પ્રશાંત દયાળ (શિવા. ભાગ-12): હું દિવ્ય ભાસ્કરમાં જ હતો. આ દરમિયાન હું જેને મોટી નહોતો ગણતો, તેવી ઘણી ઘટનાઓ અને સ્ટોરી મારા દ્વારા થઈ હતી. 2002થી 2006 વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) પોલીસ એન્કાઉન્ટરનો દૌર શરૂ થયો હતો. આ તમામ ઘટનાઓ વખતે… પોલીસના આ એન્કાઉટર કેમ બનાવટી છે? તેનો તર્ક મારી પાસે હતો. તે અંગેની સ્ટોરી હું લખતો. સ્વભાવિક છે કે, આ બધી સ્ટોરીને કારણે આ ઑપરેશનમાં સામેલ પોલીસ અધિકારીઓ નારાજ થાય. તેની સાથે ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ (Amit Shah) સહિત સરકાર પણ નારાજ હતી. હું જે જે સ્ટોરી લખી રહ્યો છું; તે ખોટી છે. એવી રજૂઆત આઈ.પી.એસ. અધિકારી ડી. જી. વણઝારા (D G Vanzara) પોતે મારી ઑફિસે આવી મારા અધિકારી સામે કરી ચૂક્યા હતા. આ મામલે પછીથી સુપ્રીમકોર્ટમાં પિટિશન પણ થઈ હતી.
રાધા શર્માના ફોન પછી હું અમદાવાદ આવ્યો અને એડિટર ભરત દેસાઈ સાથે મારી મીટિંગ પણ થઈ. મારું મન અંગ્રેજી અખબારમાં જોડાવવા માટે રાજી નહોતું. પહેલુ કારણ, અંગ્રેજી ભાષા મારી નહોતી અને બીજું કારણ, હું તેમાં લખી પણ શકતો નહોતો. ભરત દેસાઈ કહ્યું હતું કે, તારે અંગ્રેજીમાં લખવાની જરૂર નથી. અમારે ત્યાં ઘણા લોકો અંગ્રેજી લખે છે, પણ તું જે પ્રકારે રિપોર્ટિંગ કરે છે; તેની અમારે જરૂર છે. મારો સ્વાર્થ માત્ર ત્યાં મળતો પગાર વધારો હતો. ભાસ્કરમાં મારો પગાર પચ્ચીસ હજાર હતો અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મને પચાસ હજાર રૂપિયા આપવાનું હતું. જ્યારે મેં આ વાત શિવાનીને કરી; ત્યારે એ એટલા માટે રાજી હતી કે, હું અમદાવાદ પાછો આવી જઈશ!
મારી નોકરી છૂટવાની અથવા બદલાવાની ઝડપ ખૂબ હતી. જેથી ઘરનું અર્થતંત્ર ક્યારેય ખોરવાય નહીં તે માટે મારા પગાર વધારાની જાણ હું શિવાનીને ન કરતો. મને જે પગાર વધારો મળે, તેની બચત કરતો હતો. જોકે શિવાનીને તેનું ઘર સારી રીતે ચાલે એટલી જ નિસ્બત હતી. હું ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં જોડાયો. ભરત દેસાઈ પણ જીગરવાળા એડિટર હતા. કોઈ રાજકારણી સાથે તેમને દોસ્તી નહીં. દર દિવાળીએ ગુજરાતના તમામ અખબારના એડિટર માટે મુખ્યમંત્રી ભોજન સમારંભ રાખે. એ સમારંભમાં મુખ્યમંત્રી મળવા બોલાવે છે; તેવી લાલસાથી પણ પોતાને અળગા રાખવાની તાકાત ભરત દેસાઈમાં હતી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચ સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ ચલાવી રહી હતી. જેનું રિપોર્ટિંગ પણ જોરશોરથી ચાલી રહ્યું હતું. એ સમયે મારો પરિવાર એક મોટા સંકટમાં મૂકાઈ ગયો. એક સવારે ખબર પડી કે, મારી આઈ, જે હજી હમણા જ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ હતી; તેને કૅન્સરની બીમારી થઈ છે. હું મારા પરિચિત કૅન્સર સર્જન ડૉક્ટર અશોક પટેલ પાસે ગયો. આઈએ રડતાં રડતાં કહ્યું, “હું કાયમ માટે સૂઈ જવું તેવું એક ઇન્જેક્શન મને આપી દો.”
આઈના રિપોર્ટ કરાવ્યા. જેમાં તેને ત્રીજા સ્ટેજનું કૅન્સર હોવાનું નિદાન થયું. ત્યાર પછી તેમનું ઑપરેશન થયું અને કિમો થેરપી શરૂ થઈ. આઈનો મેડિકલ વિમો એક લાખનો જ હતો, જે તરત ખલાસ થઈ ગયો. હવે બાકીની આર્થિક જવાબદારી પણ મારે જ ઉપાડવાની હતી. મારી અંદર હિમ્મત નહોતી કે, હું મારી આઈને સિવિલ હોસ્પિટલ લઈ જવું. વળી કૅન્સરની સારવાર પણ ખૂબ મોંઘી હતી.
ખૂબ જ આર્થિક સંકડામણ વચ્ચે પણ આઈની કૅન્સરની સારવાર ચાલું હતી. 2008નું વર્ષ હતું અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે ઓ. પી. માથુરને મૂકવામાં આવ્યા હતા. એક સાંજે સહજ વાત કરતાં મને ભરત દેસાઈએ પુછ્યું, “આ નવા પોલીસ કમિશ્નર કેવા છે?”
હું તેમનો ભૂતકાળ જાણતો હતો. ઓ. પી. માથુર પર અગાઉ ગંભીર પ્રકારના આરોપો લાગ્યા હતા. તેમની સામેની ફરિયાદ કોર્ટ સુધી પણ પહોંચી હતી. ભરત દેસાઈને આખી વાતમાં રસ પડ્યો. તેમણે મને પુછ્યું, “માથુર પરના આરોપનો આપણી પાસે કોઈ આધાર ખરો?”
મેં કહ્યું, “કોર્ટમાંથી તેના દસ્તાવેજ મળી શકે.”
તેમણે કહ્યું, “તો કામ શરૂ કરો.”
થોડીક જ મહેનત પછી મને ઓ. પી. માથુર સામે થયેલી ફરિયાદના કાગળો મળી ગયા. મારી પાસે રહેલા પુરાવા જોઈ ભરત દેસાઈએ જાતે જ પોલીસ કમિશ્નર ઓ. પી. માથુર અંગેની સ્ટોરી લખવાની શરૂઆત કરી. જોકે સ્ટોરી પર બાયલાઈન મારી જ રહેતી. રોજ એક સ્ટોરી ફ્રન્ટપેઇજ પર પબ્લિશ થતી. આમ એક પછી એક, સતત છ દિવસ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ફ્રન્ટપેઇજ પર મારી સ્ટોરી આવી. જેનાથી ઓ. પી. માથુરનું નારાજ થવું સ્વભાવિક હતું.
સવારનો સમય હતો. મને એક વકીલ મિત્રનો ફોન આવ્યો. તેણે મને પુછ્યું, “કંઈ ખબર પડી?”
મેં પુછ્યું, “શું?”
તેણે કહ્યું, “તમારી સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ છે.”
રાજદ્રોહનો ગુનો કેટલો ગંભીર છે! તે અંગે મેં ક્યારેય વિચાર સુધ્ધાં કર્યો નહોતો. મને જામીન મળશે કે નહીં? તે સજાની જોગવાઈને આધારે મારે જાણવું હતું એટલે મેં પુછ્યું, “કેટલાં વર્ષની સજાની જોગવાઈ છે?”
વકીલ મિત્રએ કહ્યું, “આજીવન સજાની જોગવાઈ છે. હાઇકોર્ટ સિવાય જામીન મળશે નહીં. એટલો સમય તો તમારે જ્યૂડિશિયલ કસ્ટડીમાં જ રહેવું પડશે.”
આ સાંભળી હું ચિંતામાં પડી ગયો. શિવાનીને ખબર નહોતી કે, શું બન્યું? પણ મારી વાતચીત અને ચહેરા પરના હાવભાવ જોઈ તે સમજી ગઈ કે મામલો ગંભીર છે. તેણે મને પુછ્યું, “શું થયું?”
મેં કહ્યું, “મારી સામે અમદાવાદના પોલીસ કમિશ્નરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહની ફરિયાદ નોંધાવી છે.”
તે મારી સામે જોઈ જ રહી. તેને આની ગંભીરતા ખબર જ નહોતી. મેં કહ્યું, “આ વખતે લાંબો સમય જેલમાં જવું પડે તેવી સ્થિતિ લાગે છે.”
તેણે થોડો વિચાર કર્યો અને કહ્યું, “ચિંતા કરતા નહીં. હું સાચવી લઈશ.”
આકાશ અમારી પાસે જ ઊભો હતો. આકાશ બાર વર્ષનો અને પ્રાર્થના સાત વર્ષની હતી. મને ખબર નહોતી પડતી કે આ સ્થિતિમાં શિવાની એકલા હાથે પ્રાર્થના અને આકાશને કેવી રીતે સાચવી લેશે! મારી ચિંતા હજી ઓછી થઈ નહોતી. આકાશ મારા અને શિવાની વચ્ચે થતો સંવાદ સાંભળી રહ્યો હતો. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “તમે ચિંતા ન કરતા. હું મોટો થઈ ગયો છું. બધાનું ધ્યાન રાખીશ.”
બાર વર્ષનો એક નાનકડો છોકરો પોતાના બાપને હિંમત આપી રહ્યો હતો! તેને ખબર હતી કે, તેના બાપને એક સ્ટોરીને કારણે જેલમાં જવું પડે એમ છે. પણ તે મને કહી રહ્યો હતો કે, હું ઘર સાચવી લઈશ. તરત મેં મનમાં આવેલી બધી ચિંતા અને ડરને ખંખેરી નાખ્યાં. જેની પત્ની અને દીકરો આટલાં બહાદુર હોય; તેને શું કામ ડરવું જોઈએ? મારી અંદર આત્મવિશ્વાસ અને શક્તિનો સંચાર થયો.
આ દરમિયાન મારી ઓફિસમાંથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી. કારણ કે રાજદ્રોહના કેસના આરોપીમાં પ્રશાંત દયાળની સાથે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા–અમદાવાદના એડિટર ભરત દેસાઈનું પણ નામ હતું. હવે મારાં મનમાં રહેલો ડર નીકળી ગયો હતો. હું આશ્રમરોડ પર આવેલી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઓફિસે પહોચ્યો. ત્યાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ ગુજરાત હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલર એસ. વી. રાજુને બોલાવી રાખ્યા હતા. તેમની સલાહ એવી હતી કે, જો એક વખત અરેસ્ટ થઈ જશે તો જામીન મેળવવા માટે લાંબો સમય જશે. જેથી પહેલાં આગોતરા જામીન મેળવવા. અને એ ન મળે ત્યાં સુધી અમદાવાદ છોડી દેવું જોઈએ. પણ મારો મત હતો કે, અરેસ્ટ થાય તો જેલમાં જવું જોઈએ, ભાગવાની જરૂર નથી. મારા આ મત સાથે ઓફિસમાં કોઈ સંમત નહોતું. આખરે મને આદેશના સ્વરમાં કહેવામાં આવ્યું કે, મારે અને ભરત દેસાઈએ તાત્કાલીક અમદાવાદ છોડી જતા રહેવાનું છે. મેં શિવાનીને ફોન કરી અમદાવાદ છોડવાની વાત કરી; પણ તેણે કોઈ જ જવાબ આપ્યા વગર ફોન કટ કરી દીધો!
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








