નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કતાર કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની અરજી સ્વીકારી લીધી છે. કતારની કોર્ટ ટૂંક સમયમાં તેની અપીલ પર સુનાવણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ આઠ પૂર્વ નેવી ઓફિસરોને કતારમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
ભારત સરકારે આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓની ફાંસીની સજા વિરુદ્ધ આ અરજી દાખલ કરી છે. કતાર કોર્ટે 23 નવેમ્બર 2023ના રોજ તેનો સ્વીકાર કર્યો હતો અને હવે તે અપીલનો અભ્યાસ કરશે અને ટૂંક સમયમાં તેની સુનાવણી શરૂ કરશે. ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓ કતારમાં દેહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ તમામની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. કતાર સરકારે પૂર્વ નૌસેના અધિકારીઓ સામેના આરોપો અંગે માહિતી આપી નથી. 26 ઓક્ટોબર, 2023ના રોજ કતાર કોર્ટે આ પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
કતાર સરકારે હજુ સુધી આઠ ભારતીયો સામેના આરોપો જાહેર કર્યા નથી. જો કે, એવી આશંકા છે કે સુરક્ષા સંબંધિત ગુનાઓના આરોપસર આ ધરપકડ કરવામાં આવી છે. કતારી મીડિયાનો દાવો છે કે, ભારતીય અધિકારીઓ ઈઝરાયેલ માટે જાસૂસી કરતા હતા. ભારત સરકારે પણ આરોપો અંગે માહિતી આપી નથી.
નોંધનીય છે કે, ધરપકડ બાદ ઘણા દિવસો સુધી આ બાબતને ગુપ્ત રાખવામાં આવી હતી અને કતાર સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી ન હતી. 1 ઓક્ટોબર, 2022ના રોજ, દોહામાં ભારતીય રાજદૂત અને ડેપ્યુટી ચીફ ઓફ મિશન આ ભૂતપૂર્વ અધિકારીઓને મળ્યા હતા. પ્રથમ કોન્સ્યુલર એક્સેસ 3 ઓક્ટોબર, 2022ના રોજ આપવામાં આવ્યું હતું. તમામ આઠ અધિકારીઓ સામે 25 માર્ચ 2023ના રોજ આરોપો ઘડવામાં આવ્યા હતા અને 29 માર્ચે ટ્રાયલ શરૂ થઈ હતી. તમામને 26 ઓક્ટોબર 2023ના રોજ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
કતારમાં જે ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. દેહરા ગ્લોબલ કંપની કે જેના માટે આ ભારતીયો કામ કરતા હતા તેના સીઈઓ ખામિલ અલ આઝમી ઓમાન એરફોર્સના ઓફિસર રહી ચૂક્યા છે. આઝમીની પણ અગાઉ અટકાયત કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796