Monday, April 29, 2024
HomeGujaratAhmedabadસૈનિક સ્કૂલોની સોંપણી આર.એસ.એસ.ને થઈ રહી છે?

સૈનિક સ્કૂલોની સોંપણી આર.એસ.એસ.ને થઈ રહી છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ નામના પોર્ટલ પર ગત્ અઠવાડિયે એક સ્ટોરી પ્રકાશિત થઈ છે. સ્ટોરીનું મથાળું છે : ‘કેન્દ્રને સંઘપરિવાર, ભાજપ નેતાઓ ઔર સહયોગીઓ કો સોંપે 62% નયે સૈનિક સ્કૂલ’ (Sainik School). આ સ્ટોરી આસ્થા સવ્યસાચીએ કરી છે અને તેમાં કેવી રીતે સરકાર સૈનિક શાળાઓ સુધી પોતાનો એજન્ડા પહોંચાડવા માંગે છે, તેની વિગત છે. આસ્થા આ સ્ટોરીના શરૂઆતમાં લખે છે : ‘દેશના પવિત્ર ગણાતા શહેરોમાંથી એક વૃંદાવનમાં હિંદુ રાષ્ટ્રવાદી વિચારક સાધ્વી ઋતંભરા બાળકીઓ માટે ‘સંવિદ ગુરુકુલમ્ ગર્લ્સ સૈનિક સ્કૂલ’ નામે એક વિદ્યાલય ચલાવે છે. ‘વિશ્વ હિંદુ પરિષદ’[વીએચપી]ની મહિલા શાખા દુર્ગા વાહિનીની સંસ્થાપક ઋતંભરાની રામ મંદિર આંદોલનમાં અગ્રણ્ય ભૂમિકા હતી.’ ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ના અહેવાલમાં ગત્ વર્ષે આ શાળામાં આયોજિત એક વ્યક્તિત્વ વિકાસ શિબીર દરમિયાન સાધ્વી ઋતંભરાએ વિદ્યાર્થીનીઓને ‘સન્માન, પરંપરા અને રીતરિવાજો’ વિષય વિશે સંબોધીત કર્યા હતાં. આ કાર્યક્રમનો ફેસબુક પર શૅર થયેલા એક વિડિયોમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળે છે કે, કૉલેજોમાં અને સોશિયલ મીડિયા પર યુવતિઓ કેવી રીતે ‘નિરંકુશ’ થઈ રહી છે.

Sainik School News
Sainik School News

‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ના અહેવાલમાં એ ટાંકવામાં આવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે 2021માં જ ખાનગી સંસ્થાઓને સૈનિક શાળા સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી હતી. એ વર્ષે બજેટમાં સરકારે દેશભરમાં કુલ સો નવી સૈનિક સ્કૂલ સ્થાપવાની જાહેરાત કરી હતી.’ આવું થયું તેનું એક કારણ એ છે કે દેશભરની શાળાઓને નવા સૈન્ય સ્કૂલ તરીકે જાહેર કરવાનો માપદંડ માત્ર માળખાગત સુવિધા રાખવામાં આવ્યો હતો. ‘સૈનિક સ્કૂલ સોસાયટી’[એસ.એસ.એસ.] દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા માપદંડ મુજબ માળખાગત સુવિધા, જેમાં જમીન, આઈટી સુવિધા, આર્થિક સધ્ધરતા અને કર્મચારી હોય તો તેઓ સૈનિક સ્કૂલ માટે અરજી કરી શકે. આ કારણે સંઘ પરિવારથી જોડાયેલી અનેક શાળાઓ સૈનિક સ્કૂલ માટે અરજી કરવા અર્થે તૈયાર થઈ શક્યા.

- Advertisement -

આસ્થા સવ્યસાચીએ આમાંની ઘણી વિગત માહિતીના અધિકાર દ્વારા મેળવેલી છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં નિષ્કર્ષમાં લખ્યું છે કે, અત્યાર સુધી 40 જેટલી સૈનિક સ્કૂલો સાથે થયેલી સમજૂતીમાં ઓછામાં ઓછી 62 ટકા શાળાઓ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ અને તેના સહયોગી સંગઠનો, ભાજપના નેતાઓ, તેમના રાજકીય સહયોગી, હિન્દુત્વ સંગઠનો અને હિંદુ ધાર્મિક સંગઠનોથી જોડાયેલાં છે. નવી નીતિ આવી ત્યાં સુધી દેશમાં ‘સૈનિક સ્કૂલ સોસાયટી’ અંતર્ગત 33 સૈનિક સ્કૂલ અસ્તિત્વ ધરાવતી હતી, જેમાં 16,000 કેટેડ હતા. ‘એસ.એસ.એસ.’ રક્ષા મંત્રાલયના અંતર્ગત આવતું એક સ્વાયત્ત સંગઠન છે. અનેક સરકારી અહેવાલમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, સુરક્ષા સંસ્થાઓમાં કેડેટને મોકલવા માટે સૈનિક સ્કૂલોનું મહત્ત્વ શું છે. સુરક્ષા સંબંધિત સ્થાયી સમિતિઓને રચવા અર્થે પણ હંમેશા ‘નેશનલ ડિફેન્સ એકેડમી’ અને ‘ઇન્ડિયન નેવી એકેડમી’ માટે કેડેટ તૈયાર કરવા માટે સૈનિક સ્કૂલોની ભૂમિકા પર વધુ મહત્ત્વ આપવામાં આવે છે. 2013-14માં સ્થાયી સમિતિ મુજબ સૈનિક સ્કૂલમાંથી દર વર્ષે અંદાજે 20 ટકા વિદ્યાર્થીઓ સૈન્યની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લે છે. આ વર્ષે રાજ્યસભામાં પ્રસ્તુત કરવામાં આવેલા આંકડા મુજબ ગત્ છ વર્ષમાં સૈનિક સ્કૂલના 11 ટકાથી વધુ કેડેટ સુરક્ષા દળમાં સામેલ થયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોમાં 7000 ઑફિસર્સ મોકલવાનું શ્રેય સૈનિક સ્કૂલોને આપ્યું હતું.

સૈનિક સ્કૂલોને આ રીતે ખાનગી માલિકીની સંસ્થાઓને સુપરત કરી દેવાની વાત આવી એટલે તેમાં કેટલાંક પૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે, જોકે તેમણે નામ આપ્યું નથી. આ સૈન્ય અધિકારીએ કહ્યું છે કે, ‘પીપીપી મૉડલ સૈદ્ધાંતિક રીતે સારું છે. પરંતુ જે પ્રકારના સંગઠનોને તેનું સંચાલન મળ્યું છે તે જોઈને મને શંકા થાય છે. જો મોટા ભાગની સ્કૂલોની માલિકી ભાજપ સંબંધિત વ્યક્તિ કે સંગઠનને જાય છે તો તેમનો પૂર્વગ્રહ ત્યાં આપવામાં આવનારાં શિક્ષણને પ્રભાવિત કરશે. હાલની સૈનિક સ્કૂલોની જેમ જો આ વિદ્યાર્થીઓ સુરક્ષા દળોમાં જવા માટે ‘નેશનલ સ્કૂલ એકેડમી’ અને અન્ય પરીક્ષાઓ માટે અરજી કરશે, તો જેવું શિક્ષણ તેમણે આ સ્કૂલોમાં મેળવ્યું હશે તે સુરક્ષા દળોના દૃષ્ટિકોણમાં પણ આવશે.’

આ પ્રકારની સ્ટોરીઝ આજે કોર્પોરેટ મીડિયા હાઉસમાં આવતી નથી. અભિપ્રાય આધારીત સ્ટોરીઝ માટે મહદંશે પત્રકારો યૂટ્યુબ ચેનલ પર આવી ચૂક્યા છે, પરંતુ જેમાં વિગત એકઠી કરીને અને ગ્રાઉન્ડ પર રિપોર્ટીંગ કરવાનું હોય તે કાર્ય વધુ પડકારભર્યું છે. આ પ્રકારની સ્ટોરીઝ પછી સારી રીતે રજૂ પણ થવી જોઈએ. ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ અત્યારે તેના નામ પ્રમાણે કાર્ય કરી રહ્યું છે અને અહીંયા આ પ્રકારની અન્ય સ્ટોરીઝ પણ વાંચવા મળે છે. આગળ આ અહેવાલમાં લખાણ છે કે, ‘સૈનિક સ્કૂલનું ભગવાકરણ થયું છે તેમાં માત્ર ભાજપના નેતાઓ જ સામેલ નથી. ખાનગી સૈનિક સ્કૂલોનાં સંચાલનનો અધિકાર ‘રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ’ અને તેના સાથે જોડાયેલી અનેક સંસ્થાનોને પણ આપવામાં આવ્યા છે. ‘વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન’ (વિદ્યાભારતી) આર.એસ.એસ.ની શૈક્ષણિક સંસ્થા છે. દેશભરમાં વિદ્યા ભારતી શાળાની સાત માન્ય શાખાઓ છે. તેમાંથી ત્રણ બિહારમાં છે. મધ્ય પ્રદેશ, પંજાબ, કેરલ અને દાદરાનગર હવેલીમાં એક-એક શાળા છે. વિદ્યાભારતી પર સમયાંતરે ઇતિહાસનું પુર્નલેખન અને મુસ્લિમ વિરોધી પાઠયક્રમનો આરોપ લગાવવામાં આવે છે. તે પોતાના મિશનની વ્યાખ્યા કરવામાં સ્પષ્ટ છે. આર.એસ.એસ. પોતાના અંતર્ગત આવતી શાળાઓની વધતી સંખ્યાને સંચાલિત કરવા અર્થે 1978માં વિદ્યા ભારતીની સ્થાપના કરી હતી. દેશભરમાં વર્તમાનમાં વિદ્યા ભારતી સાથે જોડાણ ધરાવતી શાળાઓની સંખ્યા 12,065 છે અને તેમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3,158,658 છે. દેશની સૌથી મોટાં ખાનગી શાળાઓના નેટવર્કમાંની આ એક સંસ્થા છે. તેમની વેબસાઈટ પર ઉલ્લેખ મળે છે કે ‘એક એવી યુવાન પેઢીનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ કે જે હિંદુત્વ માટે પ્રતિબદ્ધ હોય અને દેશભક્તિના ઉત્સાહમાં ઓતપ્રોત હોય.’’

- Advertisement -

આ વિશે ખુલીને બોલનારા પૂર્વ લેફ્ટનન્ટ જનરલ પ્રકાશ છે. તેઓ કહે છે કે, ‘સ્પષ્ટ છે કે આની પાછળ આ વિચારધારા છે, જેને આપણે અંગ્રેજીમાં ‘કૅચ ધેમ યંગ’ કહીએ છીએ. સુરક્ષા દળો માટે સારું નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘આવાં સંગઠનો સાથે સુરક્ષા દળોનું જોડાણ થવાથી તેના ચરિત્ર અને સ્વભાવ પર અસર પડશે.’ ‘ધ પ્રિન્ટ’ નામના ન્યૂઝ પોર્ટલ પર મેનન એક લેખમાં લખે છે કે, ‘કેન્દ્ર અને ખાનગી પક્ષો વચ્ચેની સાંઠગાંઠથી શિક્ષણમાં એવા વિચાર તરફ ઝુકાવ મળી રહ્યો છે જે બંધારણના મૂલ્યોથી ખાસ્સુ અંતર ધરાવે છે.’

આ વિશે વિદ્યાભારતીના સંચાલકો સાથે પણ ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’એ વાત કરી છે. વિદ્યા ભારતી કેન્દ્રિય કાર્યકારી સમિતિના મહાસચિવ અવનીશ ભટનાગર છે. અને તેમણે આ વિશે કહ્યું કે, અમે આ શાળાઓ માટે કરેલી અરજીને કેન્દ્રિય રીતે નથી ગોઠવી. દરેક શાળાએ વ્યક્તિગત રીતે અરજી કરી છે. ‘સૈનિક સ્કૂલ સોસાયટી’ને ખબર હશે કે આ સંસ્થાઓનો પક્ષ લેવામાં આવ્યો છે કે કેમ. આ સિવાય ભટનાગર કશુંય કહેવા તૈયાર નથી. જોકે વિદ્યાભારતીના કેન્દ્રિય કાર્યકારી સમિતિના અધ્યક્ષ ડૉ. રામકૃષ્ણરાવે કહ્યું કે, અમે સૈનિક સ્કૂલો સાથે જોડાણ માટે વધુ અરજી કરવાના છીએ. અત્યાર સુધી કેટલીક શાળાઓ જ પ્રયાસ કર્યો છે. પરંતુ તેવી શાળાઓ વધે તે માટે પ્રયાસ કરીશું.

આ ઉપરાંત પણ આસ્થા સવ્યસાચીના અહેવાલમાં અનેક વિગત ટાંકી છે. તે તેમામ વિગત અહીં સમાવવી શક્ય નથી. પણ તેમણે આ રીતે સૈનિક સ્કૂલો ખાનગી સંસ્થાઓ અને તેમાં પણ વિશેષ કરીને વર્તમાન કેન્દ્ર સરકાર સાથે રહેલાં વ્યક્તિ-સંગઠનોને સોંપાઈ રહી છે તેનો વિગતે અભ્યાસ કર્યો છે. અને આ સ્ટોરીમાં જરૂર હોય ત્યાં સંદર્ભ પણ મૂક્યા છે. જો આવું થતું હોય તો બેશક તેનાથી અત્યાર સુધી જે રીતે સૈન્ય સ્કૂલોમાં શિક્ષણ અપાતું અને તેની સકારાત્મક અસર સેના પર રહી છે, તે પરિણામ બદલાઈ શકે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular