રશાંત અને તેનો પરિવાર ભાગી ગયો! મારે આવવું નથી, કારણ કે અમારે ભાગવું નથી. શિવાની અને મારી વચ્ચે લાખ ઝઘડા હોય, પણ કોઈ મારી સામે આંખ ઊંચી કરે તો શિવાની જગદંબાનું સ્વરૂપ ધારણ કરી લેતી. અમારાં જીવનમાં સંઘર્ષ હતો એટલે પ્રેમ પણ હતો. પૈસા ભલે ઓછા હતા, પણ ઓછા પૈસામાં પણ અમે મઝા કરી! તેની નાની નાની યાદો પણ ઘણી છે.
મારી ઑફિસ અમદાવાદના આશ્રમરોડ પર હતી. મારી ઑફિસથી માત્ર એકસો મીટર દૂર ચાર થિએટર હતાં. સવારે આકાશ અને પ્રાર્થના સ્કૂલે જાય એટલે હું અને શિવાની મોર્નિંગ શૉમાં ફિલ્મ જોવાં નીકળી જતાં. શિવાનીને ફિલ્મ જોવી ખૂબ ગમતી પણ મોર્નિંગ શૉમાં તેને સંકોચ થતો હતો. કારણ કે એ શૉમાં મોટાભાગે કૉલેજનાં છોકરા–છોકરી કૉલેજ બંક કરી થિએટરમાં આવતાં. તેમને પડદા ઉપરની ફિલ્મ કરતાં પોતાની ફિલ્મમાં વધારે રસ રહેતો. આ બધું જોઈ શિવાની શરમાઈ જતી અને મને કહેતી, જૂઓ, આપણી ઉંમરનાં કોઈ નથી અહીંયાં. હું હસી પડતો.
હું ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં રહ્યો ત્યાં સુધી અમે ખૂબ ફિલ્મ જોઈ. અમારી પાસે ખૂશ થવા માટે નાનાં નાનાં ઘણાં કારણ હતાં. આશ્રમ રોડ પર ત્યારે નટરાજ સિનેમા હતું. ત્યાં સૉફ્ટી આઇસક્રીમ અને થિંક શેક મળતો હતો. અમે આઇસક્રીમ ખાવા અઠવાડિયામાં એક વાર તો અચૂક ત્યાં જતાં. જ્યારે પણ આપણે જીવનની તકલીફ વિશે વાત કરીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે, આપણી પાસે સારી ઘટનાઓ અને સારી યાદોનો ખજાનો હોય છે.
બીજી તરફ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં મારી બેટિંગ ચાલું જ હતી. 2007માં નરેન્દ્ર મોદી ફરી ચૂંટાઈ આવ્યા. અમારી પરના રાજદ્રોહના કેસ હજી ઊભા હતા. અમારી ફરિયાદ રદ થાય તેવી અમારી અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે અમિત શાહની એક મીટિંગ થઈ હતી. જેમાં મારી ઉપર આરોપ હતો કે, મેં મલીન ઇરાદે આ બધી સ્ટોરી કરી છે. જો ટાઇમ્સ મને નોકરીમાંથી રુખસદ આપે તો સમાધાન શક્ય હતું.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








