નવજીવન ન્યૂઝ. રાજકોટ: પૃથ્વી પર કાળા માથાના માનવીએ પ્રકૃતિની શી વલે કરી છે તે કહેવાની જરૂર નથી. માનવીએ કરેલી પ્રકૃતિ સાથેની ગંભીર છેડછાડ અને પ્રદુષણના કારણે હવે સૃષ્ટી ખતરામાં આવી ગઈ તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે હવે સમગ્ર વિશ્વ પર્યાવરણ અને પ્રકૃતિ બચાવવા માટે પ્રયાસો કરવાની વાતો કરી રહ્યું છે અને આ કાર્ય કેટલા અંશે થઈ રહ્યું છે તે પણ એક સવાલ છે. પરંતુ પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી. ડી. બાલા (Ex. RFO VD Bala) દ્વારા એકલપંડે આ કાર્યમાં લાગી ગયા છે. એટલું જ નહીં તેમણે ગણતરીના વર્ષોમાં કેટલાય એવા કાર્યો કર્યા જેનાથી પ્રકૃતિ તરફ લોકોનો ઝુકાવ પણ વધ્યો અને પ્રકૃતિનું રક્ષણ પણ થયું છે.

રાજકોટ શહેરમાં નિવૃત જીવન વ્યતીત કરતા વી.ડી. બાલાનો પ્રકૃતિ પ્રેમ કેટલાય લોકોને પ્રકૃતિના પ્રેમમાં પાડી ચૂક્યો છે. ફોરેસ્ટ વિભાગમાં RFO તરીકેની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી નિવૃત થયેલા વી.ડી. બાલા નોકરી પરથી નિવૃત થયા છે પણ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીમાં આજે પણ તેઓ પરોવાયેલા છે. બાળકનો જન્મ દિવસ હોય કે પુત્રના લગ્ન તેમનો પ્રકૃતિ પ્રેમ એવો કે દરેક પ્રસંગની ઉજવણી વૃક્ષા રોપણ અને ચકલીના માળા વિતરણ જેવી પ્રવૃતિથી જ થાય. આ કામ માટે તેમણે નવરંગ નેચર ક્લબની (Navrang nature Club) સ્થાપના કરી હજારો લોકોને આ ભગીરથ કામમાં જોડી પ્રકૃતિ બચાવો અભિયાનને વેગવંતું બનાવ્યું છે.

ખેડૂતો ઓર્ગેનિક અને ગૌ આધારીત ખેતી તરફ વળે માટે ખેડૂત અને ગ્રાહકનો સંગમ કરાવવાનું કામ પણ વી.ડી. બાલા કરી રહ્યા છે. જે માટે વી.ડી. બાલાએ રાજકોટમાં ઓર્ગેનિક હાટ શરૂ કરી જ્યાં રવિવારના દિવસે ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી શકે તેવું તંત્ર ઉભું કર્યું છે. ઉપરાંત આ કામથી તેઓએ ખેડૂતોને પણ પ્રકૃતિ તરફ પાછા વાળ્યા અને પંખીઓ માટે ખેતર કે વાડીમાં જુવાર અને બાજરીનું વાવેતર કરવા પ્રેરીત કર્યા. આમ તો વી.ડી. બાલાના મુખ્ય કાર્યની વાત કરીએ તો ચકલી બચાવો અભિયાન માટે તેમણે અકલ્પનીય કાર્ય કરી બતાવ્યું છે.

ગાયબ થઇ રહેલી ચકલી બચાવવા માટે વી.ડી. બાલાએ વર્ષ 2014થી 2022 સુધીમાં 60 હજાર ચકલીના માળા ટોકન દરે વિતરણ કરી લીધા છે. સાથે જ તેમણે પંખીઓ માટે પોર્ટેબલ ચબૂતર અને પંખીઓના ચણ માટેના સાધનો વિકસાવી તેનું પણ વિતરણ કર્યું છે. જેમાં તેઓ પ્રત્યેક વર્ષે 10 હજાર જેટલા પોર્ટેબલ ચબૂતરા માત્ર રૂપિયા 10માં વિતરણ કરી લોકોને પંખી બચાવવા માટે પ્રેરીત કરી રહ્યા છે.

વૃક્ષારોપણ માટે વી.ડી. બાલાએ સૌરાષ્ટ્રના અનેક ગામમાં જઈ વૃક્ષો વાવી અને વવડાવી હરિયાળી ભૂમીના અભિયાનને વેગ આપ્યો છે. ઉપરાંત દર રવિવારે તેઓ ફળ ફળાદી સહિતના વૃક્ષો ટોકન દરે વિતરણ કરે છે તેમજ હજારો વૃક્ષોનું નિઃશૂલ્ક વિતરણ અને વાવેતર તેઓ કરી ચૂક્યા છે. સાથે જ ‘રામ કી ચીડીયા રામ કા ખેત’ના અભિયાન હેઠળ 30 હજાર ખેડૂતોને ખેતીમાં પાક સાથે પંખી માટે બાજરી અને જુવાર ઉગાડવા માટે સમજાવી ચૂક્યા છે.

બાળકો પણ સ્વસ્થ બને તેમજ સાદુ અને સાત્વિક જીવન જીવે અને બાળકોનું પણ પ્રકૃતિ પ્રત્યેનું વલણ વધે તેવા પણ તેમના પ્રયાસો રહ્યા છે. તેઓ બાળકો ખડતલ રહે અને જૂની શેરી રમતો રમી સ્વાસ્થને રમતાં-રમતાં જાળવી લે તે માટે પણ પ્રયાસો કરી રહ્યા છે. જે કામ માટે તેઓ વિવિધ શાળા અને સંસ્થાના બાળકોને શેરી રમત રમતા કરવા માટેના આયોજન કરતા રહે છે. જે માટે તેઓ વર્ષ 2016થી 20 જેટલા ગામની શાળાઓમાં પણ જઈ બાળકોને રમત રમાડી સ્વાસ્થ માટે સજાગ કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796