કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મુંબઈ અન્ડરવર્લ્ડની અત્યાર સુધી જે સ્ટોરીઓ પુસ્તક, ફિલ્મ કે વેબસિરીઝ સ્વરૂપે આપણી સમક્ષ આવી છે, તેમાં મહત્ત્વનું યોગદાન એસ. હુસૈન ઝૈદીનું ((S. Hussain Zaidi)) છે. મુંબઈમાં લાંબા સમય સુધી ક્રાઇમ રિપોર્ટિંગ કરનારાં હુસૈન ઝૈદી પાસે અન્ડરવર્લ્ડનું (underworld) અઢળક કન્ટેન્ટ છે. હાલમાં તે કન્ટેન્ટમાંથી એક પુસ્તક આવ્યું છે. પુસ્તકનું નામ છે : ‘રો હીટમેન : ધ રિઅલ સ્ટોરી ઓફ એજન્ટ લિમા.’ અને તેમના સ્ટોરી આધારીત ‘બંબઈ મેરી જાન’ નામની સિરીઝ પણ આવી છે. આ સંબંધિત અનેક ન્યૂઝ પોર્ટલ દ્વારા તેમની મુલાકાતો લેવાઈ છે. તે મુલાકાતોમાં હુસૈન ઝૈદીના વ્યક્તિત્વ ઉપસી આવે છે. આ ઉપરાંત, અન્ડરવર્લ્ડ અને તેમના લખાણો વિશે પણ ઝૈદીએ ઘણું કહ્યું છે.

અન્ડરવર્લ્ડનું વર્ષો સુધી ક્રાઇમ રિપોર્ટીંગ કરવું, તે રિપોર્ટિંગના આધારે પુસ્તકો લખવા અને તે પછી તેના આધારે ફિલ્મ બને. ગણ્યાગાંઠ્યા પત્રકારોની સ્ટોરી આ રીતે અલગ-અલગ સ્વરૂપે પીરસાય છતાં તેને ચાહના મળે છે. હુસૈન ઝૈદીને આ પ્રેમ ખાસ્સા વર્ષોથી મળી રહ્યો છે અને હજુ તેઓએ સાઠ વટાવ્યા નથી એટલે આગળ પણ તેમના કલમે આવી સ્ટોરી પિરસાતી રહેશે. ‘ધ સ્ક્રોલ’ ન્યૂઝ પોર્ટલ પર આપેલી મુલાકાતમાં ‘રો હીટમેન: ધ રિઅલ સ્ટોરી ઓફ એજન્ટ લિમા’ નામના પુસ્તક વિશે તેઓ કહે છે, “અન્ડરવર્લ્ડ વિશે મેં ઘણું લખ્યું. પરંતુ જાસૂસીની દુનિયામાં હજુય ઘણી સ્ટોરી બહાર આવી નથી. દેશ માટે જાસૂસી કરનારી સ્ટોરીને દેશભક્તિની ભાવનાથી વધુ લોકો સ્વીકારે છે. આ પ્રકારના વિષય ફેમિલિ ઓડિયન્સને પણ આકર્ષે છે. ‘રો હિટમેન…’ એક નેશનલ સિક્યૂરીટી ગાર્ડની વાર્તા છે. તે પછી આ ગાર્ડની આપણી જાસૂસી સંસ્થા ‘રો’માં એજન્ટ તરીકે પસંદગી થઈ.” આ એજન્ટનું ખરું નામ લકી બિસ્ટ છે. લકી બિસ્ટે દેશદુનિયામાં અનેક ઓપરેશન પાર પાડ્યા. પણ તેની સ્ટોરીનું સૌથી રસપ્રદ પાસું નેપાળનું છે, જ્યારે આપણાં દેશની જ બે જાસૂસી સંસ્થા ‘રો’ અને ઇન્ટેલિજન્સ બ્યુરો વચ્ચે નેપાળના રાજકીય આગેવાન મિરઝા દિલશાદ બેગની હત્યા કરવા માટે ચડસાચડસી ચાલી રહી હતી. મિરઝા દિલશાદ બેગની દાઉદ સાથે સાંઠગાંઠ હતી. જોકે, ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની બહાર કોઈ પણ ઓપરેશન ન કરી શકે, તેથી આ જવાબદારી ‘રો’એ લીધી અને તે વખતે આ બંને જાસૂસી એજન્સીઓ વચ્ચે ‘રો’ના એજન્ટ લકી બિસ્ટ બલિનો બકરો બને છે, અને અલગ-અલગ 11 જેલોમાં તેમણે સજા ભોગવી.” લકી બિસ્ટની સ્ટોરીની વાત ફરી ક્યારેક કરીશું.

અત્યાર સુધી ઝૈદીની જે સ્ટોરી ફિલ્મના માધ્યમથી લોકો સુધી પહોંચી તે વિશે તેઓ જણાવે છે કે, “મારી ઘણી સ્ટોરી નામ કે વળતર વિના ઉઠાંતરી કરવામાં આવી છે. એ અંગે તમે કશુંય કરી શકતા નથી, કારણ કે ઇન્ટરનેટ પર માહિતીનો ખડકલો છે. ફિલ્મમેકર્સને લાગે છે કે આનાથી તેમનું કામ ચાલી જશે. જોકે આવી ઘટનાઓમાં એવી સૂક્ષ્મ માહિતી હોય છે જે પબ્લિક ડોમેઇનમાં હોતી નથી. હજુ પણ લોકોને ક્રાઇમ સ્ટોરી ગમે છે અને વીસ વર્ષ જૂની પણ સ્ટોરીઓ તેઓ જાણવા માગે છે, અને તેથી હજુ પણ ફિલ્મમેકર્સ તેવી ફિલ્મો બનાવે છે. ફિલ્મમેકર્સ મજબૂત વાર્તાકથાનક અને ઇમોશનલ ગ્રાફના આધારે ક્રાઇમ સ્ટોરી પસંદ કરે છે. તેમને એવું લાગે છે કે પુસ્તક પર આધારીત ફિલ્મ કે સિરીઝ નિર્માણ કરવી સરળ છે. વિષય વિવાદિત હોય ત્યારે સવિશેષ. તેઓ હંમેશા એવું કહેતાં સાંભળવા મળે છે કે, તેમનો પ્રોજેક્ટ પ્રકાશિત થઈ ચૂકેલા કન્ટેન્ટ આધારીત છે.” હાલના ફિલ્મોના ટ્રેન્ડ વિશે ઝૈદી કહે છે : “મેં નોંધ્યું છે કે બાયોપિકની ફેશન ચાલી રહી છે. તેમાં એન્ટી-હિરોની છબિ ધરાવનારાંઓમાં ફિલ્મમેકર્સને વધુ રસ પડે છે. એન્કાઉન્ટર કરનારાં પોલીસ અધિકારી, રાજકીય નેતા જેઓની ખરેખર ફરજ દેશને સુરક્ષા આપવાની છે, પરંતુ તેઓ ખલનાયકની જેમ વર્તે છે! સામાન્ય રીતે પોલીસ કે નેતાઓની છબિ સારાં વ્યક્તિ તરીકેની નથી હોતી. ઘણાં વિવાદિત એન્કાઉન્ટર્સ પોલીસે ગેંગસ્ટર વતી કર્યા હોય તેવી સ્ટોરીઓ છે. કેટલાંક પોલીસ અધિકારીઓ તે અપરાધ માટે જેલ પણ ભોગવી. તેથી તેમનાં પર ફિલ્મ કે સિરીઝ બનાવવી સરળ છે.”

જોકે, અલગ-અલગ સ્ટોરી લખવા છતાં દાઉદ હજુ પણ વિષય તરીકે દમદાર છે અને તે અંગે હુસૈન ઝૈદીનું માનવું છે કે : “ખલનાયક પ્રત્યે આપણું ગાંડપણ રહ્યું છે અને એ રીતે દાઉદની સ્ટોરી દમદાર છે. એક કોન્સ્ટેબલનો દીકરો, જે ગરીબીના કારણે એક ટંકનું જમી પણ નહોતો શકતો અને પછી તે વૈશ્વિક આંતકાવાદી બને છે. જ્યારે ‘ડોંગરી ટુ દુબઈ’ લખાઈ ત્યારે જ તેના નામે કરોડોની સંપત્તિ હતી. દાઉદનો ઉદય અને તેનો ગ્રાફ જોતા તે હંમેશા ફિલ્મનું કન્ટેન્ટ રહ્યો છે.” અન્ડરવર્લ્ડ પ્રત્યેના ગાંડપણ અંગે ઝૈદી પોતાના અનુભવ ટાંકતા કહે છે : “યૂટ્યુબ ચેનલ પર હું અન્ડરવર્લ્ડના ઇતિહાસ વિશે સ્ટોરી કરું છું. મને એમાં એવી અનેક કોમેન્ટ વાંચવા મળે છે કે હું કોલેજ પછી સીધો જ ડિ-કંપનીમાં જોડાવા ઇચ્છું છું. મને ખબર નથી પડતી કે હાલનો યુવાવર્ગ કેમ દાઉદને એક આઇકોનની જેમ જુએ છે.”
વર્તમાન સમયમાં અન્ડરવર્લ્ડ અંગે ઝૈદીનું માનવું છે કે, “અન્ડરવર્લ્ડનો અંત નથી આવ્યો. અત્યારે તેઓ વધુ ચપળતાથી કામ કરે છે. તેઓ અજ્ઞાતસ્થળે ચાલ્યા ગયા છે. અત્યારે તેમાં ઓછા લોકો છે એટલે તેમાં ખૂનખરાબો થતો નથી. તેઓ હજુ પણ રિઅલ એસ્ટેટ, શેર માર્કેટ અને ગોલ્ડ માર્કેટ અને આઈપીએલમાં પ્રવૃત્ત છે, પરંતુ આ બધાં જ કામ તેઓ છુપાવેશે કરી રહ્યા છે.”
ઝૈદી જેમ અદભુત સ્ટોરીટેલર છે તેમ તેઓની ક્રાઇમ રિપોર્ટિંગમાં પ્રવેશવાની પણ એક સ્ટોરી છે. તેઓ કહે છે કે, “1993માં હું એક ફ્રિલાન્સ જર્નાલિસ્ટ હતો. અને પછી હું ‘એશિયન એજ’ નામના અખબાર સાથે જોડાયો. ત્યાંથી મને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એડિટર સાઇસુરેશ સીવાસ્વામીએ બોલાવ્યો, એ ઘટના જરાં વિચિત્ર છે. ‘એશિયન એજ’માં હું શિક્ષણ અને મુંબઈ કોર્પોરેશનની સ્ટોરી લાવતો હતો. મને લાગતું હતું કે દુનિયાને બદલી દઈશ. ત્યારે નેપાળમાં એક ઘટના બની જેમાં દાઉદના માણસોએ છોટા રાજનના કોઈ માણસની હત્યા કરી હતી. ‘એશિયન એજ’માં તેને કવર કરવા માટે કોઈ રિપોર્ટર નહોતો. મારી પત્ની વેલી થેવર, જે પણ એક પત્રકાર છે તેના કારણે હું તે પૂરી ઘટનાનું રિપોર્ટિંગ કરી શક્યો. બીજા દિવસે મને લેન્ડલાઇનથી ફોન આવ્યો. મને એક્સપ્રેસની ઓફિસે બોલાવ્યો અને તે વ્યક્તિએ સીધો જ મને સાઇસુરેશ સીવાસ્વામીના ઓફિસમાં લઈ ગયો. જ્યાં મને ક્રાઇમ રિપોર્ટર તરીકે જોડાવવાનો પ્રસ્તાવ મૂકાયો અને મેં સ્વીકાર્યો.” જોકે ઝૈદી એવું સ્વીકારે છે કે તેમને અન્ડરવર્લ્ડ સાથે જરાસરખો પ્રેમ નથી. એક્સપ્રેસમાં તેમનું કામ અન્ડરવર્લ્ડને કવર કરવાનું હતું તેથી તેઓ આ દુનિયામાં ઉતર્યા અને સ્ટોરી લેવા માટે તેમાં રચ્યાપચ્યા રહ્યાં.
ઝૈદીના નામે આજે ‘બ્લેક ફ્રાઈડે’, ‘માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ’, ‘ડોંગરી ટુ દુબઈ’, ‘હેડલી એન્ડ આઈ’, ‘બાયકુલ્લા ટુ બેંકકોંગ’, ‘માય નેમ ઇઝ અબુ સાલેમ’, ‘ડેન્જરસ માઇન્ડ્સ’, ‘દાઉદ્સ મેન્ટર’ અને ‘ઝીરો ડે’ જેવી પંદર પુસ્તકો છે અને તેમાંથી અગિયાર ફિલ્મ કે સિરીઝ નિર્માણ થઈ ચૂકી છે. જોકે ઝૈદી એવું સ્વીકારે છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી ફિલ્મ પડદે આવતાં ઘણા વર્ષો નીકળી જાય છે. ઝૈદીને તેમના કામ દરમિયાન પોલીસથી પણ નજદીકી પરિચય કેળવાયો અને તે વિશે તેમનો મત છે કે, “પોલીસ મને નથી ગમતી. એવું કહેવાય છે કે મુંબઈ પોલીસ સ્કોટલેન્ડ યાર્ડ બાદ બીજા ક્રમની વિશ્વની શ્રેષ્ઠ પોલીસ છે. પણ મને આ ટેગ નાપસંદ છે. તેઓ કુશળ નથી. મેં વીસ વર્ષ સુધી ક્રાઇમ કવર કર્યું છે મને ખ્યાલ છે કે તેઓ ખૂબ ઓછા કેસની તપાસમાં ઉતરે છે. મને એ પણ નથી ગમતું કે તેઓ નિર્દોષ લોકો પર કેસ ઘડે છે. જોકે મને માફિયા પ્રત્યે પણ કોઈ સહાનુભૂતિ નથી. પોલીસ અને માફિયાના ક્રોસફાયર વચ્ચે સામાન્ય લોકોનો મરો થતાં મેં અમનેકવાર જોયું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796